રાજકોટ : બાંધકામ સાઇટ પરથી શ્રમિક પરિવારની છ વર્ષની બાળકીની હત્યારો આરોપી ઝડપાયો

0
21
Share
Share

ઝડપાયેલા આરોપીએ રાજસ્થાનમાં વૃધ્ધની હત્યા અને બાળકી સાથે દુષ્કર્મ આચરી હત્યા કર્યાની કબુલાત : ક્રાઇમ બ્રાન્ચની જહેમત બાદ ગુન્હાનો ભેદ ખુલતાં ટીમને ઇનામ આપતા કમિશ્નર

રાજકોટ તા. ૧૯

શહેરના ગોંડલ રોડ પુનિતનગર પાસે વાવડી રોડ પર નવા બનતા વૃંદાવન ગ્રીન સિટી નામની સાઇટ પર મજુરી કામ કરતાં મજુર પરિવારની છ વર્ષની બાળકીનું અપહરણ કરી તેની હત્યા કરવામાં આવી હતી. આ બનાવના સવા મહિના બાદ ક્રાઇમ બ્રાંચે આ બાળકીની હત્યાનો ભેદ ઉકેલી નાખી સિરિયલ કિલર બહુનામધારી શખસને ઝડપી લીધો હતો. જેની પુછપરછમાં આ શખસે અગાઉ રાજસ્થાનમાં એક વૃધ્ધ અને બાળકી સાથે દુષ્કર્મ ગુજારીને હત્યા કરી હોવાનું ખુલ્યું છે તેમજ જે બાળકીની હત્યા કરવામાં આવી તે બાળકી સાથે પણ તેને દુષ્કર્મનો પ્રયાસ કર્યો હોવાનું બહાર આવ્યું છે. આ શખસ પેડોફિલથી પીડાતો હોવાનું પોલીસે જણાવ્યું છે.

મુળ દાહોદના ગરવાળાના અરવિંદભાઇ રસિયાભાઇ ડામોરની છ વર્ષની પુત્રી નેન્સી ગત તા. ર૩ ઓગસ્ટના રોજ સાઇટ ઉપરથી ગુમ થઇ હતી અને બીજા દિવસે તેની ગળુ કાપી હત્યા કરાયેલી લાશ મળતા ખળભળાટ મચી ગયો હતો. આ બનાવમાં પોલીસ કમિશનર મનોજ અગ્રવાલે અલગ અલગ ટીમ બનાવી તપાસ કરવા આદેશ આપ્યો હતો. ક્રાઇમ બ્રાંચ અને એસઓજીની ટીમે આ હત્યા કેસનો ભેદ ઉકેલવા અલગ અલગ દીશામાં તપાસ શરૂ કરી હતી.

તે દરમિયાન તપાસમાં વૃંદાવન ગ્રીન સિટીના મજુરોની પુછપરછમાં વિક્રમ નામનો એક શખસ લાપતા હોવાનું જાણવા મળ્યું હતુ. પોલીસે વિક્રમનું નામ અને સરનામું સહિતની માહિતી મેળવવા તપાસ કરતાં કોઇની પાસે તેનુ પુરું નામ અને સરનામું ન હતુ. બીજી તરફ તેનો મોબાઇલ પણ સ્વીચઓફ હતો. આ પ્રકરણમાં રાજકોટ પોલીસે આશરે ૧પ૦૦ જેટલા અલગ અલગ સાઇટો પર મજુરી કામ કરતાં મજુરોની પુછપરછ કરી અને વિક્રમને શોધવા પ્રયાસો કર્યા. તે દરમિયાન પોલીસને વિક્રમ અંગે મહત્વની કોઇ માહિતી ન મળી. ક્રાઇમ બ્રાંચની ટીમને વિક્રમ તાજેતરમાં જામનગરના લાલપુર તાલુકાના કરેણા ગામે હોવાની માહિતી મળતા ત્યાંથી તેને દબોચી લેવાયો હતો. છ વર્ષની નેન્સીની હત્યા કરનાર મુળ રાજસ્થાનના ડુંગરપુરના સીંબલવાળા ગામના કાળુ ઉર્ફે વિક્રમ ઉર્ફે અજુર્ન જીવાભાઇ ડામોર (મીણા) નામના ૪૦ વર્ષના શખસને ઝડપી લીધો હતો.

પોલીસ તપાસમાં કેટલીક ચોંકાવનારી હકીકતો સામે આવી હતી જેમાં કાળુ ઉર્ફે વિક્રમ ડુંગરપુરમાં વર્ષ ૨૦૦૨માં વૃધ્ધની હત્યાના ગુનામાં સંડોવાયેલો હોય અને તેને આજીવન કેદની સજા પડી હતી અને તે ઉદયપુરની જેલ ટ્રાન્સફર દરમિયાન જેલમાંથી ભાગી ગયો હતો. વર્ષ ૨૦૧૫માં વિક્રમે અજુર્ન નામ ધારણ કરી રાજસ્થાનના જોધપુર ખાતે સેન્ટીંગ કામ શરૂ કર્યું હતું અને ત્યાં પાંચ વર્ષની મજુર પરિવારની બાળકી સાથે દુષ્કર્મ ગુજારી તેની હત્યા કરી ફરાર થઇ ગયો હતો. જે ગુનામાં તે હજુ સુધી ફરાર છે ત્યારબાદ તે રાજકોટ આવી ગયો હતો અને રાજકોટમાં તેણે કાળુ નામ ધારણ કરીને મજુરી કામ શરૂ કર્યુ હતું અને તે દરમિયાન અરવિંદભાઇની છ વર્ષની પુત્રી નેન્સીને ઉઠાવી જઇ તેની સાથે દુષ્કર્મનો પ્રયાસ કરી તેને મોતને ઘાટ ઉતારી દીધી હતી. ત્યાર બાદ તે સોમનાથ વેરાવળ ગયો હતો અને ત્યાં તેણે ફોન તોડીને ફેંકી દીધો હતો. ત્યારબાદ તે પોરબંદર અને જામનગરના લાલપુર તેમજ કરેણા ગામે રોકાયો હતો અને પોલીસના હાથે આબાદ ઝડપાઇ ગયો હતો.

 

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here