જીલ્લામાં કૂલ ૭૮ સ્થળોએ કોલ્ડ ચેઈન સાથે વેક્સીન સ્ટોરેજની સુવિધા
રાજકોટ, તા.૧૨
તાજેતરમાં રાજકોટ જિલ્લામાં કોરોના સંક્રમણથી બચવા માટે આરોગ્ય તંત્ર દ્વારા આગામી સમયમાં તબક્કાવાર વેક્સિન આપવાની કામગીરી હાથ ધરવામાં આવનાર છે. તેના ભાગ રૂપે તા.૧૬/૧ ના રોજ રાજકોટ જીલ્લાના સબ ડીસ્ટ્રીકટ હોસ્પિટલ જેમ કે ગોંડલ, જેતપુર, ધોરાજી, ઉપલેટા અને જસદણ એમ કુલ પાંચ સ્થળોએ સરકારી અને પ્રાઈવેટ હોસ્પિટલ, દવાખાનામાં ફરજ બજાવતા હોય અને કોવિડ સોફટવેરમાં નામ નોંધવામાં આવેલ હોય તથા તા.૧૬/૧ ના રોજ વેકસીન લેવા જવા અંગેનો એસએમએસ આવેલ હોય તેવા આરોગ્ય કર્મચારીઓને રસી આપવાનો કાર્યક્રમ યોજવામાં આવેલ છે. આ દરેક સ્થળે અંદાજીત ૧૦૦ આરોગ્ય કર્મીઓને વેકસીન આપવાનો નિર્ધાર કરવામાં આવેલ છે.
જીલ્લામાં વિભાગીય નિયામકની કચેરી ખાતેથી જીલ્લા પંચાયત ખાતેના વેકસીન સ્ટોર ખાતે વેક્સીન લાવવા માટે અને જીલ્લાના સ્ટોર ખાતેથી ઉપરોક્ત પાંચ સબ ડીસ્ટ્રીકટ હોસ્પિટલ ખાતે વેક્સીન પહોંચતુ કરવા માટે હાઈ સિક્યોરીટીમાં પોલિસ પ્રોટેકશન સાથે પહોંચતુ કરવામાં આવનાર છે. ભારત સરકારની ગાઈડલાઈન મુજબના પ્રા.આ.કે., સા.આ.કે. અને સરકારી હોસ્પિટલ વગેરે સ્થળોએ આવા કુલ ૭૮ કોલ્ડ ચેઈન પોઈન્ટ આવેલા છે. આગામી સમયમાં વેક્સીન સ્ટોક મળ્યેથી દરેક કોલ્ડ ચેઈન પોઈન્ટ ઉપર વેક્સીન ઉપલબ્ધ કરાવવામાં આવનાર છે. આમ જીલ્લામાં વેક્સીન સ્ટોરેજ માટે પર્યાપ્ત સ્ટોરેજ સુવિધા ઉપલબ્ધ છે.
આ સમગ્ર કામગીરીનું સફળ આયોજન અને અમલીકરણ માટે કલેકટર રેમ્યા મોહન તથા જીલ્લા વિકાસ અધિકારી અનીલ રાણાવસિયાના સતત માર્ગદર્શનમાં જીલ્લાનુ વહીવટી તંત્ર અને જીલ્લા આરોગ્ય તંત્ર સતત કામગીરી કરી રહેલ છે.