રાજકોટમાં હનીટ્રેપમાં ઝડપાયેલી ટોળકીએ વધુ ૨૦ લોકોનાં શિકાર કર્યાની આશંકા

0
15
Share
Share

બે જીઆરડી જવાન તથા દંપતિ સહિત પાંચ સામે ફરિયાદ કરવા પોલીસની અપીલ

રાજકોટ, તા.૯

મોરબીના જમના ટાવરમાં રહેતા અને ગાંઠીયાની દુકાન ધરાવતા જય હીરાભાઈ સોમૈયા (ઉ.વ.૪૬)ને રાજકોટના નાણાવટી ચોકમાં રહેતી તેની મિત્ર અલ્પાએ મળવા બોલાવ્યા બાદ તેને હનીટ્રેપમાં ફસાવી અલ્પાના પતિ આશિષ મારડિયા અને પોલીસના સ્વાંગમાં રચનાર ત્રણ અજાણ્યા શખ્સોએ પાંચ લાખની માંગણી કરી સંજય પાસેથી ૨ લાખ રૂપિયા પડાવી લીધા હતા. આ પ્રકરણમાં પોલીસ ફરિયાદ નોંધાયા બાદ જી.આર.ડી.ના બે જવાન અને સ્પા સંચાલક અને તેની પત્ની સહિત પાંચની પોલીસે ધરપકડ કરી છે. સંજય ચાર વર્ષથી અલ્પાના પરિચયમાં હતો પરંતુ ચાર મહિનાથી મિત્રતા છોડી દીધી હતી. થોડા દિવસ પૂર્વે અલ્પાએ ફોન કરતા ફરીથી મોબાઈલ પર વાતચીત શરૂ કરી હતી. તા.૪ના અલ્પાએ ફોન કરીને કહ્યું હતું કે, મારો પતિ તા.૭ ના બહારગામ જવાનો છે, તું મારા ઘરે આવજે. પ્રેમિકાએ ઘરે બોલાવતા તા.૫ ના સવારે સંજય સોમૈયા પોતાની કાર લઈને રાજકોટ આવ્યો હતો અને અલ્પાના ઘરે ગયો હતો. અલ્પાએ રૂમનું બારણું બંધ કર્યું હતું અને થોડીવાર બાદ તેનો પતિ આશિષ તથા તેનો મિત્ર કેશોદના અણિયારાનો વતની અને હાલ રાજકોટ રહેતો જય સુરેશ પરમાર ઘરમાં આવ્યા હતા અને અલ્પાની છેડતી કરી છે તેમ કહી વેપારી સંજયને ધમકાવવાનું શરૂ કર્યું હતું, આશિષે ફોન કરતા  સહકારનગર મેઈન રોડ પર રહેતો જીઆરડી શુભમ નીતિન શિશાંગીયા અને ૧૫૦ ફૂટ રીંગ રોડ પર આંબેડકર સર્કલ પાસે આરકે પાર્ક પ્લોટ નંબર ૨૦ માં રહેતા રિતેષ ભગવાનજી પટેલ ત્યાં પહોંચ્યા હતા અને બંનેએ પોતાની ઓળખ પોલીસ તરીકે આપી ગુનામાં ફીટ કરી દેવાની ધમકી આપી હતી. અલ્પા સહિત ચારેય શખ્સે બળજબરીથી વેપારી સંજયના ખિસ્સામાંથી રૂા.૨૨૫૦૦ કાઢી લીધા હતા અને ફરિયાદ ન થવા દેવી હોય તો રૂા.૫ લાખ આપવા પડશે તેવી વાત કરી હતી. લાચાર બનેલા સંજયે રકઝક કરીને રૂા.૨ લાખ ૧૦ ઓકટોબરના રોજ આપવાનુ નક્કી થયુ હતુ. મહામુસીબતે પ્રેમિકાના ઘરેથી નીકળેલા સંજયે ઘરે જઈને પરિવારજનોને વાત કરી હતી અને પોતાને ફસાવ્યાનું સ્પષ્ટ થતા ફરિયાદ નોંધાવી હતી. આ અંગે સંજય સોમૈયાએ યુનિવર્સિટી રોડ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. જેના આધારે પીઆઈ ચાવડા પીએસઆઈ અરવિંદસિંહ જાડેજા અને તેમની ટીમે અલ્પા અને તેનો પતિ આશિષ ઉપરાંત જી.આર.ડી.ના બે જવાન શુભમ અને રિતેશ અને તેને મદદગારી કરનાર જયને ઝડપી લીધા હતા. સુત્રધાર આશિષ મારડિયા કેકેવી હોલ પાસે સ્પા ચલાવે છે અને તેને ત્યાં યુવતીઓ પાસે સ્પા કરાવવા આવતા લવરમૂછિયા સ્પા કરાવીને નીકળે એટલે તેના મિત્રોને બોલાવી તેમની પાસેથી રૂપિયા પડાવી લેતો હતો અને તે શખ્સો પોલીસના સ્વાંગમાં એ યુવકોને ધમકાવીને તેની પાસેથી પૈસા પડાવતા હતા.

મોટાભાગના બનાવોમાં આબરૂ જવાની બીકે લોકોએ ફરિયાદ કરી ન હોવાથી આ ટોળકીએ વધુ શિકાર કર્યા હોય પોલીસે આ ટોળકીનો ભોગ બનેલા લોકોને પોલીસ ફરિયાદ માટે યુનિવર્સિટી રોડ પોલીસનો સંપર્ક કરવા જણાવ્યું છે.

 

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here