રાજકોટમાં હનિટ્રેપમાં મોરબીનાં વેપારીને ફસાવી રર,પ૦૦ પડાવનાર દંપતિ ઝબ્બે, ૩ સકંજામાં

0
17
Share
Share

રાજકોટ તા. ૮

મોરબીમાં રવાપર રેસિડેન્સીમાં રહેતા અને સનાળા રોડ પર ગાંઠિયા રથ નામની દુકાન ચલાવતા સંજય હીરાભાઈ સોમૈયા (ઉ.વ ૪૬) નામના આધેડ વયના વેપારીએ યુનિવર્સિટી પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે રાજકોટમાં ૧૫૦ ફૂટ રિંગરોડ રોડ પર નાણાવટી ચોક પાસે રામેશ્વર શેરી ન.૩ માં રહેતી અલ્પના આશિષ મારડીયા તેના પતિ આશિષ અને ત્રણ અજાણ્યા શખ્સોના નામ આપ્યા છે.

ફરિયાદમાં જણાવ્યા મુજબ આધેડનો અલ્પા સાથે સોશિયલ મીડિયા મારફત પરિચય થયો હતો.ચાર વર્ષથી બંને વચ્ચે મિત્રતા હતી.ચાર માસ પૂર્વે મિત્રતા મૂકી દીધા બાદ ત્રણ માસ પૂર્વે બંને વચ્ચે ફરી વાતચીત શરૂ થઈ હતી.અલ્પાએ વેપારી સાથે મીઠીમીઠી વાતો કરી બુધવારે પતિ એગ્રીમેન્ટ કરવા બહારગામ જવાનો હોવાનું કહી પોતાના ઘરે આવવાનું અને સાથે સમય વિતાવવાનું આમંત્રણ આપ્યું હતું. પ્રેમિકા સાથે અંગત પળો માણવાની લહાયમાં વેપારી રૈયા વિસ્તારમાં આવ્યો હતો. અલ્પા વેપારીને રૂમમાં લઇ ગઇ હતી, રૂમમાં ગયાની થોડી જ ક્ષણો વીતી હતી ત્યાં અલ્પાનો પતિ આશિષ મારડિયા પહોંચ્યો હતો અને પોતાની પત્ની સાથે ખરાબ ધંધા કરે છે, પોલીસને બોલાવું છું તેમ કહી વેપારીને ધમકાવ્યો હતો.અને ઢીકાપાટુનો મારમાર્યો હતો .આ સમયે તેની સાથે એક અજાણ્યો શખ્સ પણ હતો.બાદમાં આશિષે ફોન કરતાં જ બે શખ્સ આવ્યા હતા અને તેણે પોતાની ઓળખ પોલીસ તરીકે આપી હતી.

અલ્પા, તેનો પતિ આશિષ અને પોલીસનો સ્વાંગધારી બંને શખ્સ વેપારીને ધમકાવવા લાગ્યા હતા.અને ૫ લાખની માંગણી કરી હતી.બાદમાં રૂ.૨ લાખ આપવાનું નક્કી થયું હતું. દરમિયાન વેપારીના ખિસ્સામાંથી રૂ.૨૨,૫૦૦ કાઢી લીધા હતા. પોતે ચીટર ગેંગમાં ફસાઇ ગયાનું લાગતા વેપારીએ મોરબી જઇ પૈસા લઇને આવશે તેવી ખાતરી આપી ત્યાંથી રવાના થઈ પોલીસ સ્ટેશને પહોંચ્યો હતો. પોલીસે વેપારીની ફરિયાદ પરથી ગુનો નોંધ્યો હતો.

આ મામલે પી.એસ.આઈ અરવિંદસિંહ જાડેજા તથા ટીમે તાકીદે આરોપી દંપતિને ઝડપી લીધું હતું.અને કોરોન ટેસ્ટ કરાવવા તજવીજ હાથ ધરી છે.તેમજ અન્ય ત્રણ આરોપીઓને પણ પોલીસે સકંજામાં લઈ લીધા હોવાનું માલુમ પડ્યું છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here