રાજકોટમાં યુનિ રોડ પર રહેતા સ્થાનિકો કેરોસીનની બોટલો સાથે મનપા કચેરીએ પહોચ્યા

0
19
Share
Share

રાજકોટ,તા.૧૭

રાજકોટ મનપા દ્વારા શહેરમાં સતત બીજા દિવસે ડિમોલિશનની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. મનપા દ્વારા આજે યુનિવર્સિટી રોડ પર ગેરકાયદે ઉભા કરવામાં આવેલા મકાનો તોડી પાડવામાં આવ્યાં હતા અને કરોડો રૂપિયાની જમીન ખુલ્લી કરવામાં આવી હતી. જો કે ડિમોલિશનની કાર્યવાહી થતાં સ્થાનિકોમાં રોષ જોવા મળ્યો હતો અને આત્મવિલોપનની ચીમકી ઉચ્ચારી હતી. સ્થાનિકો કેરોસીન લઈને કોર્પોરેશન કચેરી દોડી જઈ આત્મવિલોપન કરવાની ચીમકી આપી હતી જેને લઈને કચેરીમાં દોડધામ મચી ગઈ છે. જો કે ડેપ્યુટી કમિશનરે જરૂરી કાર્યવાહીની ખાતરી આપતા મામલો થાળે પડ્યો હતો.

મહત્વનું છે કે કોર્પોરેશન બહાર પોલીસની હાજરીમાં ટોળા જોવા મળ્યાં હતા અને પોલીસની હાજરીમાં જ સાથે જ સોશિયલ ડિસ્ટન્સનો ઉલાળિયો થયો હતો. મનપાની ટાઉન પ્લાનિંગ શાખાના અધિકારીઓએ યુનિવર્સિટી રોડ પર આવેલા ૭૦ જેટલા કાચા-પાકા મકાનો તોડી પાડી ૮ હજાર ચોરસ મીટર જમીન ખુલ્લી કરવામાં આવી હતી. મનપા દ્વારા અંદાજીત ૬૫ કરોડની કિંમતની જમીન ખુલ્લી કરવામાં આવી હતી. રોષે ભરાયેલા સ્થાનિકોએ આક્ષેપ કર્યો હતો કે નોટિસ આપ્યા વગર જ ડિમોલિશનની પ્રક્રિયા કરવામાં આવી છે. જેથી સ્થાનિકોએ વિરોધ કર્યો હતો.

જોકે પોલીસ અને વિજિલન્સ સ્ટાફ દ્વારા તેમને અટકાવીને કાર્યવાહી પૂર્ણ કરવામાં આવી હતી. જેથી સ્થાનિકો કેરોસિનની બોટલો સાથે મનપા કચેરી દોડી ગયા હતા અને આત્મવિલોપનની ચીમકી આપી હતી. જો કે સ્ટાફ દ્વારા તમામને અટકાવી કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો. બાદમાં સ્થાનિકોએ ડેપ્યુટી કમિશનરને રજૂઆત કરી હતી અને વૈકલ્પિક જગ્યા ફાળવવા માંગ કરી હતી. આ મુદ્દે ડેપ્યુટી કમિશનરને જરૂરી કાર્યવાહીની ખાતરી આપ્યા બાદ મામલો થાળે પડ્યો હતો.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here