રાજકોટ,તા.૧૯
રાજકોટમાં વધુ એક ગેબ્રીંગ એક્ટ હેઠળ ગુનો નોંધાયો છે. સૌરાષ્ટ્રમાં પ્રથમ વખત રાજકોટમાં બે સગી બહેનો વિરુદ્ધ લેન્ડ ગ્રેબિગનો ગુનો નોંધાયો છે, જેમણે તેના ૮૧ વર્ષીય સગા મામાનું મરણ મૂડી સમાન મકાન પડાવી લીધું છે. ઉપરાંત દસ્તાવેજ કરી આપવા વૃદ્ધ મામા પર દબાણ કરી દસ્તાવેજ નહિ કરી આપે તો જાનથી મારી નાખવાની અને ટાંટિયા ભાંગી નાખવાની ધમકી આપતા પ્રૌઢે ભક્તિનગર પોલીસ મથકે મકાન પચાવી પાડ્યા અંગે ગુનો નોંધવ્યો છે. પ્રાપ્ત વિગત અનુસાર રાજકોટની ગેલેક્સી ટોકીઝ પાસે ગેલેક્સી એપાર્ટમેન્ટમાં રહેતા જૈન વણિક અરવિંદભાઈ ન્યાલચંદભાઇ મહેતાએ ફરિયાદ નોંધાવતા જણાવ્યું હતું કે, અગાઉ હું ૫૦ વર્ષથી ગરેડીયા કુવા રોડ ઉપર પુજારા બ્રધર્સ મકાનમાં બોલ બેરીગ એન્ડ મશીનરી નામથી મશીનરીની દુકાન ધરાવી વેપાર ધંધો કરતો હતો.
વર્ષ ૨૦૧૬થી દુકાને બેસવાનું બંધ કર્યું અને હાલ મારી પત્ની આશાબેન સાથે માયાણી ચોક પટેલ કોલોનીમાં રહું છું અને નિવૃત જીવન ગાળું છું. વધુમાં ફરિયાદી એ જણાવ્યું હતું કે,’મારી દીકરી રીનાબેન પરેશભાઇ શેઠ ભાવનગર સાસરે છે. આ સિવાયની મારી બીજી મિલ્કત વાણીયાવાડી શેરી નં.૨માં મકાન છે. આ મકાનના સી ટી સર્વે વોર્ડ નં.- ૧ સી ટી સર્વે નં.- ૧૧૫૭ ના રેવન્યુ સર્વે નં . – ૩૩૮ પૈકી સનદ નં. – ૬૬ પૈકી પ્લોટ નં. ૨૩ પૈકીની જમીન ચો.વા.આ. ૧૨૭-૪૨ છે. તા. ૧૯/૦૩/૧૯૬૩ ના રોજ મે લીલાધર ગોરધનભાઇ પાસેથી આ મકાન ખરીદ કર્યું હતુ. આ મકાન લીધું ત્યારે હું મારા પિતા સાથે પ્રહલાદ પ્લોટમાં રહેતો હતો. જેથી મકાન ખાલી પડ્યું હતું. ૧૯૬૪માં મારા આફ્રિકા રહેતા મોટા બેન મંજુબેનના પતિ અનિલભાઇ મહેતા એટલે કે મારા બનેવીનું અવસાન થયા મંજુબેન તેમના ત્રણ દિકરીઓ તથા બે દીકરાઓ સાથે અહીં રાજકોટમાં આવતા કોઈ આશરો ન મળતા આઠ-દસ વર્ષે પ્રહલાદ પ્લોટમાં મારા પિતાના મકાનમાં મંજુબેન તેમના બાળકો સાથે અમારી સાથે રહેતા.
ત્યારબાદ અહીં જગ્યા ટૂંકી પડતી હોવાથી મારા પિતાના કહેવાથી મંજુબેનને અમે વણીયાવાડી વાળું મકાન ૧૯૭૪માં રહેવા માટે આપ્યું હતું. વધુમાં ફરિયાદી એ જણાવ્યું હતું કે,બે મહીના પછી મારી ભાણેજ અમીતા મારા ઘરે આવી હતી અને કહ્યું કે, ’તમારા વાણીયાવાડી વાળા મકાનનો દસ્તાવેજ મારા નામે કરી દો નહી તો ટાંટીયા ભાંગી નાખીશુ. તમે વાણીયાવાડી વાળા મકાનમાં જવ તો ખરા’ એમ કહી ને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. ત્યારબાદ પણ અવાર – નવાર મને ફોન આવે છે, અને દસ્તાવેજ કરી આપવા માટે દબાણ કરી પાક ધમકી આપે છે. હિના પણ જૂન ૨૦૨૦માં મારા ઘરે આવી હતી અને અમારા એપાર્ટમેન્ટના ચોકીદારની હાજરીમાં દસ્તાવેજ કરી આપવા દબાણ કર્યું હતું અને કહ્યું હતું કે, વણીયાવાડી વાળા મકાનમાં પગ મૂકી જોવો ખબર પાડી દઉં જેથી અમે એકલા રહેતા હોય, પોલીસ કમિશ્નરને આ અંગે અરજી કરી હતી.