રાજકોટમાં બે વ્યાજખોરો દ્વારા યુવાનનું અપહરણ-ધમકી

0
24
Share
Share

એક શખ્સને ગણતરીનાં કલાકોમાં ઝડપી લેતી પોલીસ, એકની શોધખોળ

રાજકોટ, તા.૧૫

રાજકોટ શહેરમાં વ્યાજખોરીએ ફરી એક વખત માથુ ઉંચકયુ છે કોરોના કાળ દરમિયાન ધંધા-રોજગારથી બેરોજગાર બનેલા વ્યક્તિઓ દ્વારા અગાઉ લોકડાઉન પહેલા વ્યાજે લીધેલી રકમનુ હવે આકરૂ ઉઘરાણું કરવામાં આવી રહ્યું છે. શહેરના સંતકબીર રોડ ઉપર રહેતા યુવાને અગાઉ મકાન બનાવવા માટે ભરવાડ શખ્સો પાસેથી વ્યાજે રૂપિયા લીધા હોય તેનુ વ્યાજ સહિતનુ મુદ્દલ ચુકવી દીધા હોવા છતા બન્ને શખ્સો દ્વારા મુદ્દલ અને તેટલુ જ તેનુ વ્યાજ માંગી પઠાણી ઉઘરાણીમાં અપહરણ કરી ધમકી આપવામાં આવતી હોય ત્યારે આ અંગે થોરાળા પોલીસ મથકમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે. વ્યાજખોરો દ્વારા અગાઉ યુવાનની માસુમ પુત્રીને પણ ઉઠાવી લેવાની ધમકી આપવામાં આવી હતી.

મળતી માહિતી મુજબ શહેરના થોરાળા પોલીસ મથકમાં સંતકબીર રોડ ઉપર રહેતા મુન્નાભાઈ સવાભાઈ જોગહવાએ રામપાર્ક, આજીડેમ ચોકડી પાસે માનસરોવર ઢાળિયા નજીક રહેતા દિનેશ જીવણભાઈ મુંધવા અને તેના ભાઈ હરેશ જીવણ મુંધવા તથા તેની સાથેના બે અજાણ્યા શખ્સો વિરુદ્ધ અપહરણ તેમજ જાનથી મારી નાખવાની ધમકી અને વ્યાજની પઠાણી ઉઘરાણી કરતા હોવાની ફરિયાદ નોંધાવી છે. આ ફરિયાદમાં મુન્ના જોગહવાના જણાવ્યા મુજબ તે અગાઉ રીક્ષા હંકારી ગુજરાન ચલાવતો હતો પરંતુ અકસ્માત થયા બાદ તેણે તે રીક્ષા ભાડે આપી દીધી હતી દરમિયાન મુન્ના જોગહવાએ દોઢ વર્ષ અગાઉ મકાન બનાવવા માટે રામપાર્કમાં રહેતા દિનેશ મુંધવા પાસેથી રૂા.૬ લાખ વ્યાજે લીધા હતા જે રકમ ચુકવી ન શકતા તેની ચુકવણી કરવા તેના ભાઈ હરેશ મુંધવા પાસેથી કટકે કટકે રૂા.૯ લાખ વ્યાજે લીધા હતા ત્યારબાદ જરૂરીયાત ઉભી થતા દિનેશ પાસેથી વધુ રૂા.૫ લાખ મળી બન્ને ભાઈઓ પાસેથી રૂા.૨૦ લાખ વ્યાજે લીધા હતા જેના બદલવામાં વ્યાજ સહિત રૂા.૨૧ લાખ ચુકવી દીધા હોવા છતા બન્ને ભાઈઓ દ્વારા મુન્ના જોગહવા પાસેથી મુદ્દલના રૂા.૨૦ લાખ તથા તેનુ રૂા.૨૦ લાખનુ વ્યાજ મળી રૂા.૪૦ લાખની માંગણી કરી પઠાણી ઉઘરાણીમાં જાનથી મારી નાખવાની ધમકી આપતા હતા દરમિયાન આરોપી દિનેશે પોતાના બે મળતિયાઓ સાથે મળી મુન્નાનુ સ્કોર્પિયો કારમાં અપહરણ કરી મારી નાખવાની ધમકી આપી હતી. આ ઉપરાંત મુન્નાએ દિનેશ અને હરેશ પર વધુ આક્ષેપ મુકતા જણાવ્યું હતુ કે, આ બન્ને શખ્સોએ વ્યાજની પઠાણી ઉઘરાણીમાં તેની ત્રણ વર્ષની માસુમ પુત્રીને ઉઠાવી જવાની પણ ધમકી આપી હતી. આ મામલે થોરાળા પોલીસ દ્વારા મુન્ના જોગહવાની ફરિયાદ પરથી દિનેશ તથા હરેશ અને બે અજાણ્યા શખ્સો મળી કુલ ચાર સામે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

 

 

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here