રાજકોટમાં કોરોના રસીના ૧૬,૫૦૦ સહિત કુલ ૭૭ હજાર ડોઝનું ફૂલહાર સાથે સ્વાગત

0
28
Share
Share

રાજકોટ,તા.૧૩
કોરોના વેક્સિનનો ૭૭,૦૦૦નો ડોઝ રાજકોટ આવી પહોંચ્યો છે. કૃષિમંત્રી આર.સી. ફળદુએ શ્રીફળ વધેરી વેક્સિનનું સ્વાગત કર્યુ હતું. તેમજ ગીત-સંગીત, તાળીઓ અને ફૂલહારથી વેક્સિનનું સ્વાગત કરવામાં આવ્યું હતું. સંભવતઃ શનિવારથી રાજકોટમાં પ્રથમ રસી આપવામાં આવશે. હાલમાં રીજનલ વેક્સિન સ્ટોર ખાતે વેક્સિનને સ્ટોરેજ કરવામાં આવશે. અહીં ૨૦ લાખ વેક્સિનના જથ્થાના સ્ટોરેજની કેપેસિટી છે, સાથે જ જ્યાં વેક્સિન સ્ટોરેજ છે એ વિસ્તારને પ્રતિબંધિત વિસ્તાર જાહેર કરાયો છે. વેક્સિનનો જથ્થો રાજકોટ પહોંચ્યા બાદ હવે એને અલગ અલગ જિલ્લાને ફાળવી દેવાની કામગીરી હાથ ધરવામાં આવશે, જે માટે જે-તે જિલ્લા અને મનપાની ટીમ હાજર રહેશે અને રાજ્ય સરકારની સૂચના બાદ વેક્સિનની ફાળવણી કરવામાં આવશે.
રાજકોટ ઉપરાંત જામનગર, મોરબી, દ્વારકા, જૂનાગઢ, પોરબંદર ખાતે વેક્સિન મોકલવામાં આવશે. કૃષિ મંત્રી આર.સી.ફળદુએ જણાવ્યું હતું કે, સિરમ ઈન્સ્ટીટ્યુટ ઓફ ઇન્ડિયા દ્વારા આ રસીની શોધ થઈ છે. દેશના પ્રધાનમંત્રીની ઉતકૃષ્ટ ભાવના હતી કે દેશમાં જ કોરોનાની રસીનું સંશોધન થાય અને દેશવાસીઓ સંકટમાંથી બહાર આવે. દસ મહિનાના અંતે હિન્દુસ્તાનની ધરતી પર આ રસીની શોધ થઈ છે. જે ગર્વની બાબત છે. આ રસીના ઉપયોગ વડે રસીકરણથી દેશવાસીઓને કોરોના સામે સુરક્ષા કવચ આપી શકાશે. આજે રાજકોટ ખાતે આ રસીનો પહેલો જથ્થો આવી પહોંચ્યો છે. જ્યારે ભરૂચમાં ૧૪-૧૫ જાન્યુઆરીએ આવશે કોરોના વેક્સિનનો પ્રથમ લોટ, જેને આરોગ્ય શાખાના વેક્સિનેશન સ્ટોરેજ રૂમમાં રાખવામાં આવશે.
ત્યાર બાદ ૧૬ જાન્યુઆરીએ જિલ્લામાં ૭ કેન્દ્ર પર ૭૦૦ આરોગ્યકર્મચારીને કોરોના વેક્સિન આપવામાં આવશે. સિવિલ હોસ્પિટલ કેમ્પસના રીજનલ વેક્સિન સ્ટોરના વિભાગીય નાયબ નિયામક ડો. સતીષ મકવાણાએ કહ્યું હતું કે કોવિશીલ્ડ વેક્સિનના આવેલા કુલ ૧ લાખ ૨૦ હજારનાં જથ્થામાંથી અમદાવાદ કોર્પોરેશન સહિત સુરેન્દ્રનગર, આણંદ, ખેડા અને અમદાવાદ ગ્રામ્યમાં મળીને ૧ લાખ ૧૧ હજાર વેક્સિનનો જથ્થો મોકલી અપાયો છે, જ્યારે બાકીનો ૯ હજાર વેક્સિનનો જથ્થો વેક્સિન સ્ટોર્સમાં બફર સ્ટોક તરીક રખાયો છે, જે જરૂર પડે ઉપયોગમાં લેવામાં આવશે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here