રાજકોટમાં કોરોનાથી મૃત્યુઆંક શૂન્ય પર પહોંચતા તંત્રએ રાહત અનુભવી

0
24
Share
Share

રાજકોટ,તા.૨૯
કોરોના વાઈરસને લઈને રાજકોટ માટે સારા સમાચાર સામે આવી રહ્યા છે. રાજકોટ શહેર અને જિલ્લામાં સતત બીજા દિવસે કોરોનાથી મૃત્યુઆંક શૂન્ય પર હોવાથી આરોગ્ય વિભાગ દ્વારા રાહતનો શ્વાસ લેવામાં આવી રહ્યો છે. આ સાથે શહેર અને જિલ્લામાં કોરોના વાયરસના કેસની સંખ્યામાં પણ ઘટાડો જોવા મળી રહ્યો છે. રાજકોટ જિલ્લામાં ૨૫૮૦ કોવિડ બેડની વ્યવસ્થા છે જેમાંથી ૨૪૦૪ બેડ ખાલી છે એટલે કે ૧૭૬ દર્દી હાલ સારવાર લઇ રહ્યા છે. તેથી ૧૦ મહિના બાદ આખરે તંત્રએ રાહતના શ્વાસ લીધો છે. રાજકોટની અલગ અલગ હોસ્પિટલમાં ૨૫૭ દર્દી સારવાર હેઠળ છે. રાજકોટમાં ૫૯ દર્દી કોરોના મુક્ત થતા ડિસ્ચાર્જ આપવામાં આવ્યો હતો. જ્યારે કોરોનાથી અત્યાર સુધીમાં ૧૪૬ લોકોના મોત થયા હોવાનું તંત્રના ચોપડે નોંધાયું છે. સવારે ૮ વાગ્યાની સ્થિતિએ છેલ્લા ૨૪ કલાકમાં એકપણ મોત નોંધાયું નથી.
રાજકોટ સિવિલ હોસ્પિટલમાં પાંચ માળની કોવિડ હોસ્પિટલ કાર્યરત છે. જે પૈકી ત્રણ માળ ખાલી છે અને બાકીના બે માળ ઉપર ૫૦ જેટલા દર્દીઓ સારવાર લઇ રહ્યા છે. રાજકોટ શહેર અને જિલ્લામાં કોરોનાની પરિસ્થિતિ કાબૂમાં આવતા કલેક્ટર દ્વારા સમરસ હોસ્ટેલ અને કોવીડ કેર સેન્ટર બંધ કરવા નિર્ણય કર્યો છે. અત્યાર સુધીમાં રાજકોટ શહેરમાં કોરોનાના કુલ ૧૫૧૫૫ પોઝિટિવ કેસ નોંધાયા છે જે પૈકી ૨૦૦ જેટલા દર્દી હાલ સારવાર હેઠળ છે. બીજી તરફ સમરસ હોસ્ટેલમાં હેલ્થ સેન્ટર બાદ હવે કોવિડ કેર સેન્ટર પણ બંધ થઇ રહ્યું છે
અને આગામી બે ત્રણ દિવસમાં કલેક્ટર તંત્ર તેનો કબજો સમાજ કલ્યાણ વિભાગને પરત આપી દેશે અને ત્યાંથી બધી જ મેડિકલ સામગ્રી કાઢીને સિવિલ હોસ્પિટલ અથવા તો બીજા કોઇ આરોગ્ય કેન્દ્રમાં લગાવવામાં આવશે. જ્યાં સરકારી હોસ્પિટલોમાં બેડ ખાલી છે, ત્યાં ખાનગી હોસ્પિટલોમાં પણ અનેક બેડ ખાલી છે. મોટાભાગની હોસ્પિટલે કોવિડ ડેઝિગ્નેશનમાંથી નામ ઓછું કરવા સરકાર સામે માંગણી કરી છે. સાથે જ ખાનગી હોસ્પિટલોએ સરકાર પાસે માંગ કરી કે, તેમની હોસ્પિટલમાં અન્ય દર્દીઓને પણ દાખલ કરવાની મંજૂરી આપવામાં આવે. જેથી તેમની ઓપીડી નિયમિત ચાલી શકે. આ માટે મનપા તેમજ જિલ્લા કલેક્ટર કચેરીએ અનેક ખાનગી હોસ્પિટલ દ્વારા અરજીઓ કરાઈ છે. જેમાંથી ધીરે-ધીરે મંજૂરીઓ અપાઈ રહી છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here