રાજકોટમાં કોંગ્રેસના મહિલા કોર્પોરેટરના પતિની બે ગુનામાં ધરપકડ

0
19
Share
Share

રાજકોટ,તા.૨૦
શહેરના વોર્ડ નં.૧૮ના કોંગ્રેસના મહિલા કોર્પોરેટરના પતિ મયૂરસિંહ જાડેજાએ વેપારીને વ્યાજે ધીરેલા નાણાંના બદલામાં વેપારીના ફ્લેટ પર કબજો જમાવી તે ફ્લેટમાં કૂટણખાનું ચાલુ કરાવ્યું હતું. પોલીસે બે ગુના નોંધી વ્યાજખોરીના કેસમાં મયૂરસિંહની ધરપકડ કરી હતી તેમજ ઇમોરલ ટ્રાફિકિંગના કેસમાં મયૂરસિંહનો જેલમાંથી કબજો મેળવવાની કવાયત શરૂ કરી હતી. શહેરના ઢેબર રોડ પર વિવેક એપાર્ટમેન્ટમાં રહેતા વેપારી જતિનભાઇ પ્રમોદભાઇ શેઠે ક્રાઇમ બ્રાંચમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે નીલકંઠ સિનેમા સામે ઓફિસ ધરાવતા મયૂરસિંહ સતુભા જાડેજાનું નામ આપ્યું હતું.
જતિનભાઇ શેઠે ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેમના બીમાર માતાપિતાની સારવાર માટે સાડાત્રણ વર્ષ પહેલા મયૂરસિંહ પાસેથી રૂ.૫ લાખ ૫ ટકા વ્યાજે લીધા હતા, બે મહિના સુધી રૂ.૨૫-૨૫ હજાર વ્યાજ ચૂકવ્યું હતું ત્યારબાદ આર્થિક હાલત કફોડી બનતા વ્યાજ ચૂકવી શક્યો નહોતો. વ્યાજ નહીં ચૂકવી શકવાને કારણે મયૂરસિંહ જ્યારે મળતા ત્યારે વ્યાજની ઉઘરાણી કરતા હતા, ગત તા.૮ નવેમ્બરે મયૂરસિંહે ધમકી આપી હતી કે, રૂ.૫ લાખ અને વ્યાજની રકમ અત્યારે જ નહીં ચૂકવે તો જાનથી મારી નાખીશ, જતિનભાઇએ પૈસા નહીં હોવાનું કહેતા મયૂરસિંહે પંચનાથ પ્લોટમાં આવેલા જતિનભાઇના મોટાબાપુની માલિકીના ફ્લેટની ચાવી માગી હતી, જે ફ્લેટનો કબજો જતિનભાઇ પાસે હતો. રકમ ચૂકવશે નહીં ત્યાં સુધી ફ્લેટનો કબજો રહેશે તેમ કહી મયૂરસિંહે ફ્લેટની ચાવી બળજબરીથી પડાવી લીધી હતી.
ગત તા.૧૩ નવેમ્બરે જતિનભાઇ ફ્લેટે આંટો મારવા ગયા ત્યારે ચાર હિન્દીભાષી યુવતી ત્યાં રહેતી હોવાની અને ત્યાં ગોરખધંધા ચાલતા હોવાની જાણ થતાં જતિનભાઇએ ક્રાઇમ બ્રાંચે જઇ વ્યાજખોરી અંગે ફરિયાદ નોંધાવી હતી. ક્રાઇમ બ્રાંચની ટીમ તથા એ.ડિવિઝન પોલીસ ફ્લેટે પહોંચી ત્યારે ચાર યુવતીને એ ફ્લેટમાં રાખી કોઠારિયા સોલવન્ટ પાસે રહેતો તીર્થરાજસિંહ ઉર્ફે સિદ્ધરાજ મહાવીરસિંહ ગોહિલ તથા અશ્રય પ્રફુલચંદ્ર યુવતીઓ પાસે લોહીનો વેપાર કરાવતો હોવાનું ખુલ્યું હતું. મયૂરસિંહ જાડેજાએ ગોરખધંધા માટે ફ્લેટ આપ્યાનું પણ બહાર આવતા પીએસઆઇ જે.એમ.ભટ્ટે કૂટણખાનું ચલાવવા અંગે મયૂરસિંહ જાડેજા, તીર્થરાજસિંહ ગોહિલ અને અક્ષય પ્રફુલચંદ્ર સામે ગુનો નોધી ઇમોરલ ટ્રાફિકિંગ અંગે તીર્થરાજસિંહની ધરપકડ કરી હતી.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here