રાજકોટનાં યુવાનની હત્યા કરીને લાશ ભાદર નદીમાં ફેંકી દેવાયેલી મળી

0
20
Share
Share

રાજકોટ તા. ર૧

જેતપુર ભાદર નદી માંથી યુવાનની કોહવાયેલી હાલતમાં લાશ મળી આવતા પોલીસે મૃતદેહને ફોરેન્સીક પી.એમ.માં ખસેડી તપાસ હાથ ધરી હતી મૃતક યુવાન રાજકોટના ભીલવાસમાં રહેતો હોવાનું અને ચાર દિવસથી ઘરેથી નીકળી ગયો હોવાનું ખુલ્યું છે. જયારે ફોરેન્સીક પી.એમ.રીપોર્ટમાં યુવાનનું મોત ગળેટુપો અને મોઢે ડુચો આપવાથી થયાનું ખુલતા હત્યા કરી લાશ નદીમાં ફેકી દીધાની શંકા સેવાઈ રહી છે. આ અંગે જેતપુર પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

જાણવા મળતી વિગત મુજબ જેતપુરમાં ભાદર નદીના નવા પુલ નીચે ગઈ કાલે બપોરે યુવાનની લાશ મરતી હોવાની જાણ થતા જેતપુર પોલીસ મથકના પીએસઆઈ એન.વી.હરિયાણી હેડ કોન્સ પી.પી.જાડેજા અને રાઈટર વિજયભાઈ દાફડા ઘટના સ્થળે દોડી ગયા હતા મૃતદેહ બે દિવસનો કોહવાયેલો હોવાનું જાણવા મળ્યું છે. પોલીસે જરૂરી કાર્યવાહી કરી મોતનું કારણ જાણવા ફોરેન્સીક પી.એમ.અર્થે રાજકોટ મેડીકલ કોલેજ ખાતે ખસેડી ઓળખ મેળવવા તજવીજ હાથ ધરી હતી.

પોલીસ તપાસમાં મૃતકની ઓળખ મળી જતા મૃતક રાજકોટમાં ફુલછાબ ચોક પાસે ભીલવાસમાં રહેતો વસીમ રસીદભાઈ શેખ (ઉ.વ.૩૭) હોવાનું ખુલવા પામ્યું છે વસીમના પરિવારજનો જણાવ્યા મુજબ વસીમ બે ભાઈ બે બહેનમાં મોટો અને ફાયર સેફટીના બાટલા રીહીલીંગનું કામ કરતો હતો તેને સંતાનમાં એક પુત્ર અને ત્રણ પુત્રી છે ગત તા.૧૭ના વહેલી સવારે તે ઘરેથી પત્ની યાસ્મીનબેનને પેટમા  દુખાવો થતો હોવાથી દવા લેવા જવાનું કહી સ્કુટર લઈ નીકળી ગયા હતા તેઓ ઘરેથી મોબાઈલ કે પર્સ પણ સાથે લઈ ગયા ન હતા. બપોર સુધી ઘરે પરત ન આવતા પરિવારજનોએ શોધખોળ હાથ ધરી હતી પરંતુ કોઈ પતો ન લાગતા પ્રનગર પોલીસમાં ગુમસુદાની ફરિયાદ નોંધાવી હતી અને વોટસએપમાં પણ ફોટો વાયરલ કરી શોધખોળ કરી હતી દરમિયાન ગઈ કાલે સાંજે ભાદર,નદીમાંથી વસીમભાઈનો મૃતદેહ મળ્યાની જાણ થતા તેઓ હોસ્પિટલમાં દોડી આવ્યા હતા.

મૃતદેહનું ફોરેન્સીક પી.એમ. કરાતા તબીબોએ મોઢે ડુબો હોવાથી અને ગળે ટુપો આપવાથી મોત થયાનો પ્રાથમિક અભિપ્રાય આપ્યો હતો જેથી કોઈએ હત્યા કરી લાશને નદીમાં ફેકી દીધાની શંકા સેવાઈ રહી છે. ત્યારે વસીમભાઈ ઘરેથી નીકળી કોની સાથે ગયા ? જેતપુર કઈ રીતે પહોચ્યા અને તેમનું સ્કુટર કયા છે? તે સહિતની વિગતો મેળવવા પોલીસે વસીમભાઈના મોબાઈલ કોલ ડિટેલ્સના આધારે તપાસનો ધમધમાટ શરૂ કર્યોે છે.

લોધીકા : રાવકી ગામે પુત્રનાં લગ્ન માટે પૈસાની ચિંતામાં પ્રૌઢનો આપઘાત

રાજકોટમાં આવેલી શ્રીનાથજી સોસાયટીમાં રહેતા અને લોધીકાના રાવકી ગામે જોગમાયા ટ્રાન્સપોર્ટના નામે વેપાર કરતાં રવજીભાઈ રાજાભાઈ બારૈયા નામના ૪૯ વર્ષના કોળી આધેડે ગઈકાલે બપોરે ત્રણેક વાગ્યાના અરસામાં  ટ્રાન્સપોર્ટની ઓફિસમાં ઝેરી દવા પી લીધી હતી. ટ્રાન્સપોર્ટર આધેડને બેશુધ્ધ હાલતમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેમની સારવાર કારગત  નિવડે તે પૂર્વે જ હોસ્પિટલના બિછાને દમ તોડી દેતાં પરિવારમાં શોકની લાગણી પ્રસરી છે.

પ્રાથમિક પુછતાછમાં મૃતક રવજીભાઈ બારૈયા ચાર ભાઈ અને બે બહેનમાં વચ્ચેટ અને સંતાનમાં બે પૂત્ર અને એક પૂત્રી હોવાનું જાણવા મળ્યું છે.  તેમજ મૃતકના નાના દિકરા ગોપાલના આગામી તા.૧૦ ડિસેમ્બરના રોજ લગ્ન હોય જેથી પૈસાની તંગી હોવાના કારણે ઓફિસે આવેલા પાર્સલમાંથી જ  ઝેરી દવા ગટગટાવી આત્મઘાતી પગલુ ભર્યું હોવાનું જાણવા મળ્યું છે. આ બનાવ અંગે લોધીકા પોલીસ મથકના એ.એસ.આઈ. કે.કે.ગઢવી સહિતના સ્ટાફે નોંધ કરી કાનૂની તપાસનો દોર લંબાવ્યો છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here