રાજકોટઃ ઉંચા વળતરની લાલચ આપી રૂ.૭૧.૫૪ લાખની ઠગાઈ આચરનાર દંપતિ સામે ફરિયાદ

0
111
Share
Share

વિવિધ કંપનીઓ ખોલી ૮૩ લોકોનાં નાણા મેળવી પાડતી મુદ્દતે ફરાર બન્યુ ચીટર દંપતિ

રાજકોટ, તા.૨૩

શહેરના બજરંગવાડી વિસ્તારમાં પુનિતનગર-૨, શેરી નં.૮માં માં કી દુવા નામના મકાનમાં રહેતી ફરીશ્મા ઉર્ફે કરીશ્મા મહંમદ અહેમદ બુંબીયા તથા તેનો પતિ મહંમદ અહેમદ શહેરના દુધ સાગર રોડ પર ઓફિસ રાખી અલગ-અલગ સ્કીમના ઓઠા હેઠળ ગ્રાહકો પાસેથી નાણા ઉઘરાવી રફુચક્કર થઇ જતાં ભારે દેકારો બોલી ગયો હતો. છેતરપીંડીનો આંકડો લાખોમાં હોવાની વાત સામે આવી હતી અને આ બાબતે અગાઉ પોલીસ મથકમાં અરજી આપવામાં આવી હતી.

દરમિયાન થોરાળા પોલીસ મથકમાં અસલમભાઇ અબ્દુલગફારભાઇ બાવાણી (ઉ.વ.૪પ) રહે.મોચી બજાર, મમરાવાળા ચેમ્બર્સ ફલેટ નં.૧૦૨, રાજકોટ દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવી છે. જેમાં જણાવાયા મુજબ ફરિયાદી એસ.કે.એન્ટર પ્રાઇઝ નામે મોચી બજારમાં પ્લાસ્ટીકની વસ્તુની દુકાન ધરાવે છે. અંદાજે ૭-૮ વર્ષ પૂર્વે તેઓ મેમણ કોલોનીમાં રહેતા હતા. ત્યારે તેમના ફલેટની બાજુમાં રહેતી ફરીશ્મા ઉર્ફે કરીશ્મા સાથે સંપર્ક થયો હતો. આ દંપતિએ કે.ડી.આર. મહિલા મિત્ર મંડળ ની સ્કિમ ચલાવતા હોવાનું અને તેની ઓફિસ દુધસાગર રોડ, ફારુક મસ્જીદ રોડ સામે કે.ડી.આર. એન્ટરપ્રાઇઝ નામે હોવાનું જણાવ્યું હતું.

જેમાં પ્રથમ ફરિયાદીએ રૂા.૫૦૦ લેખે ૨૦ મહિનાની સ્કીમના નાણા રોકયા હતા. જે પૂરા થતાં ૧૦ હજારના રુપિયા ૧૨ હજાર આવ્યા હતા. બાદમાં કે.ડી.આર. એન્ટર પ્રાઇઝમાં ૨૪ મહિનાની સ્કીમમાં નાણા રોકયા હતા. જેમાં પણ સમયસર નાણા પરત આવી ગયા બાદ વિશ્વાસ આવતાં કે.ડી.આર. મહિલા મિત્ર મંડળ, કે.ડી.આર. એન્ટરપ્રાઇઝ અને કે.ડી.આર. કો.ઓપરેટીવ સોસાયટી લીમીટેડના નામે ચાલતી અલગ-અલગ સ્કીમ જેમાં એકના ડબલ કરવાની સ્કીમમાં નાણા રોકયા હતાં.

દરમિયાન ગત તા.૧૪/૫/૨૦૨૦ના યુસુફભાઇ ચોકસીએ વાત કરી હતી કે દુધસાગર રોડ પર કે.ડી.આર. એન્ટર પ્રાઇઝમાં ગયો હતો ત્યારે માલુમ પડયું હતું કે આ દંપતિ ઓફિસને તાળા મારી તેમજ ઘર પણ અન્યને વેંચી રફુચક્કર થઇ ગયું છે. પાકતી મુદતે જ દંપતિ ગ્રાહકોના નાણા ઓળવી રફુચક્કર થઇ ગયું હતું. જેમાં ફરિયાદીના કુલ રુા.૩,૦૮,૨૦૦ ઉપરાંત અન્ય ૮૨ લોકો સાથે મળી આ દંપતિએ કુલ રૂા.૭૧,પ૪,૦૪૦ની છેતરપીંડી કરી હતી. આ બાબતે પોલીસે અસલમભાઇની ફરિયાદ પરથી ફરિશ્મા ઉર્ફે કરિશ્મા તથા તેના પતિ મહંમદ અહેમદ બુંબીયા સામે આઇપીસીની કલમ ૪૦૬, ૪૦૯, ૪૨૦, ૧૨૦ બી મુજબ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

 

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here