રત્નકલાકારના ઘરમાંથી દાગીના અને રોકડની ચોરી કરી તસ્કરો ફરાર

0
7
Share
Share

સુરત,તા.૨૯

વરાછા બુટભવાની રોડ ખાતે એપાર્ટમેન્ટમાં રહેતા રત્નકલાકાર ગત બપોરે પત્ની સાથે સામેના ફ્લેટમાં રહેતા સાળાના ઘરે ચા પીવા ગયા હતા. તે દરમિયાન મોટરસાયકલ ઉપર આવેલો અજાણ્યો યુવાન ઘરની જાળી ખોલી અંદર પ્રવેશી ચાંદીના દાગીના-રોકડ મળી રૂ.૧૧ હજારની ચોરી કરી ફરાર થઈ ગયો હતો. સીસીટીવી ફુટેજમાં આ હકીકત બહાર આવતા રત્નકલાકારે વરાછા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.

પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ, મૂળ અમરેલીના વતની અને સુરતમાં વરાછા બુટભવાની રોડ કેશવપાર્ક ફ્લેટ નં.૧૦૧ માં રહેતા ૪૦ વર્ષીય રત્નકલાકાર પંકજગિરી ભિખુગિરી ગૌસ્વામી ગત બપોરે ૩ વાગ્યે પત્ની રેખાબેન સાથે તેમના જ ફ્લેટની સામેના ફ્લેટમાં રહેતા સાળા હસમુખગિરી ગૌસ્વામીને ત્યાં ચા પીવા ગયા હતા. પોણો કલાક બાદ તેઓ ઘરે પાછા ફર્યા ત્યારે જતી વેળા બંધ કરેલી જાળી ખુલ્લી હતી અને અંદર લાઈટ ચાલુ હતી તેમજ લાકડાના ખાના ખુલ્લા હતા. રમી રહેલા બાળકોને પૂછતાં તેમણે ઘરે ન આવ્યાનું જણાવ્યું હતું. તપાસ કરતા ખાનામાંથી રૂ.૫૦૦૦ ની કિંમતનો ચાંદીનો કમરમા રાખવાનો જુડો અને રૂ.૫૦૦૦ ની કિંમતના ચાંદીના એક જોડી પગમાં પહેરવાના છડા તથા રોકડા રૂ.૧૦૦૦ મળી કુલ રૂ.૧૧ હજારની મત્તાની ચોરી થયાની જાણ થઇ હતી.

આથી તેમણે એપાર્ટમેન્ટના સીસીટીવી ફૂટેજ ચકાસ્યા તો પીળા કલરનો શર્ટ સાથે સફેદ કલરના પટ્ટો તથા બ્લુ કલરનુ જીન્સ પેન્ટ પહેરેલ ૨૫ થી ૩૦ વર્ષનો અજાણ્યો મોટરસાયકલ એપાર્ટમેન્ટની પાસે પાર્ક કરી દાદર ચઢી તેમના ફ્લેટની જાળી ખોલી અંદર પ્રવેશ્યો હતો અને રૂ.૧૧ હજારની મત્તાની ચોરી કરી ભાગી છૂટ્યો હતો. બનાવ અંગે પંકજગિરી ગૌસ્વામીએ વરાછા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે તપાસ શરૂ કરી છે.

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here