લખનૌ,તા.૧૨
ઉત્તરપ્રદેશમાં કોંગ્રેસના એક ધારાસભ્યે જાહેરમાં જ યુપીના સીએમ યોગી આદિત્યનાથની પ્રશંસાના પુલ બાંધીને કોંગ્રેસની હાલત કફોડી કરી નાંખી છે.
ઉત્તરપ્રદેશમાં ગઈકાલે આમ આદમી પાર્ટીના દિલ્હીના ધારાસભ્ય સોમનાથ ભારતી પર સહી ફેંકવાના કૃત્યને યોગ્ય ગણાવીને ધારાસભ્ય રાકેશ સિંહે કહ્યુ હતુ કે, અપશબ્દો બોલનારા અને વિવાદિત નિવેદન આપનારા સોમનાથ ભારતી પર ખરેખર તો દેશદ્રોહનો કેસ થવો જોઈએ.સોમનાથ ભારતી સાથે જે થયુ તે ઓછુ છે.તેમની ભાષા અમાર્યાદિત હતી.તેમની પાર્ટીએ તેમની વિરુધ્ધ કાર્યવાહી કરવી જોઈએ.
તેમણે કહ્યુ હતુ કે, યોગીજીને હું ભગવાનથી ઓછા નથી ગણતો.હું તેમની પૂજા કરુ છુ.તેમના પર વિપક્ષ પણ આરોપ લગાવી શકે તેમ નથી.કોંગ્રેસમાં એક પણ નેતા એવો નથી જેની સરખામણી યોગીજી સાથે થઈ શકે.યોગી આદિત્યનાથ એવા સીએમ છે જેમની પૂજા કરવામાં આવે છે.વિપક્ષના ધારાસભ્યો પણ તેમના માટે ખરાબ ભાષા વાપરતા નથી.યુપીમાં કોઈ ધારાસભ્ય યોગીજી જેટલો ઈમાનદાર અને કર્મઠ નથી.કોંગ્રેસમાં કોઈ નેતા એવો નથી જે તેમની સામે ઉભો રહી શકે.
ઉલ્લેખનીય છે કે, સોમનાથ ભારતીએ અમેઠીમાં આપેલા નિવેદન બદલ તેમના પર કેસ થયો હતો.પોલીસ ગઈકાલે તેમની ધરપકડ કરવા માટે પહોંચી ત્યારે તેમણે પોલીસની વર્દી ઉતારી લેવાની ધમકી આપી હતી.