યોગની સર્વોચ્ચ ’સમાધિ’ સ્થિતિનું રહસ્ય

0
28
Share
Share

મહાસમાધિ, જીવસમાધિ, જીવત સમાધિની સ્થિતિને પ્રાપ્ત કરવી એ યોગીનું પરમ લક્ષ્ય છે. સમાધિ ધ્યાનની ઉચ્ચ અવસ્થા છે. સાધક ધ્યેય સ્વરૃપ કે વસ્તુના ધ્યાનમાં પૂરેપૂરો ડૂબી જાય અને પોતાના અસ્તિત્વ ભાનથી રહિત થઈ જાય ત્યારે ’સમાધિ’ અવસ્થા આવી છે એમ કહેવાય મહર્ષિ પતંજલિ એમના પાતંજલ યોગસૂત્રમાં કહે છે,જ્યારે ધ્યાનમાં કેવળ ધ્યેયની પ્રતીતિ થાય છે અને ચિત્તનું નિજ સ્વરૃપ શૂન્ય જેવું થઈ જાય છે ત્યારે તે ધ્યાન સમાધિ થઈ જાય છે.સમાધિના બે ભેદ છે. ૧. સંપ્રજ્ઞાત સમાધિ, ૨. અસંપ્રજ્ઞાત સમાધિ. ૧. સંપ્રજ્ઞાત સમાધિના ચાર પ્રકાર છે. ૧. વિતર્કાનુગત, ૨. વિચારાનુગત, ૩. આનંદાનુગત, ૪. અસ્મિતાનુગત, ૧. વિતર્કાનુગત સંપ્રજ્ઞાાત સમાધિ : ભાવના દ્વારા ગ્રાહ્ય રૃપ કોઈ સ્થૂળ વિષય, વિરાટ, મહાભૂત શરીર, સ્થૂળ ઇન્દ્રિય વગેરે કોઈ વસ્તુ પર ચિત્તને સ્થિર કરી એના યથાર્થ સ્વરૃપનું સંપૂર્ણ વિષયો સાથે જેનું પહેલાં ક્યારેક દર્શન ન કર્યું હોય, શ્રવણ ન કર્યું હોય કે અનુમાન પણ ન કર્યું હોય એનું સાક્ષાત્દર્શન કે અનુભૂતિ કરવામાં આવે તે વિતર્કાનુગત સંપ્રજ્ઞાત સમાધિ છે.એના પણ બીજા બે પેટા વિભાગો પડે છે. ૧. સવિતર્કાનુગત ૨. અવિતર્કાનુગત. સવિતર્કાનુગત સમાધિ શબ્દ અર્થ અને જ્ઞાનની ભાવના સાથે થાય છે. જ્યારે અવિતર્કાનુગત સમાધિ શબ્દ, અર્થ અને જ્ઞાનની ભાવના રહિત કેવળ અર્થમાત્ર હોય છે. ૨ વિચારાનુગત સંપ્રજ્ઞાત સમાધિ – જે ભાવના દ્વારા સ્થૂળ મહાભૂતોને કારણે પાંચ સૂક્ષ્મ તન્માત્રાઓ અને અંતઃકરણ વગેરેનો પૂર્ણ વિષયો સાથે સાક્ષાત્કાર કરવામાં આવે તે વિચારાનુગત સંપ્રજ્ઞાાત સમાધિ છે  એના પણ બે ભેદ છે.સવિચાર, ૨. નિર્વિચાર. જ્યારે શબ્દ, સ્પર્શ, રસ, રૃપ, ગંધ રૃપી સૂક્ષ્મ તન્માત્રાઓ અને અંતઃકરણરૃપ સૂક્ષ્મ વિષયોનું આલંબન રાખી દેશ, કાળ, ધર્મ વગેરે દશાઓની સાથે ધ્યાન થાય છે ત્યારે તે સવિચાર સંપ્રજ્ઞાત સમાધિ કહેવાય છે. આ બધાના સંબંધ વિનાની માત્ર ધર્મી સ્વરૃપનું જ્ઞાન પ્રદાન કરનારી ભાવના નિર્વિચાર સંપ્રજ્ઞાત સમાધિ કહેવાય છે.

આનંદાનુગત સંપ્રજ્ઞાત સમાધિ : વિચારાનુગત સંપ્રજ્ઞાત સમાધિનો નિરંતર અભ્યાસ કરતા રહેવાથી સત્ત્વગુણની અધિકતાથી આનંદરૃપ અહંકારની પ્રતીતિ થવા લાગે છે. આને જ આનંદાનુગત સમાધિ કહેવાય છે. દેહથી જેનું આત્માભિમાન છૂટી જાય છે એમને ’વિદેહ’ કહેવામાં આવે છે.

અસ્મિતાનુગત સંપ્રજ્ઞાત સમાધિ – આનંદાનુગત સમાધિના અભ્યાસ પછી જે સમયે અંતર્મુખી રૃપથી વિષયોથી વિમુખ પ્રવૃત્તિ થવાથી બુદ્ધિ એના કારણરૃપ પ્રકૃતિમાં વિલિન થાય છે તે અસ્મિતાનુગત સમાધિ છે. આ સમાધિમાં આલંબન રહે છે. એટલે એમને ’આલંબન સમાધિ’ પણ કહેવાય છે. આ અસ્મિતાનુગત સમાધિથી જ સૂક્ષ્મ હોવાને લીધે પુરુષ અને ચિત્તમાં ભિન્નતા ઉત્પન્ન કરનારી વૃત્તિ ઉદ્ભવે છે. આ સમાધિ અપર વૈરાગ્ય દ્વારા સાધ્ય છે.

અસંપ્રજ્ઞાત સમાધિ :આ સમાધિ વિશે યોગસૂત્ર કહે છે બધી વૃત્તિઓના નિરોધનું કારણ સંસ્કારમાત્ર શેષ સંપ્રજ્ઞાત સમાધિથી ભિન્ન એવી અસંપ્રજ્ઞાત સમાધિ છે. સાધકને જ્યારે પરમ વૈરાગ્યની પ્રાપ્તિ થઈ જાય છે, એ વખતે સ્વાભાવિક રીતે જ ચિત્ત સંસારના પદાર્થો તરફ જતું નથી તે પોતાની મેળે જ ઉપરતિ પામે છે. આ ઉપરાંતની પ્રતીતિનો અભ્યાસ પણ જ્યારે બંધ થઈ જાય છે એ વખતે ચિત્તની વૃત્તિઓના સર્વથા અભાવ થઈ જાય છે.કેવળ માત્ર અંતિમ ઉપરત અવસ્થાના સંસ્કારોથી યુક્ત ચિત્ત રહે છે પછી નિરોધ સંસ્કારોમાં ક્રમની સમાપ્તિ થવાથી એ ચિત્ત પણ પોતાના કારણમાં લીન થઈ જાય છે. એટલે પ્રકૃત્તિના સંયોગનો અભાવ થઈ જવાને કારણે દ્રષ્ટાની સ્વયંમાં સ્થિતિ થઈ જાય છે આને અસંપ્રજ્ઞાત સમાધિ કે નિર્બીજ સમાધિ કહેવાય છે. આ જ અવસ્થાને કૈવલ્ય અવસ્થા તરીકે પણ ઓળખવામાં આવે છે.અષ્ટાંગ યોગ સાધતી વખતે યોગીએ અંતિમ ચરણમાં ઉચ્ચ પ્રકારનું ધ્યાન અને સમાધિ સિદ્ધ કરવાના હોય છે. આપણે જાણીએ છીએ કે અલગ અલગ વિચાર અને ભાવ આવે ત્યારે શ્વાસ પણ બદલાય છે. મન ક્રોધયુક્ત હોય ત્યારે જુદો શ્વાસ ચાલે છે અને દુઃખી હોય ત્યારે જુદો શ્વાસ ચાલે છે.તે પ્રસન્ન હોય ત્યારે જુદો શ્વાસ ચાલે છે. પ્રાણાયામ એ શ્વાસનું વિજ્ઞાન છે. એ સજગતાપૂર્વક ખાસ પ્રકારે શ્વાસ લેવાની કેળવણી આપે છે. આપણે જે શ્વાસનો અનુભવ કરી શકતા નથી એનો કૂર્મ નાડી સાથે સંબંધ છે. કૂર્મ નાડી એવું સૂત્ર છે જે માનવીને એના શરીર સાથે બાંધી રાખે છે. માનો કે કોઈ એના શ્વાસને બહાર કાઢી દે તો તે અને શરીર જુદા થઈ જાય કેમ કે જીવ અને શરીર જે કૂર્મ નાડીથી બંધાયેલા છે તે જોડાણ તૂટી જાય છે.શ્વાસના રસ્તે યોગી પોતાની અંદર ઊંડે ઊતરે છે ત્યારે એ બિંદુ સુધી પહોંચી જાય છે જ્યાં તે પોતાના શરીર થકી પરમ ચેતના સાથે બંધાયેલો હોય છે એ જ્ઞાન અને અનુભૂતિ કે શરીર પણ એક બંધન છે એનામાં મુક્તિ માટેની ઇચ્છા ઉત્પન્ન કરે છે એ ઇચ્છા જાગરૃકતા લાવે છે. જેનાથી બધી કામનાઓ અને આસક્તિઓ છૂટી જાય છે. જેના લીધે શરીર છૂટી જતાં મોક્ષ પ્રાપ્ત થાય છે. આ પ્રક્રિયાને જ મહાસમાધિ, જીવ સમાધી કે જીવત સમાધિ કહેવાય છે.સમાધિ શબ્દ ’સમ’ અને ’ધી’ પરથી બન્યો છે. એનો અર્થ થાય છે સમત્વ ધરાવતી બુદ્ધિની અવસ્થા શ્રીમદ્‌ ભગવદ્‌ ગીતાના ૨જા અધ્યાયના ૫૩મા શ્લોકમાં ભગવન શ્રીકૃષ્ણ અર્જુનને કહે છે,  વેદ વાક્યોથી મૂંઝાઈ ગયેલી તારી બુદ્ધિ જ્યારે નિશ્ચળ થઈને સમાધિમાં અચળ રહેશે ત્યારે તું સમત્વબુદ્ધિરૃપી યોગને પ્રાપ્ત કરીશ.યોગીઓ સામાન્ય સમાધિની સ્થિતિમાં પોતાના દેહથી પ્રાણને અળગા કરી સૂક્ષ્મ શરીર થકી દૂરના સ્થળોએ જઈ ત્યાંની માહિતી ગ્રહણ કરી લેતા હોય છે કે સંકટમાં મુકાયેલા લોકોને મદદ કરી બચાવી લેતા હોય છે. બીજાના શરીરના રોગ, દુઃખ, દર્દ પોતાના શરીર પર લઈ લેતા હોય છે. કેટલાક યોગીઓ આ સમાધિની સ્તિથિમાંથી બહાર આવી પુનઃ એ જ શરીરમાં જીવન જીવતા હોય છે. મહાસમાધિ લીધા બાદ પહેલાવાળા શરીરમાં એ ખાસ પાછા આવતા નથી.દરેક વ્યક્તિએ આ લોક અને આ શરીર છોડીને જવાનું જ હોય છે. સામાન્ય માનવીને એ ખબર નથી હોતી કે ક્યારે, ક્યાં અને કેવી રીતે શરીર છૂટવાની ક્રિયા બનશે, પણ મહાન યોગીઓ અને સંતોને એ ખબર પડી જતી હોય છે એટલે જ તે પોતાની મહાસમાધિની તિથિ પહેલેથી આપી દેતા હોય છે.આત્મહત્યા અને જીવ-સમાધિ વચ્ચે મોટો ભેદ છે. આત્મહત્યામાં જીવનથી હારેલા, હતાશ- નિરાશ અને અતૃપ્ત ઇચ્છાઓથી ભરેલા માનવી પોતાની ઇચ્છાથી કૃત્રિમ રીતે પોતાના જીવનનો અંત લાવી દે છે, જ્યારે જીવ- સમાધિમાં જીવન સાફલ્યને પામેલા કૃતાર્થ, કૃતકૃત્ય, ધન્યતા પામેલા, પરમ ચેતના અને અસ્તિત્વ સાથે સમત્વ બુદ્ધિથી એકરૃપતા અનુભવતા યોગીઓ શરીરના બંધનથી સહજ, કુદરતી રીતે મુક્ત થઈ જાય છે.આત્મહત્યા અપરાધ નૈતિક પાપ છે, જ્યારે જીવ સમાધિ પોતાના જીવાત્માને બ્રહ્મમય બનાવી શરીર રૃપે અભિવ્યક્ત નામ- રૃપ- માયાથી મુક્ત થવાની યોગસાધ્ય પ્રક્રિયા છે. આત્મહત્યા કરનાર માનવી એના મનમાં અનેકાનેક અતૃપ્ત ઇચ્છાઓ ધરાવતો હોવાથી અને ખોટી રીતે મરણ પામ્યો હોવાથી દુર્ગતિ પ્રાપ્ત કરે છે કે પુનર્જન્મના ચકરાવામાં ભટકતો રહી બીજા જન્મમાં ખરાબ દશા પ્રાપ્ત કરે છે. જયારે જીવ સમાધિ લેનાર યોગી કે સંત સદ્ગતિ, મોક્ષ પામે છે કે ફરી અવતાર લઈ લોકકલ્યાણ કરે છે. અનેક મહાયોગીઓ અને સંતો મહાસમાધિની સ્થિતિને પ્રાપ્ત થયા હતા.

 

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here