યુવતીએ સગાઈ તોડી નાખતા યુવકે ઘરે જઈ ગાળો ભાંડી

0
20
Share
Share

સ્વભાવ સારો ન હોવાથી યુવતીએ સગાઈ તોડી

યુવકે તેના ઘરે પહોંચીને યુવતીને તેમજ તેની સગાઈની વાત ચાલી રહી તે યુવકને મારી નાખવાની ધમકી આપી

અમદાવાદ,તા.૧૧

શહેરના ખાડિયા વિસ્તારમાં રહેતી એક યુવતી તેના ઘરે હતી. આ સમયે તેની સગાઈ જે યુવક સાથે તૂટી ગઈ હતી તે યુવક તેના ઘરે આવ્યો હતો. યુવકે ઘરની નીચે ઊભા રહીને જોરજોરથી અપશબ્દો બોલી યુવતીને મારી નાખવાની તેમજ તેની જે યુવક સાથે સગાઈની વાત ચાલે છે તેને પણ મારી નાખવાની ધમકીઓ આપી હતી. આટલું જ નહીં યુવકે ત્યાં પડેલી ગાડીઓનાં કાચ પણ ફોડી નાખ્યા હતા. સમગ્ર બાબતને લઈને ખાડીયા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાતા પોલીસે આ મામલે તપાસ શરૂ કરી છે. અમદાવાદના ખાડિયા વિસ્તારમાં રહેતી ૨૨ વર્ષીય યુવતી તેના પરિવાર સાથે રહે છે. ગઇકાલે મોડી રાત્રે અગાઉ તેની જે યુવક સાથે સગાઇ થઇ હતી તે તેના મિત્ર સાથે તેના ઘરે આવ્યો હતો. યુવકે યુવતીનાં ઘરની નીચે ઊભા રહી જોરજોરથી બૂમો પાડી ગાળો બોલી હતી. યુવકે તમામ લોકોની હાજરીમાં કહ્યુ કે, તું બીજા સાથે લગ્ન કરીશ તો તને જાનથી મારી નાખીશ. આ પ્રકારની ધમકી આપી તેણે જાહેરમાં ઝઘડો કરતો હતો. જોકે, યુવતીએ મામલો બીચકે નહીં તે માટે ઘરમાં જ બેસી રહી હતી. જેથી યુવક વધુ આવેશમાં આવી ગયો હતો અને તેણે નીચે પડેલી ગાડીના કાચ ફોડી નાખ્યા હતા. સાથે ફરી એક વખત તેને ધમકી આપી કે તારી જે છોકરા સાથે સગાઈની વાત ચાલે છે તેને પણ જાનથી મારી નાખીશ. યુવતીને એવું પણ જણાવ્યું કે તારા મોબાઇલની કોલ ડીટેઇલ કઢાવી વોટ્‌સએપમાં ફોટો વાયરલ કરી દઈશ. આ બાબતે યુવતીએ ખાડીયા પોલીસને ફરિયાદ આપતા પોલીસે તપાસ હાથ ધરી હતી. જેમાં સામે આવ્યું કે એક વર્ષ પહેલા આ યુવક માથાભારે હોવાથી અને તેનો સ્વભાવ સારો ન હોવાથી યુવતીએ સગાઈ તોડી નાખી હતી. આ કારણે તે ઘરે આવ્યો હતો અને આ પ્રકારની ધમકીઓ આપી તેણે તે વિસ્તાર માથે લીધો હતો. સમગ્ર બાબતને લઈને યુવતીની ફરિયાદના આધારે પોલીસે યુવકની ધરપકડ કરવા તપાસ શરૂ કરી છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here