યુદ્ધકેદીઓની લાશો પર ઊભેલો બ્રીજ

0
24
Share
Share

થાઈલેન્ડના પાટનગર બેંગ્કોકથી પશ્ચિમ દિશામાં ૯૦ માઈલ જતાં કાંચનબુરી નામનું સ્થળ આવે છે. આ સ્થળેથી ‘ક્વાઈ’ નામની મધ્યમ પહોળાઈ ધરાવતી નદી વહે છે. આ નદી પર આવેલા એક પુલની આસપાસ અનેક ભૂતો દેખાતાં હોવાનું કહેવાય છે. બહુ જાણીતા એવા આ પુલની ઐતિહાસિક તવારીખથી પરિચિત થવા માટે ઈતિહાસમાં ડૂબકી મારવી પડશે. ૧૯૪૦ના દાયકાના શરૂઆતના વર્ષો હતા. યુરોપ બીજા વિશ્વયુદ્ધની ચપેટમાં સપડાયું હતું. રહીરહીને અમેરિકાએ પણ યુદ્ધમાં ઝંપલાવ્યું હતું. યુરોપી મોરચે જ્યાં જર્મનીએ પોતાના પડોશી દેશોને ખેદાનમેદાન કરી નાખ્યા હતા ત્યારે તેના પક્ષે રહીને લડતા જાપાને એશિયાની ધરતી ધમરોળી નાખી હતી.ચીન, બર્મા, થાઈલેન્ડ, સિંગાપોર, હોંગકોંગ, મલેશિયા, ઈન્ડોનેશિયા સહિતના તમામ દક્ષિણ-પૂર્વીય એશિયાઈ દેશો પર હુમલા કરી જાપાને ભારે આણ વર્તાવી હતી. પોતાના સામ્રાજ્યને સમગ્ર એશિયામાં ફેલાવી દેવાની જાપાનની મેલી મુરાદ હતી. અગાઉ નોંધ્યા એ દેશોને યુદ્ધમાં હરાવી જાપાને ભારત ઉપર ડોળો માંડ્યો હતો. ભારત પર એ સમયે અંગ્રેજોનું રાજ હતું એટલે પણ જાપાનને જર્મનીના દુશ્મન ઈંગ્લૅન્ડને પરાસ્ત કરી ભારત પર કબજો જમાવવાનું બહુ મન હતું, પરંતુ સેનાને જમીન માર્ગે ભારત સુધી પહોંચાડવી ભારે કઠિન હતું, કેમકે બર્મા-થાઈલેન્ડનો ભારત સાથે અડીને આવેલો સરહદી પ્રાંત પર્વતાળ હતો અને ઘનઘોર જંગલોથી છવાયેલો હતો. ત્યાંનું હવામાન અત્યંત દુષ્કર હતું. ભારે વરસાદને લીધે સમૃદ્ધ થયેલા અહીંના ઘટાટોપ જંગલોમાં જીવલેણ મલેરિયા ફેલાવતા મચ્છરોનો ભારે ત્રાસ હતો. આવી વિષમ ભૂગોળને ચીરતી રેલવે લાઈન નાખવાનું જાપાને નક્કી કર્યું. ભારત પર કબજો જમાવવો હોય તો સૈનિકો અને માલસામાનના પરિવહન માટે રેલવે લાઈન નાખવી અનિવાર્ય હતું. જાપાની એન્જિનિયરોએ મહામુશ્કેલ એવા આ પ્રોજેક્ટની ચેલેન્જ ઉપાડી લીધી. ભારે ખર્ચો કરીને ૧૯૪૨માં કુલ ૨૬૦ માઈલ લાંબી રેલવે લાઈન નાખવાનું શરૂ કરવામાં આવ્યું. એશિયાભરમાં જાપાને લાખો યુદ્ધકેદીઓને જેલમાં પૂરી રાખ્યા હતા. એ જ યુદ્ધકેદીઓને મજૂર બનાવવામાં આવ્યા. જંગલો કાપવામાં અને પહાડો તોડવામાં સેંકડો સૈનિકો જાન ગુમાવવા લાગ્યા. વિષમ વાતાવરણ, કમરતોડ મહેનત અને અપૂરતા ખોરાકને લીધે કુપોષણનો ભોગ બનેલા મજૂરોનો મૃત્યુઆંક રોજ-બરોજ વધતો ચાલ્યો, પરંતુ જાપાનીઓને તેમની કોઈ ચિંતા નહોતી. દરમિયાન ચોમાસું બેઠું અને અધૂરું હતું તે કામ મચ્છરોએ પૂરું કર્યું. મલેરિયાનો ભોગ બનીને હજારો મજૂરો મરણને શરણ થઈ ગયા. મરેલા યુદ્ધકેદીઓના શબોનો સામૂહિક નિકાલ કરી દેવામાં આવતો અને તેમને બદલે જીવતા નરકમાં ધકેલવા માટે બીજા યુદ્ધકેદીઓ મગાવી લેવાતા હતા.બર્મા અને થાઈલેન્ડ થઈને પૂર્વ ભારત સુધી પહોંચતી રેલવે લાઈન પૂરી કરવા માટે પાંચ વરસ જેટલા લાંબા સમયની જરૂર હતી, પરંતુ જાપાન પાસે સમય જ તો નહોતો. જાપાની સેનાએ ફક્ત અને ફક્ત ૧૩ જ મહિનામાં આ પ્રોજેક્ટ પૂરો કરી દેવાનો ટાર્ગેટ રાખ્યો હતો અને એ માટે જે કોઈ પગલાં લેવાં પડે એ લેવાની સેનાને છૂટ હતી. મજૂરો પાસેથી મહત્તમ કામ લેવા માટે તેમને જાનવરોની જેમ કામમાં જોતરવામાં આવતા. કામમાં ધીમા પડનારને ચાબુક વડે ફટકારવામાં આવતા અને ઘવાયેલા મજૂરો જો વધારે કામ આપવામાં અસમર્થ જણાય તો તેમને ગોળીથી વીંધી દેવામાં આવતા. માંદા પડવાનું કોઈને પરવડે એમ નહોતું, કેમ કે ‘માંદા પડ્યા તો મર્યા’નો નિયમ હતો. તબીબી સારવાર આપીને સમય અને પૈસા બરબાદ કરવાને બદલે બીમાર મજૂરને મોત આપી દેવામાં આવતું. રાત-દિવસની શિફ્ટમાં બાંધકામ ચાલતું અને ટાર્ગેટ પૂરો કરવા માટે જાપાની સૈનિકોએ માનવતા કોરાણે મૂકી દઈને ક્રૂરતા આચરવા માંડી. કેટલાય સૈનિકો એટલી હદે ઈજાગ્રસ્ત કે બીમાર બનતા કે રાતે સૂતા તો સવારે મૃત અવસ્થામાં મળી આવતા.‘ક્વાઈ’ નદી પર એ સમયે લાકડાનો મજબૂત પુલ બનાવવામાં આવ્યો હતો. સમગ્ર રેલવે લાઈન તૈયાર થાય તે પહેલાં જ કુલ મળીને ૧ લાખ જેટલા યુદ્ધકેદીઓ તનતોડ મજૂરી કરી કરીને મોતને શરણ થઈ ગયા હતા, જેમાં ૧૬૦૦૦ જેટલા યુદ્ધકેદીઓ ઑસ્ટ્રેલિયા, બ્રિટન, અમેરિકા અને નેધરલેન્ડના હતા. બાકીના ભારત, બર્મા, મલેશિયા, ઈન્ડોનેશિયા, ચીન અને થાઈલેન્ડના યુદ્ધકેદીઓ અને સિવિલિયનો હતા. જાપાની સૈન્યની ભારત સુધી પહોંચવાની મેલી મુરાદ પૂરી થાય એ પહેલાં જ અમેરિકાએ સપાટો બોલાવ્યો અને એશિયાના તમામ મોરચે જાપાનને કારમી પછડાટ આપી. અમેરિકન સેનાએ ક્વાઈ નદી પર બનેલા પુલને પણ બૉમ્બ વડે ઉડાડી દીધો. વિશ્વયુદ્ધ પૂરું થયા બાદ જાપાની સેનાના કાળા કેરનો ભોગ બનેલા યુદ્ધકેદીઓની મોટા પ્રમાણમાં લાશો મળી આવી હતી. સેંકડોની સંખ્યામાં ઢગલો કરીને જમીનમાં દટાયેલાં હાડપિંજરો મળી આવ્યાં હતા. ક્રૂર મોતને ભેટેલા એ જ સૈનિકોનાં પ્રેત વર્ષોથી ક્વાઈ નદીના એ પુલની આસપાસ જોવા મળી રહ્યાં હતા.આ સમગ્ર ઘટનાક્રમ પરથી હોલીવુડમાં એલેક ગિનિસ અભિનીત એક અદ્ભુત ફિલ્મ ‘બ્રીજ ઑન ધી રિવર ક્વાઈ’ નામે બની હતી. ફિલ્મમાં જાપાની સૈન્યના અત્યાચારનું રૂંવાડાં ઊભાં કરી દેતું ચિત્રણ થયું છે. હાલમાં રિવર ક્વાઈ બ્રીજની ઘટનાને લઈને તે સ્થળે આખો બિઝનેસ વિક્સી ચૂક્યો છે. દર વર્ષે પાનખર ઋતુમાં ૧૦ દિવસના રિવર ક્વાઈ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવે છે, જેમાં રાતના સમયે પુલની આસપાસ સાઉન્ડ ઈફેક્ટ અને લાઈટિંગ દ્વારા યુદ્ધનો માહોલ ઊભો કરી પ્રેક્ષકોને મનોરંજન અને રોમાંચ પૂરો પાડવામાં આવે છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here