મોરબી, તા.૨૩
નજીકના ઘુનડા ગામે રહેતા માલધારી પરિવાર પાસેથી પ્રાપ્ત વિગત મુજબ ઘુનડા ગામે રહેતા માલધારીઓમાંથી છથી સાત જેટલા માલધારીઓના ઘેંટા છેલ્લા ૧૫ દિવસથી મૃત્યુ પામી રહ્યા છે ૧૫ દિવસમાં ૨૦૦ જેટલા ઘેટાના મોત થયા હોવાની માહિતી માલધારી અગ્રણી વાલાભાઈ રબારી પાસેથી પ્રાપ્ત થઈ છે ઘેટાને કોઈ રોગચાળો લાગુ પડયો હોય તેમ એક બાદ એક ઘેટા મૃત્યુને ભેટી રહ્યા છે જે બનાવને પગલે માલધારી પરિવારોએ પશુ ડોકટરને જાણ કરતા આજે મોરબીથી પશુ ડોકટરની ટીમ દોડી ગઈ હતી અને સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી હતી.
મોરબીના પશુ ડોકટર અમિત કાલરીયાની ટીમે ગામની મુલાકાત લીધી હતી તો રોગચાળા અંગે જણાવ્યું હતું કે ઘેટાઓને સીપોકસ નામનો રોગ થયાનુ જાણવા મળ્યું છે જે વાયરલ ઈન્ફેકશન છે જેની રસી પણ ઉપલબ્ધ છે જેથી રસીકરણ કરવામાં આવશે તેમ જણાવ્યું હતું તો ગ્રામજનો પાસેથી એકત્ર કરેલ માહિતી પ્રમાણે છેલ્લા ૭ દિવસના ગાળામાં આજના સહીત ૧૦૦ થી ૧૨૫ ઘેટાના મોત થયાનુ જણાવ્યું હતું ઘેટાઓને જે સીપોકસ રોગ લાગુ પડયો છે તે ઘણા સમય બાદ ફરી દેખાયો હોવાનુ પણ પશુ ડોકટરે જણાવ્યું હતુ.
ઓખા : પતરા તોડી દુકાનમાંથી ૭૦ હજારની મતા ઉઠાવી જતા તસ્કરો
ઓખાના આર.કે.બંદર વિસ્તારમાં આવેલી જેટી પાસે ચંદન ટ્રેડર્સ નામની દુકાન ધરાવતા અને ઓખાના ગાંધીનગરી ભુંગા વિસ્તારમાં રહેતા હમીદભાઈ સાલેમામદભાઈ બેતારા નામના ૩૩ વર્ષીય મુસ્લિમ ભડેલા યુવાનની દુકાનમાં તા.૧૯ ના રોજ રાત્રીના સમયે તસ્કરોએ ખાતર પાડયું હતુ. આ દુકાન ઉપર રહેલા સિમેન્ટના પતરાને ઉચકાવી, તસ્કરો અંદર પ્રવેશ્યા હતા અને આ દુકાનમાં રાખવામાં આવેલા ૧૩૫ તમાકુના મોટા તથા નાના ડબ્બાના બોકસ કે જેની કુલ કિંમત રૂા.૩૯ હજાર દર્શાવવામાં આવી છે, તે ઉપરાંત એક એન્ડ્રોઈડ અને ત્રણ સાદા મોબાઈલ ફોન, એક નોકિયા કંપનીનો મોબાઈલ, એક ટીવી તથા સીસીટીવીનું રૂા.૭ હજારની કિંમતના ડી.વી.આર. સહિતનો મુદામાલ ઉસેડી ગયા હતા. રાત્રીના સમયે ખાબકેલા તસ્કરો કુલ રૂા.૭૦૨૦૦ નો મુદામાલ ચોરી કરીને લઈ ગયાની ફરિયાદ હમીદભાઈ બેતારાએ ઓખા મરીન પોલીસમાં નોંધાવી છે. પોલીસે આઈ.પી.સી. કલમ ૩૮૦ તથા ૪૫૭ મુજબ ગુનો નોંધી આગળની તપાસ સ્થાનિક પી.એસ.આઈ. આર.એમ.મુંધવા દ્વારા હાથ ધરવામાં આવી છે.