મોરબી,તા.૨૧
મોટે ભાગે શહેરોની વિશાળ બિલ્ડીંગોના ખૂણે ખાંચરે ધમધમતા ફ્રોડ કોલ સેન્ટર ઝડપાતા હોવાના સમાચારો સામે આવતા હોય છે. ત્યારે માળીયા મી. તાલુકાના મોટી બરાર ગામેથી ગેરકાયદે ધમધમતું એક કોલ સેન્ટર ઝડપાયું છે. આ કોલ સેન્ટરમાં કામ કરતા એક યુવતી સહિત ૯ આરોપીઓને ઝડપી પાડી તમામનો કોવિડ ૧૯ ટેસ્ટ કરવાની પ્રક્રિયા હાથ ધરાઈ છે. ત્યારે કોરોના રિપોર્ટ આવી ગયા બાદ તમામની વિધિવત ધરપકડ કરી ઊંડાણપૂર્વકની તપાસ હાથ ધરાશે એવું પોલીસ સૂત્રો પાસેથી જાણવા મળી રહ્યું છે. માળીયા મી. પોલીસ મથક પાસેથી જાણવા મળતી વિગતો અનુસાર માળીયા મી. તાલુકાના મોટી બરાર ગામ નજીક આવેલા એક પેટ્રોલપંપની બાજુના બિલ્ડીંગમાં ગેરકાયદે કોલ સેન્ટર ધમધમતું હોવાની બાતમી મળતા માળીયા પોલીસે ઉપરોક્ત સ્થળે રેડ કરી હતી.
આ દરમ્યાન વિકાસ સુરેન્દ્ર ત્યાગી ઉં.વ. ૩૪, મિરેશ જયેશ શાહ ઉં.વ. ૩૬, જીતુ સબાસ્ટીન જ્યોર્જ ઉં.વ. ૩૭, નરેન્દ્રસિંગ ચેનસિંગ રાઠોડ ઉં.વ. ૩૫, ઉમેશ હરેશકુમાર હીરાનંદાની ઉં.વ. ૩૪, રાજેશ રૂબન ટોપનો ઉં.વ. ૩૩, આકાશ યશવંતકુમાર રાવલ ઉં.વ. ૨૭, કૌશલ કિરીટ પટેલ ઉં.વ. ૩૧ તથા રિમા દિનેશ સોલંકી ઉં.વ. ૨૮ રહે. તમામ અમદાવાદ શહેરના અલગ અલગ વિસ્તારોમાંની અટકાયત કરી તમામનો કોવિડ ૧૯ ટેસ્ટ કરાવવા તજવીજ આદરી છે. તમામ આરોપીઓના રિપોર્ટ આવી ગયા બાદ આરોપીઓની ધરપકડ કરી માળીયા પોલીસ વિસ્તૃત તપાસ હાથ ધરી કૌભાંડના મૂળ સુધી પહોંચવા આરોપીઓના રિમાન્ડ મેળવશે. બનાવની વધુ પ્રાપ્ત માહિતી અનુસાર બુધવારે મોડી રાત્રે ૧૧ વાગ્યે પોલીસકર્મી ભગિરથસિંહ ઝાલાને ખાનગી રાહે બાતમી મળી હતી કે, મોટી બરાર ગામે એકલિંગ પેટ્રોલપંપ પાછળ આવેલા બે માળના મકાનમાં કેટલાક યુવાનો કોલ સેન્ટર ચલાવે છે.
ઉપરોક્ત મળેલી બાતમીને આધારે પોલીસે પંચના માણસોને બોલાવી તથા પોલીસ સ્ટાફના પોલીસ હેડ કોસ્ટેબલ જે કે ઝાલા તથા લોકરક્ષક દળના સહદેવસિંહ જાડેજા, યુવરાજસિંહ જાડેજા, આશિષભાઈ ડાંગર અને નયનાબેન બોરીચાને બોલાવી ઉપરોક્ત મકાનની તલાસી લેતા એક યુવતી સહિત કુલ ૯ આરોપીઓ મળી આવ્યા હતા. ઉપરોક્ત મકાનમાં આગળના ભાગે બંધ શટર ખખડાવતા એક શખ્સે શટર ખોલતા અને પોલીસે અંદર તપાસ કરતાં આઠેક જેટલા અન્ય શખ્સો કોલ સેન્ટર ચલાવતા મળી આવ્યા હતા.