અમદાવાદ,તા.૨૩
ભારતના કેપ્ટન વિરાટ કોહલીએ ઇંગ્લેન્ડ સામે અમદાવાદના નવનિર્મિત મોટેરા સ્ટેડિયમ ખાતેની ડે-નાઈટ ટેસ્ટ પહેલાં મીડિયા સાથે વાત કરી હતી. કોહલીએ કહ્યું હતું કે અમારા માટે ગર્વની વાત છે કે વર્લ્ડનું સૌથી મોટું ક્રિકેટ સ્ટેડિયમ અહીં જ છે. ઈન્ફ્રાસ્ટ્રક્ચરવાઇસ આ ગજબનું સ્ટેડિયમ છે. અમે ખુશ છીએ કે આટલું સુંદર સ્ટેડિયમ આપણા દેશમાં બન્યું. પિન્ક બોલ સ્વિંગ તો થશે, પરંતુ બહુ ઓછો થશે.
ભારતે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં ક્વોલિફાઇ થવા માટે ભારતે ૧ ટેસ્ટ જીતવી જરૂરી છે. જ્યારે ૧ ડ્રો કરશે તોપણ ચાલશે. તો શું આ ટીમ ઇન્ડિયા માટે એડવાન્ટેજ છે? આ પ્રશ્નનો જવાબ આપતાં કોહલીએ કહ્યું હતું કે અમે બંને મેચ જીતવાના માઈન્ડસેટ સાથે મેદાનમાં ઊતરીશું. અમે રિયાલિટીમાં રહીને આવતીકાલ માટે તૈયારી કરીશું, જે અમે કરી છે. જ્યારે તમને ખબર નથી કે આવતીકાલે શું થવાનું છે તો ફ્યુચરનું વિચારીને કોઈ ફાયદો નથી.
પિન્ક બોલ સાથેની મેચમાં ઓરેન્જ સીટ્સથી તકલીફ થશે કે કેમ? આ પ્રશ્નનો જવાબ આપતાં કોહલીએ કહ્યું હતું કે મોટેરાની સાઈટ સ્ક્રીન બ્રોડ છે તેમજ સીટ એવા એન્ગલ્સ પર છે, જ્યાં બેટ્સમેનનું ધ્યાન ન જાય, તેથી બેટિંગ કરતી વખતે ઓરેન્જ સીટ્સ શાઇન મારશે અને બેટ્સમેનને તકલીફ પડશે એવું નહીં થાય. રહી વાત ફિલ્ડિંગની તો અમે પ્રેક્ટિસ સેશનમાં જોયું કે બોલને ધ્યાનથી જોઈશું તો પીક કરવામાં અઘરું નહીં પડે.