વૉશિંગ્ટન,તા.૨૭
અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ફર્સ્ટ લેડી મેલેનિયા ટ્રમ્પને નજરઅંદાજ કરવા બદલ મીડિયા પર જોરદાર ભડાશ કાઢી છે. ટ્રમ્પે કહ્યું કે, મેલેનિયા ટ્રમ્પ અમેરિકાના ઈતિહાસની સૌથી સુંદર ફર્સ્ટ લેડી છે. આમ છતાં, છેલ્લાં ચાર વર્ષમાં એક પણ મોટા મેગેઝિનના કવર પેજ પર તેને સ્થાન નથી મળ્યું, જ્યારે બરાક ઓબામાના કાર્યકાળમાં તેમની પત્ની મિશેલ ઓબામાની તસવીર આઠ વર્ષમાં ૧૨ મોટાં મેગેઝિનના કવર પર છપાઈ હતી. ટ્રમ્પે સોશિયલ મીડિયામાં આ પોસ્ટ કરી હતી. તેમણે લખ્યું કે, આ અમેરિકન મીડિયાનો ભેદભાવ છે.
મારા કાર્યકાળમાં કોઈ પણ મેગેઝિને કવર પેજ પર મેલેનિયાની તસવીર પ્રકાશિત નથી કરી અને ના તો કોઈ વાત કરવાની તક આપી છે. પરંતુ હવે મારો કાર્યકાળ ખતમ થઈ રહ્યો છે, ત્યારે મીડિયા મેલેનિયાને મહાન ગણાવી રહ્યું છે. ટ્રમ્પના આ આરોપને લઈને કેટલાક મેગેઝિને દાવો કર્યો છે કે, ટ્રમ્પના આરોપ પાયાવિહાણા છે. જોકે ટ્રમ્પ સમર્થકોએ મીડિયાનો વિરોધ કર્યો છે. તેમણે સોશિયલ મીડિયા પર લખ્યું છે કે, મેલેનિયા ખરેખર સુંદર સ્ત્રી છે, પરંતુ મીડિયાએ જાણીજોઈને તેમને કવરેજ ના આપ્યું.
મીડિયા તો ટ્રમ્પ વિશે ફેક ન્યૂઝ ફેલાવવામાં માહેર છે. આવા મીડિયાનો બોયકોટ જ કરવો જોઈએ. અહેવાલોના પ્રમાણે, ટ્રમ્પ સાથે લગ્ન કરતા પહેલાં મેલેનિયા મોડલ હતાં. લગ્ન પછી મેલેનિયાને ક્રિશ્ચિયન ડાયર વેડિંગ ડ્રેસમાં વૉગના કવરપેજ પર સ્થાન મળ્યું હતું. આ ઉપરાંત ૫૬ વર્ષીય મિશેલ ઓબામા વ્હાઈટ હાઉસમાં પોતાના કાર્યકાળનાં આઠ વર્ષ દરમિયાન ૧૨ વખત કવર પેજ પર ચમક્યાં. જ્યારે ૫૦ વર્ષીય મેલેનિયાને પતિના ચાર વર્ષના કાર્યકાળમાં એક પણ વાર કવર પેજ પર જગ્યા ના મળી.