ન્યુ દિલ્હી,તા.૨
વર્ષ ૨૦૦૦માં થયેલા મેચ ફિક્સિંગ રેકેટના આરોપી સંજીવ ચાવલાને દિલ્હીની પટિયાલા હાઉસ કોર્ટે જામીન આપી દીધા છે. ચાવલાને પ્રત્યાર્પણ દ્વારા ભારત લાવવામાં આવ્યો હતો અને તેને બે લાખ રૂપિયાના અંગત બોન્ડ પર જામીન આપવામાં આવ્યા છે. કોર્ટના કહેવા પ્રમાણે અરજીકર્તાએ ૭૬ દિવસ કસ્ટડીમાં કાઢ્યા છે અને તપાસ પૂરી થઈ ગઈ છે. આ કેસમાં ચાર્જશીટ ફાઈલ કરી દેવાઈ છે અને અન્ય બે આરોપી પહેલેથી જ જામીન પર છે. કોર્ટે કોવિડ-૧૯ની સ્થિતિને ધ્યાનમાં રાખીને સંજીવ ચાવલાને જામીન આપવામાં આવ્યા હોવાની સ્પષ્ટતા કરી હતી.
જો કે, જામીન માટે કેટલીક શરતો પણ રાખવામાં આવી છે. શરત પ્રમાણે સંજીવ ચાવલા મંજૂરી વગર ભારતની બહાર નહીં જઈ શકે. સંજીવ ચાવલાએ તેનો અને તેના ભાઈનો નંબર આપવો પડશે અને તે નંબરો હંમેશા ચાલુ રાખવા પડશે. આ ઉપરાંત સંજીવને વોઈસ સેમ્પલ અને સ્પેસિમેન હેન્ડરાઈટિંગ આપવાનો નિર્દેશ પણ અપાયો છે.
જામીન અરજીમાં ચાવલાએ જેલમાં હાઈજેનિક સ્થિતિ નથી અને કોરોના સંક્રમણનું જોખમ છે માટે બેલ આપવામાં આવે તેવો દાવો કર્યો હતો. સાથે જ તેણે પોતાનો ભૂતકાળનો કોઈ ક્રિમિનલ રેકોર્ડ નથી, તે એક બ્રિટિશ નાગરિક છે અને ઈજ્જતદાર પરિવાર સાથે સંકળાયેલો છે તેવી સ્પષ્ટતા પણ કરી હતી. વધુમાં તેણે ૨૦૧૫માં દિલ્હી કોર્ટના વોરન્ટના આધારે તેની ધરપકડ કરાઈ ત્યારે વેસ્ટમિંસ્ટર મેજિસ્ટ્રેટ કોર્ટે પણ તેને શરતી જામીન આપ્યા હતા તેમ જણાવ્યું હતું.