મૃત ગાયના પેટમાંથી માસ્ક, ૨૦-૨૫ કિલો કચરો નિકળ્યો

0
30
Share
Share

કોરોના કાળમાં જરૂરી બનેલા માસ્કનો અયોગ્ય નિકાલ મૂંગા પશુઓ માટે હવે મુશ્કેલીનું કારણ બની રહ્યો છે

અમદાવાદ,તા.૨૦

મહામારી દરમિયાન કોરોના વાયરસ સામે રક્ષણ મેળવવા માટે માસ્ક અનિવાર્ય બની રહ્યા છે. જો કે, મેડિકલ માસ્કનો યોગ્ય રીતે નિકાલ ના થતો હોવાથી દેખીતી રીતે જ રખડતાં ઢોરનો ખોરાક બને છે. ઢોરની ચામડી ઉતારવાનું કામ કરતાં તેમજ પશુચિકિત્સકોને મૃત ગાય કે ભેંસના આંતરડામાંથી પ્લાસ્ટિક, લોખંડની ખીલ્લીઓ અને બીજા કચરા સાથે માસ્ક પણ મળી રહ્યા છે. સુરેન્દ્રનગર શહેરના ઢોરની ચામડી ઉતારવાનો વ્યવસાય કરતાં નટુ પરમાર કે જેઓ ગાયના પેટમાંથી નીકળેલા કચરાનું મ્યૂઝિયમ ચલાવે છે તેમણે કહ્યું, બે ગાયના આંતરડામાંથી ચાવેલા માસ્ક મળી આવ્યા છે. અમે મૃત ગાયના શરીરમાંથી ૨૫થી ૩૦ કિલો કચરો કાઢ્યો છે જેમાંથી મોટાભાગનો પ્લાસ્ટિક કચરો હતો. આ પાછળનું મુખ્ય કારણ કચરાનો અયોગ્ય નિકાલ છે. જો કે, છેલ્લા થોડા સમયથી અમને તેમના પેટમાંથી ચાવેલા માસ્ક અને ગ્લવ્ઝ પણ મળી રહ્યા છે.’ નટુ પરમારની ધારણા છે કે, શહેરી વિસ્તારોમાં ચરતી ગાયો લોકો દ્વારા કરાયેલા બાયોમેડિકલ વેસ્ટના અયોગ્ય નિકાલનો સૌથી વધુ ભોગ બને છે. માર્ચ મહિનામાં ગુજરાતમાં કોરોનાએ દસ્તક દીધી ત્યારથી અત્યાર સુધીમાં હજારો ટન બાયોવેસ્ટ રોજનો ઉત્પન્ન થાય છે. જુલાઈ અને નવેમ્બર મહિનામાં કોરોના વાયરસના કેસમાં ભારે ઉછાળો આવ્યો ત્યારે અમદાવાદ એકલામાં જ ૧૦-૧૨ ટન કોવિડ વેસ્ટ પ્રતિદિન ઉત્પન્ન થયો હતો. અમરેલી જિલ્લામાં એક સિંહ ગાયનું મારણ કર્યું હતું ત્યારે તેના પેટમાંથી પણ માસ્ક મળી આવ્યું હતું. અમરેલી જિલ્લાના લીલિયા તાલુકાના લીલિયા ગામના ઉપસરપંચ મહેન્દ્ર ખુમાણે કહ્યું કે, એક સિંહે શિકાર કરેલી ગાયના શબમાંથી માસ્ક મળી આવ્યા હતા. મહામારી દરમિયાન પહેરવામાં આવતા બ્લૂ રંગના મેડિકલ માસ્કના ચીંથરાં સિંહનો શિકાર બનેલી ગાયના શબમાંથી મળી આવ્યા ત્યારે આશ્ચર્ય થયું હતું. આનો સ્પષ્ટ મતલબ થાય છે કે, લોકો મેડિકલ વેસ્ટનો નિકાલ યોગ્ય રીતે નથી કરતા, તેમ ખુમાણે જણાવ્યું.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here