ભુજ, તા.૨૮
રાપર તાલુકાના ધાણીથર પાટીયા નજીક આજે સવારના અરસામાં રોડ પર ઉભેલા બંધ ટ્રેલર પાછળ મારૂતિ સ્વિફટ ડીઝાયર કાર ઘૂસી જતા કારમાં સવાર દંપતિ સહિત એકજ પરીવારના ત્રણ લોકોના મોત નીપજ્યાં છે. મોરબીના રવાપર રોડ પર ઉષાકિરણ સોસાયટીમાં રહેતો કેલ્લા પરિવાર એક મહિના અગાઉ રાજસ્થાનમાં પરણાવેલી દિકરીને તેડવા જતો હતો ત્યારે રસ્તામાં અધવચ્ચે તેમને કાળનું તેડું આવી ગયું હતુ.
દુર્ઘટનામાં લજપત મોતીરામ માહેશ્વરી (ઉ.વ.૬૫), જયંતીલાલ મોતીરામ (ઉ.વ.૬૦) અને તેમના ૫૨ વર્ષિય પત્ની રેખાબેન જયંતીલાલના મોત નીપજ્યાં હતા. ઘટના સ્થળે દોડી ગયેલા આડેસર પીએસઆઈ વાય.કે.ગોહિલે જણાવ્યું કે અકસ્માતમાં બંને ભાઈના સ્થળ પર જ મોત નીપજ્યાં હતા. રેખાબેનને ગંભીર હાલતમાં હોસ્પિટલે સારવાર માટે લઈ જવાતા હતા ત્યારે લાકડીયા નજીક રસ્તામાં તેમની આંખો કાયમ મિંચાઈ ગઈ હતી. મૃતક લજપત કેલ્લા ભચાઉમાં એડવોકેટ તરીકે પ્રેક્ટિસ કરતા હતા. દુર્ઘટનાના પગલે કચ્છની વકીલ આલમ સહિત મોરબીમાં ઘેરો શોક ફેલાઈ ગયો છે.
મુન્દ્રાના સમાઘોઘા નજીક જિન્દાલ કંપનીના ગેટ નંબર ૧ પાસે ગઇકાલે બપોરે ૩ વાગ્યાના અરસામાં સર્જાયેલી દુર્ઘટનામાં કારમાં સવાર રોઝીબેન અભયકુમાર લાલા કિશોરીલાલ (ઉ.વ.૫૦)નું મોત નીપજ્યું હતુ. આગળ જતી ક્રેઈન પાછળ રાજસ્થાન પાસિંગની કાર ટકરાઈ હતી. જેમાં અભયકુમારના પત્ની રોઝીનું મોત નીપજ્યું હતુ જ્યારે અભયકુમાર અને તેમના સાઢુભાઈને ગંભીર ઈજા પહોંચી હતી.