ચાલકે પોલીસકર્મીને લુખ્ખા હોવાનું કહી લૂંટી રહ્યા હોવાનો આક્ષેપ કર્યો, ચાલકે વાહન પોલીસ પર ચઢાવી દીધું હતું
અમદાવાદ,તા.૨૮
એક તરફ માસ્ક ન પહેરવા બદલ પોલીસ કાર્યવાહી કરી રહી છે, ત્યારે મસમોટા દંડને હવે પોલીસ લોકોના રોષનો ભોગ બની રહી છે. બીજી તરફ દંડની કાર્યવાહીથી હવે પોલીસ પણ કંટાળી છે. અમદાવાદ શહેરમાં દંડની રકમ મામલે પોલીસ સાથે ઘર્ષણનો એક બનાવ પોલીસ ચોપડે નોંધાયો છે. માસ્ક ન પહેરેલા એક વાહન ચાલકને રોકતા તેણે પોલીસ સાથે ઘર્ષણ કર્યું હતું. ચાલકે પોલીસકર્મીને લુખ્ખા હોવાનું કહી લૂંટી રહ્યા હોવાનો આક્ષેપ કર્યો હતો. એટલું જ નહીં, ચાલકે પોતાનું વાહન પોલીસકર્મી પર ચઢાવી દીધું હતું. ટ્રાફિક પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલ રજુસિંહ કારગીલ પેટ્રોલ પંપ પર ફરજ બજાવી રહ્યા હતા ત્યારે એક વાહન ચાલક માસ્ક પહેર્યા વગર ત્રણ સવારીમાં નીકળ્યો હતો. પોલીસે તેઓને રોકતા દંડ ભરવાનું જણાવ્યું હતું. જેથી વાહન ચાલક ચીમનભાઈ ઉર્ફે દિવેશ મેર પોલીસ સાથે બબાલ કરવા લાગ્યો હતો. ચાલક દિવેશ મેર પોલીસ સાથે બબાલ કરી પોતે વાહન પર બેસી ગયો હતો. બાદમાં તે વાહન લઈને અન્ય બે મહિલાઓને બેસાડી ભાગવા ગયો હતો. પોલીસે રોકતા તેને રોકતા ચાલકે પોલીસકર્મીના બંને પગ પર વાહન ચઢાવી દીધું હતું. આ ઉપરાંત ’તમે પોલીસ વાળા લૂંટવા બેઠા છો, લુખ્ખા છો, દંડ નહીં ભરુ’ એમ કહી ઘર્ષણ કર્યું હતું. આ મામલે પોલીસકર્મીએ આ વાહન ચાલક સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. ગુજરાતમાં કોરોનાનો કહેર ઓછો થયો!રાજ્યમાં કોરોનાનુ સંક્રમણ અટકાવવા માટે રાજ્ય સરકાર સતત પ્રયત્નશીલ છે. રાજ્ય સરકારના સઘન પ્રયાસોના પરિણામે કોરોના વાયરસના સંક્રમણનું પ્રમાણ ધીમે ધીમે ઘટની રહ્યું છે. રવિવારે રાજ્યના વિવિધ જિલ્લાઓમાં કુલ ૮૫૦ કેસ નોંધાયા છે. સાથે આજે ૯૨૦ દર્દીઓએ કોરોનાને મ્હાત આપી સાજા થઈને પોતાના ઘરે ગયા છે. અત્યાર સુધીમાં રાજ્યના કુલ ૨,૨૭,૧૨૮ દર્દીઓ સાજા થયા છે. આ સાથે રાજ્યનો સાજા થવાનો દર ૯૩.૯૧ છે. એ જ રીતે કોરોના ટેસ્ટીંગની ક્ષમતા પણ વધારવામાં આવી રહી છે. આજે રાજ્યમાં કુલ ૫૩,૦૭૫ ટેસ્ટ કરવામાં આવ્યા છે. રાજ્યની વસ્તીને ધ્યાને લેતા પ્રતિદિન ૮૧૬.૫૪ ટેસ્ટ પ્રતિ મિલિયન જેટલા થવા પામે છે. રાજ્યમાં અત્યાર સુધી કુલ ૯૪,૩૭,૧૦૫ ટેસ્ટ કરવામાં આવ્યા છે. આ ઉપરાંત રાજ્યમાં અમદાવાદ કોર્પોરેશનમાં કુલ ચાર, સુરત કોર્પોરેશનમાં કુલ ૨ વડોદરામાં એક આમ કુલ ૭ લોકોના મોત થતાં કુલ મૃત્યુઆંક ૪૨૮૨ થયો હતો.