લીંબુડા ગામના કોંગ્રેસ આગેવાન સુરેશભાઈ મોરીની મુખ્યમંત્રીને રજુઆત
માણાવદર, તા.૧૮
માણાવદર તાલુકાના ૫૫ ગામડાઓ અને બે શહેરો વચ્ચે આવેલ એક માત્ર સરકારી હોસ્પિટલમાં સ્ત્રીરોગ નિષ્ણાંત ડોકટર જ નથી મહિલા રોગના તબીબ ન હોવાથી પ્રસુતિ વખતે મહિલાઓને ખુબજ તકલીફ પડે છે. આ ઉપરાંત આ દવાખાનામાં બાળરોગ નિષ્ણાંત તેમજ હાડકાં ના સજર્ન ની જગ્યાઓ પણ ખાલી પડી છે. આ ખાલી પડેલી જગ્યાઓ ઉપર તાત્કાલિક ડોક્ટરોની નિમણુંક કરવા માટે લીંબુડા ગામના કોંગ્રેસ આગેવાન સુરેશભાઈ મોરી એ મુખ્યમંત્રીને રજૂઆત કરેલ છે.
માણાવદર શહેરમાં ૫૫ બેડની સિવીલ હોસ્પિટલ આવેલી છે અને આ હોસ્પિટલમાં ડોકટરોના મંજૂર થયેલ મહેકમ પૈકીની ધણી જગ્યાઓ ખાલી છે. તેમજ માણાવદર તાલુકા અને આજુબાજુના વિસ્તારમાં તાત્કાલિક સારવાર માટેની આ એક જ હોસ્પિટલ આવેલી હોય માણાવદર અને બાંટવા શહેર તથા આસપાસના ૫૦ જેટલા ગામડાઓના લોકોને ડોક્ટર ન હોવાથી સમયસર સારવાર મળી શકતી નથી તેમજ પ્રસુતિના કેસો , અકસ્માતના કેસો, જૂનાગઢ શહેરમાં રીફર કરવામાં આવે છે
સુરેશભાઈ મોરી એ વધુમાં જણાવ્યું છે કે પંચાવન બેડની હોસ્પિટલ હોવા છતા ડોક્ટરો ન હોવાથી આર્થિક રીતે નબળા વર્ગના લોકોને ધણા બોજ સહન કરવા પડે છે. અને બહારગામની હોસ્પિટલમાં સારવાર લેવા જવું પડે છે જે મધ્યમ વર્ગના લોકોને પોસાય નહી જેથી માણાવદર સરકારી હોસ્પિટલમાં તાત્કાલિક ડોક્ટરોની નિમણુંક કરવા માંગ કરાઇ છે.