ભુજ, તા.૨૭
માનવજ્યોત સંસ્થા ભુજ અને શ્રી રામદેવ સેવાશ્રમપાલારા-કચ્છ દ્વારા ચકલીઓ માટે ઠેર-ઠેર ચકલીઘરો લટકાવવામાં આવ્યા છે. પક્ષી પ્રેમીઓએ ચકલીઘરો નજીક-નજીકમાં ગોઠવી ચકલીઓને તેનું ઘર આપ્યું છે. કચ્છમાં અનેક જાહેર સ્થળો-મંદિરો-બાગ-બગીચા-ચાની હોટલો, સરકારી કચેરીઓ, વૃક્ષો ઉપર તથા બાલ્કનીમાં, દુકાનો,ઓફિસો ઉપર માનવજ્યોતનાં માટીનાં ચકલીઘરો લટકતા જોવા મળે છે.
જીવદયાપ્રેમીઓ નાનકડા પક્ષી ચકલીઓનું પણ ખૂબ ધ્યાન રાખે છે. અનેક વૃક્ષો ઉપર ચકલીઓ મોટા જૂથમાં નજરે જોવા મળે છે. પક્ષીપ્રેમીઓ, જીવદયાપ્રેમીઓ અને પ્રકૃતિપ્રેમીઓ માટીનાં ચકલીઘરોમાં ચકલીઓને બચ્ચાનો ઉછેર કરતી નજરે જોઇ રહ્યા છે. ચકલીઓ તેનાં બચ્ચાંઓને અનાજનો દાણો ખવડાવતા ફોટા લોકો માનવજ્યોતને વોટસઅપથી મોકલે છે. સોશીયલ સાઇટો ઉપર શેર પણ કરે છે. સંસ્થાનાં પ્રબોધ મુનવર, રમેશભાઇ માહેશ્વરી, સુરેશભાઇ માહેશ્વરી, પૃથ્વીરાજસિંહ જાડેજા, સહદેવસિંહ જાડેજા, અરવિંદભાઇ ઠક્કર, શંભુભાઇ જોષી, મુરજીભાઇ ઠક્કરનાં માર્ગદર્શન હેઠળ આ પ્રવૃત્તિ આગળ ધપી રહી છે.