મુંબઇ,તા.૨૨
મહારાષ્ટ્રના મંત્રી છગન ભુજબલને કોરોના વાયરસનો ચેપ લાગ્યો છે. તેમણે પોતે સોમવારે ટ્વીટ દ્વારા આ માહિતી આપી હતી. તેમણે ટિ્વટ કરીને કહ્યું કે, મારો કોરોના રિપોર્ટ પોઝીટીવ આવ્યો છે. છેલ્લાં બે-ત્રણ દિવસમાં જે પણ મારી સાથે સંપર્કમાં આવ્યા છે તે દરેકને તેની કોરોના પરીક્ષણ કરાવવું જોઈએ. મારી તબિયત સારી છે અને ચિંતા કરવાની કંઈ વાત નથી.
મહારાષ્ટ્રમાં કોરોના કેસો ઝડપથી વધી રહ્યા છે ત્યારે નાઇટ કર્ફ્યુ અને લોકડાઉન પ્રતિબંધો ફરી લગાવવામાં આવ્યા છે. રાજ્યની ઉદ્ધવ સરકારે સોમવારથી મહારાષ્ટ્રમાં તમામ પ્રકારના ગીચ કાર્યક્રમો પર પ્રતિબંધો લગાવી દીધા છે. ઉદ્ધવે ૮ દિવસનું અલ્ટીમેટમ આપતાં કહ્યું હતું કે જો લોકો માસ્ક નહીં પહેરે તો સમગ્ર રાજ્યમાં લોકડાઉન લગાવી શકાય છે. સોમવાર સાંજથી મહારાષ્ટ્રના અમરાવતી મંડળના ૫ જિલ્લામાં ૧ અઠવાડિયાનું લોકડાઉન થશે. પૂણે અને નાસિકમાં નાઇટ કર્ફ્યુ પણ લગાવવામાં આવ્યો છે. ૨૮ ફેબ્રુઆરી સુધી શાળાઓ અને કોલેજો બંધ રાખવામાં આવી છે.