મહારાષ્ટ્રમાં મંદિર ન ખોલવા મુદ્દે વિવાદઃ ફડણવીસની પત્નીના ઉદ્ધવ પર પ્રહાર

0
22
Share
Share

વિશ્વાસ ન કરી શકાય એવા લોકોએ સર્ટિફિકેટ આપીને પોતાને સાબિત કરવાના હોય છે

મુંબઈ,તા.૧૪

મહારાષ્ટ્રમાં મંદિરોને ન ખોલવા અંગે રાજકારણ ગરમાયું છે. હવે પૂર્વ સીએમ દેવેન્દ્ર ફડણવીસનાં પત્ની અમૃતાએ સીએમ ઉદ્ધવ ઠાકરે પર નિશાન સાધ્યું છે. અમૃતાએ બુધવારે ટ્‌વીટ કર્યું કે મહારાષ્ટ્રમાં બાર અને દારૂની દુકાનોને ખોલવાની છૂટ છે, પણ મંદિર ખતરનાક ઝોનમાં છે. વિશ્વાસ ન કરી શકતા હોય તેવા લોકોએ સર્ટિફિકેટ આપીને પોતાને સાબિત કરવાના હોય છે, આવા લોકો સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજરને લાગુ કરવામાં નિષ્ફળ રહે છે. આ મુદ્દાને લઈને મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે અને રાજ્યપાલ સામસામે આવી ગયા છે. સૌથી પહેલા રાજ્યપાલ કોશ્યારીએ મુખ્યમંત્રીને પત્ર લખ્યો.

પોતાના પત્રમાં રાજ્યપાલે લખ્યું કે એક તરફ સરકારે બાર અને રેસ્ટોરાં ખોલી દીધાં છે, જોકે મંદિર ખોલ્યાં નથી. આમ ન કરવા પર તમને કોઈ દૈવીસંકેત મળ્યો કે અચાનકથી સેક્યુલર થઈ ગયા. રાજ્યપાલના આ પત્ર પર ઉદ્ધવે ફેરવી તોળ્યું છે. તેમણે લખ્યું છે કે જેમ તાત્કાલિક લોકડાઉન લાગુ કરવું યોગ્ય નથી એ રીતે એને હટાવવું પણ યોગ્ય નથી અને હું હિન્દુત્વને માનું છું. મારે તમારું હિન્દુત્વનું સર્ટિફિકેટ જોઈતું નથી. એનસીપી નેતા શરદ પવારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને પત્ર લખ્યો છે. તેમણે રાજ્યપાલના પત્રની ભાષાથી નારાજગી વ્યક્ત કરી છે. તેમણે કહ્યું છે કે આ પત્ર કોઈ રાજકીય પાર્ટીના નેતા દ્વારા લખાયો હોય તેવું લાગે છે.

રાજ્યપાલની ચિઠ્ઠી અંગે ઉદ્ધવ સરકારમાં મહિલા તથા બાળ વિકાસ મંત્રી યશોમતિ ઠાકુરનું નિવેદન સામે આવ્યું છે. તેમણે કહ્યું હતું કે રાજ્યપાલની ચિઠ્ઠી કોઈ મોટા કાવતરાનો ભાગ છે. યશોમતિ ઠાકુરે કહ્યું હતું કે રાજ્યપાલ એક બંધારણીય પદ પર બેસીને ગેરબંધારણીય વાતો કરી રહ્યા છે, જે કોઈ મોટા કાવતરાનો ભાગ લાગી રહ્યું છે. તેમણે એવું પણ કહ્યું હતું કે જો કોરોનાનું જોખમ ટળી ગયું હોય તો અયોધ્યામાં રામ મંદિર ભૂમિપૂજન માટે લાલકૃષ્ણ અડવાણીને કેમ ન બોલાવ્યા? તેમણે એવો પણ સવાલ ઉઠાવ્યો કે જો માનનીય રાજ્યપાલ આ જવાબદારી-( ધાર્મિક સ્થળો ખોલવાથી કોરોનાનો ફેલાવો નહીં થાય) લે છે તો સરકારને ધાર્મિક સ્થળો(મંદિર) ખોલવામાં કોઈ વાંધો નથી.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here