રાજકોટ,તા.૧૫
રાજકોટના મવડી વિસ્તારમાં નેચરો થેરાપી સેન્ટરનાં ઓઠા હેઠળ ગર્ભપરીક્ષણના કારોબારનો પોલીસે પર્દાફાશ કર્યો છે. પોલીસે નોનમેટ્રિક ત્રિપુટીની ધરપકડ કરી છે. પોલીસે આરોપી પાસેથી ગર્ભપરીક્ષણ કરવાનું મશીન કબજે કરી તપાસ શરૂ કરી છે. રાજકોટ પોલીસના સકંજામાં ગર્ભ પરિક્ષણ કરનારા શખ્સો આવી ગયા છે. જેમનું નામ અમિત પ્રવીણ થિયાદ, દિનેશ મોહન વણોલ અને અવેશ રફીક મંસુરી છે. આ શખ્સો પર આરોપ છે કે, મવડી વિસ્તારમાં ચાલતા નેચરોથેરાપી સેન્ટરના ઓઠા હેઠળ ગર્ભ પરીક્ષણ અને ગર્ભપાત કરવાનો.
સમગ્ર મામલે પર નજર કરીએ તો, રાજકોટના મવડી રોડ પર આવેલ બાપા સીતારામ ચોક પાસે હરિઓમ એક્યુપ્રેશર એન્ડ નેચરોથેરાપી સેન્ટરમાં ગર્ભ પરીક્ષણ કરવામાં આવતું હોવાની આરોગ્ય વિભાગને માહિતી મળી હતી. પોલીસને સાથે રાખીને દરોડો કરવામાં આવતા આરોપીઓ ગર્ભ પરીક્ષણ કરતા હોવાનું સામે આવ્યું હતું. પોલીસે ગર્ભ પરીક્ષણ કરવાનું મશીન, જેલ સહિતનો મુદ્દામાલ કબજે કર્યો હતો. હાલ પોલીસે આ મામલે વધુ તપાસ શરૂ કરી છે. પોલીસનાં કહેવા મુજબ, આરોપીઓ નોન મેટ્રીક છે. કમ્પાઉન્ડર તરીકે ખાનગી હોસ્પિટલમાં નોકરી કર્યાનો અનુભવ ધરાવે છે. ગર્ભપાતમાં મુખ્ય સુત્રધાર અવેશ હતો.
ગાયનેકને ત્યાં ફરજ બજાવી હોવાથી બધી કળાઓ જાણતો હતો. અવેશ અને દિનેશ બન્ને નેપાળથી સોનોગ્રાફિ માટેનું મશીન લઇ આવ્યા હતા. આરોપી અમિતની જગ્યા હતી અને પરિક્ષણ અવેશ અને દિનેશ કરતા હતા. છેલ્લા સાત મહિનાથી ગર્ભ પરિક્ષણ કરતા હોવાનું સામે આવ્યું છે. પોલીસ તપાસમાં ગર્ભ પરીક્ષણનાં રૂપિયા ૧૨,૦૦૦ અને ગર્ભપાતનાં રૂપીયા ૨૦ હજાર લેતા હોવાનું સામે આવ્યું છે. હાલ પોલીસે ત્રીપુટીને ઝડપી જેલનાં સળીયા ગણતી કરી દીધી છે. જોકે છેલ્લા સાત મહિનામાં આરોપીઓએ કોના અને કેટલા ગર્ભ પરિક્ષણ કર્યા છે તેને લઇને તપાસ શરૂ કરી છે.