મનોવલણ અને વર્તનને હૃદયરોગ સાથે ગાઢ સંબંધ

0
12
Share
Share

અમેરિકાના વિખ્યાત કાર્ડિયોલોજીસ્ટ ડો. મેયર ફ્રીડમેને મન અને હૃદયના સહસંબંધને પ્રસ્થાપિત કરવા જીવનભર સંશોધન કર્યું. મેયર ફ્રીડમેન (૧૯૧૦- ૨૦૦૧) યેલ યુનિવર્સિટીમાંથી ગ્રેજ્યુએટ થઈ, જ્હોન હોપકિન્સ યુનિ.ની મેડિકલ સ્કૂલમાં જોડાયા હતા.તેમણે ત્યાંથી જ ૧૯૩૫માં એમ.ડી.ની ડિગ્રી લીધી હતી. એ પછી ઇલિનોઇસમાં આવેલી માઇકલ રીસ હોસ્પિટલમાં ૧૯૩૬થી ૧૯૩૮ સુધી તેમણે પોસ્ટ ગ્રેજ્યુએટ અભ્યાસ કર્યો હતો.તેમણે મેડિકલ સાયન્સ સાથે મનોસામાજિક મૂલ્યો પર વિપુલ સંશોધન કર્યું. તેમણે હૃદય અને રક્તવાહિની તંત્ર / રુધિરાભિસરણ તંત્રપર ખૂબ સંશોધનો કરી એના પર અમેરિકન હાર્ટ જર્નલ જેવાં મેડિકલ મેગેઝિનોમાં ૫૦૦થી વધુ આર્ટિકલ લખ્યા હતા. ૧૯૭૪માં તેમનું પ્રથમ પુસ્તક ’ટાઇપ એ બિહેવિયર એન્ડ યોર હાર્ટ’   પ્રકાશિત થયું હતું.૧૯૮૪મા ટ્રીટિંગ ટાઇપ એ બિહેવિયર એન્ડ યોર્ડ હાર્ટ નામનું બીજું પુસ્તક પ્રકાશિત થયું હતું. એમનાં સંશોધનો, મેડિકલ પ્રેક્ટિસ અને ગ્રંથલેખનમાં રે એચ. રોસેનમેન નામના કાર્ડિયોલોજીસ્ટ એમની સાથે રહ્યા હતા.ડૉ. મેયર ફ્રીડમેન એમના સુદીર્ઘ સંશોધનોને આધારે કહે છે કે, તમે કેવો આહાર લો છો, કેવો શ્વાસ લો છો કે કેવી રીતે કસરત કરો છો એ બધા કરતાં હૃદયરોગ થવા માટે તમે તમારી આસપાસના વાતાવરણ અને પરિસ્થિતિમાં કેવો વ્યવહાર અને વર્તન કરો છો, કેવી પ્રતિક્રિયા કરો છો એ વધારે મહત્ત્વની બાબત બને છે.’ડૉ. ફ્રીડમેન અને ડો. રોસેનમેન દર્શાવે છે કે રોગનિવારણ માટે માત્ર દવાઓ જ નહિ વ્યક્તિનું મનોવલણ અને જીવનશૈલી પણ મહત્ત્વના છે. તેમના એક પ્રયોગનાં પરિણામો અત્યંત રસપ્રદ છે. તેમણે પ્રયોગ કરવામાં આવનારા  હૃદયરોગના દર્દીઓને ત્રણ જૂથમાં વહેંચી દીધાં. પહેલાં જૂથના દર્દીઓને યોગ્ય ખોરાક, દવા અને સમજ આપી પણ સામાજિક સહયોગથી વંચિત રાખ્યા. બીજા જૂથના દર્દીઓને યોગ્ય ખોરાક, દવા અને સમજ આપવાની સાથે સામાજિક સહયોગ પણ આપ્યો.જ્યારે ત્રીજા જૂથના દર્દીઓને માત્ર યોગ્ય ખોરાક અને દવા જ આપ્યા. એની સાથે એમને યોગ્ય આહાર અને ઔષધિને લગતી કોઈ સમજ ના આપી અને સામાજિક સહયોગ પણ ન આપ્યો. ત્રણેય જૂથને આપવામાં આવેલા ખોરાક અને દવા એક સમાન જ હતા. પરિણામ અત્યંત વિસ્મયજનક હતું. પહેલા જૂથના દર્દીઓમાંથી માત્ર ૨૧ ટકા જેટલા દર્દીઓને ફરી હાર્ટ એટેક આવ્યો. બીજા જૂથના દર્દીઓ જેમને ખોરાક, દવા, સમજ અને સામાજિક સહયોગ આપ્યો હતો તે દર્દીઓમાંથી માત્ર ૧૨ ટકા જેટલાને જ ફરી હાર્ટએટેક આવ્યો. જ્યારે ત્રીજા જૂથના દર્દીઓમાંથી ૭૫ ટકા જેટલાને ફરી હાર્ટએટેક આવ્યો.ડૉ. ફ્રીડમેને એમના સંશોધનના આધારે વર્તનના ભેદથી ટાઇપ એ  અને ટાઇપ બી એવા વ્યક્તિત્વના પ્રકારો પાડયા છે. એમનો આ સ્પષ્ટ ’ટાઇપ’ શબ્દ ’નેશનલ વોકેબ્યુલરી’ (રાષ્ટ્રીય શબ્દ ભંડોળ)માં સ્થાન પામી ચૂક્યો છે. ડૉ. ફ્રીડમેન જણાવે છે કે, ’ટાઇપ એ’ પ્રકારના લોકો ઉતાવળિયા, અધીરા, સમયની તાકીદવાળા, ઝડપી વાણી ઉચ્ચારનારા, સ્પર્ધાત્મક સ્વભાવ અને વૃત્તિવાળા, વાંધા અને વિરોધવાળા તથા આક્રમક મિજાજ ધરાવતા હોય છે. એ વ્યવસ્થિતતાના વધારે આગ્રહી હોય છે.એ એટલા અધીરા અને અશાંત હોય છે કે એક મિનિટ પણ શાંત અને સ્થિર રહી શકતા નથી. એ તરત બીજાના પર ઉકળી ઊઠે છે એમનુ કામ ફટાફટ થઈ જાય એના એ જબરા આગ્રહી હોય છે. એ નાના અમથા નજીવા કારણોસર દુશ્મનાવટ, વેર ઊભું કરી દેછે અને પરિણામોનો  વિચાર કર્યા વગર ઝગડી પડે છે. એમનો ગુસ્સો ઘડીભરમાં સાતમા આસમાને પહોંચી જાય છે.

ડૉ. ફ્રીડમેન અને રોસેનમેન દર્શાવે છે કે, આવા ’ટાઇપ એ’ વ્યક્તિત્વવાળા લોકોને હૃદયરોગ અને રુધિરાભિસરણ તંત્રના  રોગો થવાનું જોખમ અતિ વધી જાય છે. ટાઇપ બી વ્યક્તિત્વ ધરાવતા લોકો શાંત, ધીરજવાળા, સંતુષ્ટ અને બિનસ્પર્ધાત્મક હોય છે. તે વિશ્રાંતિપૂર્ણ, ધીમેથી વાત કરનારા અને ધીમે ધીમે કામ કરનારા હોય છે.તે જલદી ઉત્તેજિત થઈ જતા નથી કે ક્ષુબ્ધ પણ થઈ જતા નથી. નાના અમથા કારણે કે નજીવી બાબતમાં ગુસ્સે ભરાતા નથી અને કોઈની સાથે ’બોલી બગાડતા’ નથી કે આવેશમાં આવી ખોટું કરી બેસતા નથી. આવા લોકોને હૃદયરોગ, રુધિરાભિસરણ તંત્રના રોગોનું જોખમ નહીવત્‌ રહે છે. ડૉ. ફ્રીડમેન કહે છે – કેન્સર માટે માનસિક અભિગમ બહુ અગત્યની ભૂમિકા ભજવે છે. કેન્સરવાળા દર્દીઓની સારવારમાં ’વર્તન ઉપચાર બહુ ઉપયોગી નીવડે છે.શરીરમાં મેગ્નેશિયમની માત્રા પૂરતી જળવાઈ રહે એ જરૃરી છે. એનાથી ’કાર્ડિયો વાસ્ક્યુલર’ સીસ્ટમનું સ્વાસ્થ્ય સારું રહે છે ’ટાઇપ-એ’ વ્યક્તિત્વવાળા લોકોમાં મેગ્નેશિયમ ઓછું હોય છે તે વધારે સ્ટ્રેસમાં રહેતા હોય છે. એ વધારે પ્રમાણમાં કેટેકોલામાઇન પેદા કરે છે જેનાથી ઇન્ટ્રાસેલ્યુલર મેગ્નેશિયમમાં ઘટાડો ઉદ્ભવે છે. લાંબાગાળે આ મેગ્નેશિયમ ડિફિસિયન્સી સ્ટ્રેસ માટે અતિસંવેદનશીલતા લાવી હૃદય અને રુધિર તંત્રના રોગો પેદા કરે છે.

ડૉ. ફ્રીડમેન અને ડો. રોસેનમેને ૧૯૫૦ના દશકામાં સાન ફ્રાન્સિસ્કોમાં સાથે પ્રેક્ટિસ કરી ત્યારે એમને એક વિસ્મયકારી બાબત જોવા મળી હતી. એમના ક્લિનિકના વેઇટિંગ રૃમની કેટલીક ખુરશીઓ બેસવાના આગળના ભાગમાં પાછળના ભાગ કરતાં વધારે ઘસાઈ હતી. આવું કેમ થયું હશે.એના પર વિચાર કરતાં એ શોધી કાઢવામાં આવ્યું હતું કે એ ખુરશી પર ટાઇપ એ વ્યક્તિત્વવાળા લોકો વધારે પ્રમાણમાં બેઠા હતાવહેલા ઊભા થઈને જવા માટે તે ખુરશીની ધાર પર આગળ આવીને બેસતા હતા. એમનો વારો ક્યારેે આવશે એની એમનામાં ભારે અધીરાઈ હતી. સંશોધન કરાતાં ખ્યાલ આવ્યો કે એ ખુરશીઓ પર હૃદયરોગના દર્દીઓ જ વધુ બેઠા હતા.ડૉ. ફ્રીડમેન પોતે કબૂલ કરે છે કે તે પહેલાં ’ટાઇપ-એ’ વાળું મનોવલણ અને વ્યક્તિત્વ ધરાવતા હતા એટલે એમને નાની ઉંમરે કોરોનરી બાયપાસ કરાવવી પડી હતી. એમને બે વખત હાર્ટએટેક આવ્યો હતો જ્યારે એમણે સ્ટ્રેસ ઘટાડી  ત્યાર પછી હૃદયરોગની સ્થિતિમાં સુધારો આવ્યો હતો. ફ્રીડમેને તેમના પુસ્તકમાં મનોવલણ અને વર્તનથી હૃદયરોગ કેવી રીતે દૂર કરવો એની સુંદર માહિતી આપી છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here