મની લોન્ડરિંગ કેસમાં ઈડી દ્વારા અહેમદ પટેલની ચાર દિવસમાં બીજી વખત પૂછપરછ

0
18
Share
Share

નવીદિલ્હી તા.૩૦

સાંડેસરા બંધુઓના બેન્ક કૌભાંડ અને મની લોન્ડરિંગ કેસમાં એનોફોર્સમેન્ટ ડિરેક્ટરોટે  કોંગ્રેસના વરિષ્ઠ નેતા અહેમદ પટેલની ચાર દિવસમાં બીજી વખત પૂછપરછ કરી છે. અહેમદ પટેલની તેમના દિલ્હીના ઘરે પૂછપરછ કરવામાં આવી રહી છે.ઈડીના ત્રણ સભ્યોની ટીમ મંગળવારે સવારે ૧૦.૩૦ કલાકે અહેમદ પટેલના મધ્ય દિલ્હીના લુટયન્સ સ્થિત ૨૩ મધર ટેરેસા ક્રેસન્ટ હોમ ખાતે પહોંચી હતી અને તેમની પૂછપરછ કરી રહી છે. અગાઉ શનિવારે પણ મની લોન્ડરિંગ કેસમાં કોંગ્રેસના ટોચના નેતાને ઈડીના અધિકારીઓએ સવાલ-જવાબ કર્યા હતા.મંગળવારે સવારે ઈડીના અધિકારીઓ માસ્ક અને ગ્લોવ્ઝ પહેરીને અહેમદ પટેલના ઘરે પહોંચ્યા હોવાનું જણાયું હતું. પ્રવર્તમાન કોરોના વાયરસ મહામારીને પગલે અહેમદ પટેલે કેન્દ્રની ગાઈડલાઈનને ટાંકીને જણાવ્યું હતું કે તેઓ વરિષ્ઠ નાગરિક હોવાથી ઈડી કાર્યાલય પર આવી શકે તેમ નથી. ઈડી દ્વારા તેમને બે વખત પૂછપરછ માટે સમન્સ પાઠવવામાં આવ્યું હતું.૨૭ જૂનના શનિવારે ઈડીએ આ કેસમાં અહેમદ પટેલની આશરે આઠ કલાક પૂછપરછ કરી હતી. અધિકારીઓના મતે વડોદરાની સ્ટર્લિંગ બાયોટેકના પ્રમોટરો સાંડેસરા બંધુઓના મની લોન્ડરિંગ કેસમાં શનિવારે અહેમદ પટેલનું નિવેદન નોંધવામાં આવ્યું હતું.નોંધનીય છે કે અહેમદ પટેલ કોંગ્રેસ પક્ષના ટ્રેઝરર છે અને તેઓ યુપીએ ચેરપર્સન અને કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીના રાજકીય સલાહકાર પણ રહ્યા છે. તેઓ કોંગ્રેસમાં એક ટોચના નેતાનો હોદ્દો ધરાવે છે. વડોદરાની સ્ટર્લિંગ બાયોટેકના પ્રમોટર્સ નીતિન જયંતિલાલ સાંડેસરા, ચેતનકુમાર સાંડેસરા અને દીપ્તી સાંડેસરાના ૧૪,૫૦૦ કરોડના બેન્ક લોન કૌભાંડને લઈને પટેલની કથિત મની લોન્ડરિંગ કેસમાં પૂછપરછ કરવામાં આવી છે. આ કેસમાં સાંડસેરા પરિવારના તમામ ભાગેડુ છે અને નીતિન તેમજ ચેતન બન્ને ભાઈઓ છે. ઈડીએ દાવો કર્યો છે કે આ બેન્ક લોન કૌભાંડ નીરવ મોદી અને મેહુલ ચોક્સીએ પીએનબીમાં આચરેલા કૌભાંડથી પણ વધુ મોટું છે.અહેમદ પટેલે શનિવારે પત્રકારોને જણાવ્યું હતું કે તેમણે સરકારી ‘મહેમાનો’ દ્વારા પૂછવામાં આવેલા પ્રશ્નોના જવાબ આપ્યા હતા. મને આશ્ચર્ય થાય છે કે, ચીન, કોરોના વાયરસ અને બેરોજગારી સામે લડવાને બદલે કેન્દ્ર સરકાર વિપક્ષ સામે બાથ ભીડી રહી છે. કાયદાને તેનું કામ કરવા જેવું જોઈએ અને જેણે કોઈ ખોટું નથી કર્યું તેણે ડરવાની કોઈ જરૂર નથી. પટેલે આક્ષેપ કરતા જણાવ્યું કે, જ્યારે પણ ચૂંટણી નજીક આવે છે ત્યારે કેન્દ્ર સરકાર વિવિધ એજન્સીઓનો દુરૂપયોગ કરે છે.

 

 

 

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here