૨૦૧૫માં નીતિન રામાણી કોેંગ્રેસમાંથી ચૂંટાઈ આવીને કોર્પોરેટર બન્યા હતા,પછી બળવો કરી ભાજપમાં જોડાયા
રાજકોટ,તા.૨૩
આજે રાજ્યના છ મહાનગરો અમદાવાદ, રાજકોટ, વડોદરા, સુરત, ભાવનગર અને જામનગરની પાલિકાની ચૂંટણીની મતગણતરી હાથ ધરવામાં આવી રહી છે. ત્યારે રાજકોટમાં રાજકારણનો એક અલગ જ રંગ જોવા મળ્યો છે. રાજકોટમાં ભાજપ અને કૉંગ્રેસના ઉમેદવાર તથા ભાજપના ઉમેદવારના પતિ મતગણતરી શરૂ થાય તે પહેલા ઉષ્માભેર ગળે મળતા દેખાય છે. રાજકોટમાં વોર્ડ નંબર ૧૩માં ભાજપના ઉમેદવાર નીતિન રામાણી અને કૉંગ્રેસ ઉમેદવાર જાગૃતિબેન ડાંગરના પતિ મતગણતરીનાં પરિણામ આવે તે પહેલા એકબીજાને ભેટતા કેમેરામાં કેદ થયા છે. ૨૦૧૫માં નીતિન રામાણી કૉંગ્રેસમાંથી ચૂંટાઈ અને કોર્પોરેટર બન્યા હતા અને બાદમાં બળવો કરી ભાજપમાં જોડાયા હતા. આશરે બે વર્ષ પહેલા જ્યારે રામાણીએ રાજીનામું આપ્યું હતું ત્યારે તેમણે જણાવ્યું હતું કે, કોંગ્રેસના આંતરિક જૂથવાદથી ત્રસ્ત થઇ અંતે રાજીનામું આપ્યું છે. રામાણીએ જણાવ્યું હતું કે, જૂથવાદના કારણે ચૂંટાયેલા કોર્પોરેટરો પોતાના વિસ્તારમાં વિકાસ કાર્યો પણ કરી શકતા નથી. શહેર કોંગ્રેસનું સંગઠન વેરવિખેર અને નીતિ, નિયત તેમજ નેતા વિહીન હોવાથી પ્રજાના પ્રશ્નોને વાચા આપી શકાતી નથી. રાજકોટમાં ૬ અલગ-અલગ સ્થળે મતગણતરી સવારે ૯ કલાકે હાથ ધરવામાં આવી છે. જેમાં વીરબાઈ મહિલા કોલેજ, એએસ ચૌધરી હાઈસ્કૂલ, એસવી વિરાણી હાઈસ્કૂલ, પીડી માલવિયા કોલેજ, રણછોડદાસજી કોમ્યુનિટી હોલ એમ અલગ-અલગ જગ્યાએ વિવિધ વોર્ડની મતગણતરી હાથ ધરવામાં આવી. જામનગરમાં હરિયા કોલેજ ખાતે મતગણતરી હાથ ધરવામાં આવી. સ્ટ્રોન્ગ રૂમ બહાર પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.