
રાજકોટ,તા.૨૦
રાજકોટના બામણબોર બાઉન્ડરી નજીક બંસલ પેટ્રોલ પંપ પાસે મોડી રાતે ત્રણેક વાગ્યે બંધ પડેલા ડમ્પર પાછળ આઇસર ધડાકાભેર અથડાતાં એકનું ઘટનાસ્થળે અને એકનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. જ્યારે આઈસરમાં સવાર અન્ય ૪ લોકો ઈજાગ્રસ્ત થતાં તેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાાં આવ્યા હતા. અમદાવાદમાં રહેતો મજૂર પરિવાર અમદાવાદથી સામાન ભરી વતન જુજારપુરમાં નવા બનાવાયેલા મકાનમાં રહેવા આવી રહ્યો હતો ત્યારે મોડી રાતે અકસ્માત થયો હતો. મળતી માહિતી મુજબ, અમદાવાદમાં નરોડામાં રહેતા અને મિલમાં નોકરી કરતા કાનજીભાઇ રૂડાભાઇ સેવરા (કોળી)એ લોકડાઉનમાં નોકરી ગુમાવતાં તેઓ ૬ મહિના પહેલાં અમદાવાદથી મૂળ વતન ચોરવાડના જુજારપુર આવી ગયા હતા અને વારસામાં મળેલી જમીન પર નવું મકાન બનાવવાનું શરૂ કર્યું હતું. તેમનાં પત્ની, પુત્ર, પુત્રી અમદાવાદમાં જ રોકાયાં હતાં. પુત્ર વિશાલ (ઉં.વ.૨૨) એમ.આર. તરીકે નોકરી કરતો હોય તે તથા માતા લીલીબેન સેવરા (ઉં.વ.૪૫) અમદાવાદ ખાતે જ રોકાયાં હતાં. એમ.કોમનો અભ્યાસ કરતી બહેન દીક્ષિતા (ઉં.વ.૨૦) અને વિશાલના કાકાની દીકરી સાવની ભૂપતભાઇ સેવરા (ઉં.વ.૧૬) સંક્રાંતિ કરવા અમદાવાદ ગયાં હતાં.
વતન જુજારપુરમાં નવું મકાન બનીને તૈયાર થઇ ગયું હોઈ વિશાલના પિતા કાનજીભાઇ અગાઉથી જ અહીં હતા. વિશાલ, તેનાં માતા, બહેન અને પિત્રાઇ બહેન ગઇકાલે રાતે આઇસરમાં સામાન ભરાવી અમદાવાદથી ચોરવાડ આવવા રવાના થયાં હતાં. આઇસર માળિયા હાટીનાના ભંડુરી ગામના સામતભાઇ કરસનભાઇ ગરચર (ઉં.વ.૪૩) ચલાવતા હતા. અમદાવાદથી સામાન ચડાવવા-ઉતારવા માટે એક મજૂર પણ આઇસરમાં બેઠો હતો. ત્યારે બામણબોર પાસે રાતે ત્રણેક વાગ્યે એક ડમ્પર બંધ ઊભું હતું, તે ડ્રાઇવરને ન દેખાતાં તેની પાછળ આઇસર ધડાકાભેર અથડાતાં એના આગળના ભાગનો ભુક્કો બોલી ગયો હતો. આ અકસ્માતમાં વિશાલનું ઘટનાસ્થળે જ મોત થયું હતું, જ્યારે સાથે આવેલા મજૂરનું સારવાર દરમિયાન મોત થયું હતું. વિશાલ માતા-પિતાનો એકનો એક આધારસ્તંભ પુત્ર હતો. બનાવની જાણ થતાં કાનજીભાઇ સેવરા વતન જુજારપુરથી રાજકોટ દોડી આવ્યા હતાં. દીકરાના મોતથી પરિવારજનો આઘાતમાં ગરક થઇ ગયાં હતાં. ઘટનાની જાણ થતાં કુવાડવા પોલીસ સ્થળ પર પહોંચી ગઈ હતી અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.