મકરસંક્રાંતિ બાદ રાજકોટમાં એક સાથે ચાર બ્રિજનું લોકાર્પણ કરી શકે છે મુખ્યમંત્રી

0
22
Share
Share

રાજકોટ,તા.૧૩

રાજકોટ મકરસંક્રાંતિના તહેવાર બાદ એક ઐતિહાસિક ઘટનાનું સાક્ષી બને તેવી સંભાવના છે. તેમજ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી કમુરતા ઉતર્યા બાદ શુભ મુહૂર્તમાં મકરસંક્રાંતિના તહેવાર બાદ રાજકોટના વિવિધ વિસ્તારમાં આવેલા ચાર-ચાર બ્રીજનું લોકાર્પણ કરી શકે છે એવી માહિતી કોર્પોરેશનના સૂત્રો દ્વારા તાજેતરમાં પ્રાપ્ત થઈ હતી. ત્યારે આજે તમામ બ્રિજ સહિતના પ્રોજેક્ટની મ્યુનિસિપલ કમિશનર ઉદીત અગ્રવાલે સ્થળ મુલાકાત કરી હતી.ટ્રાફિકની સમસ્યાનો ક્રમશઃ ઉકેલ આવે તે માટે શહેરના રૈયા રોડ પર આમ્રપાલી ફાટક પર અન્ડરબ્રીજ બનાવવાની કામગીરી રેલ્વે દ્વારા શરૂ કરવામાં આવી હતી. જેની કામગીરી પૂર્ણ થવાની તૈયારીએ છે. આ માસમાં કામગીરી પૂર્ણ થયે આ અન્ડરબ્રીજ લોકો માટે ખુલ્લો મુકવામાં આવશે. આજે તા.૧૩ ના રોજ વહેલી સવારે રૈયા રોડ આમ્રપાલી અન્ડરબ્રીજ સહિતના વિવિધ પ્રોજેક્ટની કામગીરીની સમીક્ષા કરવા મ્યુનિ. કમિશનર ઉદિત અગ્રવાલે ટીમના સભ્યો સાથે સ્થળ વિઝીટ કરી હતી.

મ્યુનિ. કમિશનર ઉદિત અગ્રવાલે બ્રિજની મુલાકાત લીધી હતી આ અન્ડરબ્રીજમાં બંને બાજુ ૪.૫ મીટર સર્વિસ રોડ, ૬.૬૦ મીટરનો બંને બાજુ બોક્સની અંદર કેરેજ-વે, ૬.૭૫ મીટરનો બોક્સની બહાર બોક્સને જોડતો કેરેજ-વે તેમજ વૈશાલીનગર-૧ (શાક માર્કેટ તરફ) થી ચુડાસમા મેઈન રોડ(એરપોર્ટ રોડ) તરફ બ્રિજની ઉપરથી જવા માટેની સુવિધા, કિશાનપરા તરફથી શ્રેયસ સોસાયટી (રેસકોર્ષ) તરફ બ્રિજની ઉપરથી જવા માટેની સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવી છે.આજે સવારે મ્યુનિ. કમિશનરશ્‌એ વહેલી સવારે આમ્રપાલી અન્ડરબ્રીજ સહીત ડી.આઈ. પાઈપલાઈન નેટવર્ક નાખવાની ચાલતી કામગીરીમાં જિલ્લા ગાર્ડન વોટર વર્કસ હેઠળ જયરાજ પ્લોટ, કોઠારીયા વોટર વર્કસ હેઠળ વેલનાથ સોસાયટી અને વાવડી વોટર વર્કસ હેઠળ શ્રીજી સોસયટીમાં રૂબરૂ મુલાકાત લઇ કામગીરીની સમીક્ષા કરી હતી. પબ્લિક ટ્રાન્સપોર્ટેશન સર્વિસનાં ભાગ રૂપે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શહેરીજનો માટે રેસકોર્ષનાં કિશાનપરા ચોક ખાતે “પબ્લિક બાઈક શેરીંગ” પાઈલોટ પ્રોજેક્ટનું તુર્ત જ લોન્ચ કરવા અંગેની તૈયારીઓ કરવામાં આવી છે.

જેમાં શહેરીજનો માટે નજીકનાં સ્થળોએ પહોંચવા માટે “માય બાઈક” એજન્સી મારફત “પબ્લિક બાઈક શેરીંગ” સ્ટેશન મારફત પાઈલોટ પ્રોજેક્ટ શરૂ કરવામાં આવશે. શહેરીજનો આ પ્રોજેક્ટ હેઠળની સાયકલનાં વપરાશ કરવા માટે નિર્ધારિત સ્થળ પર માત્ર એક વખત રજીસ્ટ્રેશન કરાવી, મોબાઈલ એપ્લીકેશનની મદદથી સાયકલ લઇ એક સ્થળેથી બીજા સ્થળે મુસાફરી કરી શકાશે. તથા નિર્ધારિત સ્થળ પર સાયકલ જમા થયા બાદ મુસાફરી પૂર્ણ થયેલ ગણાશે તથા વપરાશકર્તાનાં મોબાઈલ એપ વોલેટમાંથી સાયકલ ભાડાની ચૂકવણી થઇ જશે અને સાયકલ શેરીંગ માટે વારંવાર રજીસ્ટ્રેશન વિગેરે પ્રક્રિયામાંથી મુક્તિ મળશે. આ યોજના શરૂ થવાથી રાજકોટ શહેરનાં નાગરિકોને પબ્લિક બાઈક શેરીંગ પ્રોજેક્ટ હેઠળ બાઈસિકલ સર્વિસ મળી રહેશે, ટ્રાફિકની સરળતા રહેશે, પ્રદુષણ ઘટશે, લોકોના આરોગ્યમાં સુધારો થશે, પાર્કિંગના પ્રશ્નનું નિરાકરણ થશે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here