ભૂખમરામાં ભારત પાકિસ્તાન અને નેપાળ કરતા પાછળ..!

0
17
Share
Share

૧૦૭ દેશોની રેન્કિંગમાં નેપાળ ૭૩ અને પાકિસ્તાન ૮૮, બાંગ્લાદેશ ૭૫મા ક્રમે તો ભારત ૯૪મા સ્થાને પહોંચ્યું

ભારતની ૧૪ ટકા વસ્તી કુપોષણનો શિકાર, ભારતમાં બાળકોમાં સ્ટંટિંગ રેટ ૩૭.૪ ટકા

ન્યુ દિલ્હી,તા.૧૭

ગ્લોબલ હંગર ઈન્ડેક્સનો રિપોર્ટ જાહેર થઈ ગયો છે. ૧૦૭ દેશો માટે કરવામાં આવેલ રેન્કિંગમાં ભારત ૯૪માં ક્રમ પર આવ્યું છે. રિપોર્ટ અનુસાર, ૨૭.૨ના સ્કોર સાથે ભારત ભૂખના મામલે ગંભીર સ્થિતિમાં છે.

અગાઉ કરવામાં આવેલા રેન્કિંગમાં ૧૧૭ દેશોમાં ભારત ૧૦૨ ક્રમ પર આવ્યું હતું. ધ્યાન આપવા જેવી વાત છે કે, ભારતની રેન્કિંગમાં સુધારો થયો છે, પરંતુ સામે કુલ દેશોની સંખ્યા પણ ઘટી છે.

ભારત પોતાના અનેક પડોશી દેશો કરતાં પણ પાછળ ચાલી રહ્યું છે. જેમાં નેપાળ (૭૩), પાકિસ્તાન (૮૮), બાંગ્લાદેશ (૭૫) સિવાય ઈન્ડોનેશિયા (૭૭) જેવા દેશો પણ સામેલ છે.

રિપોર્ટ અનુસાર, માત્ર ૧૩ દેશો એવા છે, જે હંગર ઈન્ડેક્સમાં ભારત કરતાં પાછળ છે. જેમાં રવાન્ડા (૯૭), નાઈજીરિયા (૯૮), અફઘાનિસ્તાન (૯૯), લીબિયા (૧૦૨), મોઝામ્બિક (૧૦૩) અન ચાડ (૧૦૭) જેવા દેશો સામેલ છે.

રિપોર્ટ મુજબ, ભારતની લગભગ ૧૪ ટકા વસ્તી કુપોષણનો શિકાર છે. જ્યારે ભારતમાં બાળકોમાં સ્ટંટિંગ રેટ ૩૭.૪ ટકા છે. સ્ટન્ડ બાળકો તેને કહેવાય છે, જેમની ઊંચાઈ તેમની ઉંમરની સરખામણીમાં ઓછી હોય છે અને જેમનામાં ભયાનક કુપોષણના લક્ષણો જોવા મળે છે.

કન્સર્ન વર્લ્ડવાઈડ અને Welthungerhilfe સંયુક્ત રીતે ગ્લોબલ હંગર ઈન્ડેક્સનો રિપોર્ટ દર વર્ષે જાહેર કરે છે. જેમાં વિશ્વભરના તમામ દેશોમાં ભૂખમરા વિશેનો રિપોર્ટ હોય છે.

ગ્લોબલ હંગર ઈન્ડેક્સ રિપોર્ટ દર વર્ષે બહાર પાડવામાં આવે છે. જેમાં જે દેશોનો સ્કોર નીચે રહે છે, તેને ઊંચુ રેન્કિંગ મળે છે. જ્યારે તેનાથી વિપરીત જેમનો સ્કોર વધારે હોય છે, જેમ કે ભારત, તો તેવા દેશોનું રેન્કિંગ ખરાબ મનાય છે.

હંગર ઈન્ડેક્સ માપવા પાછળનો ઉદ્દેશ્ય એ છે કે, વિશ્વ ૨૦૩૦ સુધી ઝીરો હંગર થઈ જાય. તે સંયુક્ત રાષ્ટ્રના સતત વિકાસના લક્ષ્યોમાંથી એક છે. હંગરને એના આધારે માપવામાં આવે છે કે, કોઈ વ્યક્તિ કેટલી કેલરી ગ્રહણ કરે છે.

GHIમાં વર્ષ ૨૦૧૪માં ૫૫માં સ્થાન પર રહ્યો. ભારત ૨૦૧૯માં ૧૦૨માં સ્થાન પર આવી ગયો હતો. જોકે યાદીમાં દાખલ કરવામાં આવેલા દેશોની સંખ્યા વર્ષમાં ઘટતી જઈ રહી છે. વર્ષ ૨૦૧૪માં ભારત ૭૬ દેશોની યાદીમાં ૫૫માં સ્થાને હતો. વર્ષ ૨૦૧૭માં બનેલી ૧૧૯ દેશોની યાદીમાં તે૧૦૦માં સ્થાને હતો અને વર્ષ ૨૦૧૮માં તે ૧૧૯ દેશોની યાદીમાં ૧૦૩માં સ્થાન પર રહ્યો હતો.

 

 

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here