રાપરમાં મહિલાની આંખમાં મરચું છાંટી સોનાનો ચેન ઉઠાવી જતો શખ્સ
ભુજ, તા.૨
ભુજની ભાગોળે માધાપર જુનાવાસમાં પંચાયતઘર નજીક ઠાકર મંદિર પાસે રહેતા ૭૦ વર્ષિય હંસાબેન વૃજલાલ બગ્ગાને આજે બપોરે સાડા બાર વાગ્યે એક અજાણી મહિલા ભેટી ગઈ હતી. આ મહિલાએ હંસાબેન જોડે કહેવાતી જૂની ઓળખાણ કાઢીને વાત-વાતમાં તેમને વિધવા પેન્શન યોજનાનો લાભ અપાવવાનો મમરો મૂક્યો હતો. હંસાબેન તેને પોતાના ઘેર લઈ ગયા હતા. અજાણી મહિલાએ હંસાબેનના પુત્ર અને પુત્રવધુને પણ વિધવા સહાય યોજના અંગે વિશ્વાસમાં લીધા હતા. પરિવારની સંમતિ મળ્યા બાદ મહિલા કેડીકલ ચેકઅપના બહાને હંસાબેનને જી.કે.જનરલ હોસ્પિટલ પાસે લઈ ગઈ હતી ત્યારબાદ બેંકમાં જવાનુ કહી પરત માધાપર લાવી હતી. હંસાબેનને બેંકમાં ફોર્મ લેવા જવાનુ કહી ચેતવ્યા હતા તમે સોનાની બુટ્ટી પહેરેલી છે તે જોઈને બેંકવાળા તમે પૈસાદાર છો તેમ માનીને ફોર્મ નહીં આપે તેમ કહી તેમણે પહેરેલી સોનાની બુટ્ટી કઢાવી લીધી હતી. આ મહિલાએ અન્ય ખર્ચ પેટે હંસાબેન પાસેથી પાંચસો રૂપિયા પણ પડાવ્યા હતા. હંસાબેને વિશ્વાસમાં આવીને તેને બુટ્ટીઓ કાઢી આપી ત્યારબાદ આ મહિલા બુટ્ટીઓ લઈને સિફતપૂર્વક રફૂચક્કર થઈ ગઈ હતી.
બનાવ અંગે ભુજ બી.ડીવીઝન પીએસઆઈ વી.એચ.ઝાલાએ તપાસ હાથ ધરી છે. આરોપી મહિલા અને વૃઘ્ધા માર્ગ પર જતા હોય તેવા સીસીટીવી ફૂટેજ પોલીસને મળ્યા છે. બીજી તરફ આજે રાપરના ભૂતિયાકોઠા વિસ્તારમાં આવેલી માર્કેટમાં દુકાનના ઓટલે બેઠેલી વૃધધ મહિલાની આંખમાં મરચાની ભૂકી નાખી અજાણ્યો શખ્સ ચેઈન તોડીને નાસી છૂટયો હતો. ઘટનાના પગલે ભારે હોબાળો મચી ગયો હતો. જો કે, આ મામલે વૃઘ્ધાએ ફરિયાદ નોંધાવવાનુ ટાળતા મામલો પોલીસ દફતરે ચડ્યો ન હતો.