ભાવિ ઘટનાઓનો સંકેત આપનારા ડ્રીમ્સ

0
19
Share
Share

પહેલાં આપણે ગાઢ નિદ્રા અને હળવી નિદ્રા વિશે સાવ ખોટા ખ્યાલ ધરાવતા હતા. આપણે એવું સમજતા હતા કે રાત્રે આપણે ઊંઘી જઈએ પછી ધીમે ધીમે ગાઢ નિદ્રામાં પહોંચી સવારે તે હળવી થતા પાછા જાગી જઈએ છીએ.એક એવો પણ ખોટો ખ્યાલ ધરાવતા હતા કે ગાઢ નિદ્રામાં સ્વપ્નો ઓછાં આવે અને વહેલી સવારે સ્વપ્નો વધારે આવે. સ્વપ્નો વગરની ઊંઘ બહુ સારી અને સ્વપ્નોવાળી ઊંઘ ખરાબ. પરંતુ નિદ્રા પર થયેલાં હજારો સંશોધનોએ આપણી આ માન્યતા સદંતર ખોટી છે એવું સાબિત કર્યું છે.રાત્રે સૂઈ જઈએ અને સવારે જાગીએ એ દરમિયાન ગાઢ નિદ્રા અને હળવી નિદ્રા એવી નિદ્રાની માત્ર બે અવસ્થાઓમાંથી જ આપણે પસાર નથી થતા. મસ્તિષ્ક વિજ્ઞાાનીઓ કહે છે કે, રાત્રિથી સવાર સુધીની અખંડ નિદ્રામાં ભારે અને હળવી અવસ્થાઓ ચારથી પાંચ વાર આવે છે.ભારે અને હળવી નિદ્રા વચ્ચેના અંતરાલ કાળમાં રેમ સ્લીપ ઉદ્ભવે છે તે દરમિયાન જ સ્વપ્નો આવે છે. જાગૃતિમાંથી નિદ્રામાં સરી જવાની અવસ્થા કે નિદ્રામાંથી જાગૃત થવાની અવસ્થા વચ્ચે જે તંદ્રાવસ્થા આવતી હોય છે એને ’હિપ્નાગોઝિક સ્ટેટ’ કહેવાય છે.એ વખતે આલ્ફા તરંગો વહેવાના શરૂ થાય છે. એ વખતે દેખાતાં સ્વપ્નો મહદ્‌અંશે પૂર્વાભાસી હોય છે. એ વખતે જ અતિમાનસ શક્તિઓ પ્રકટ થાય છે. ટેલિપથિક સંદેશાઓનું પણ આદાન-પ્રદાન થાય છે. ભવિષ્યમાં બનવાની ઘટનાઓના સંકેતો સ્વપ્નોમાં દેખાય છે.ઇ.સ. ૧૮૫૦માં અમેરિકન મનોવિજ્ઞાની એડમન્ડ જેકોબ્સને નિદ્રા દરમિયાન થતી આંખની ગતિવિધિ જોઈ હતી અને એનું કંઈ મહત્ત્વ હોવું જોઈએ એમ જણાવ્યું હતું. એ પછી ૧૯૫૦માં આસેરિન્સ્કી અને નાથાનિએલ ક્લીટમેન નામના મનોવિજ્ઞાનીએ આ વિશે નોંધપાત્ર સંશોધન કર્યું હતું.યુનિવર્સિટી ઑફ શિકાગોમાં ક્લીટમેન સાથે કામ કરનાર ડીમેન્ટે ૧૯૬૦માં ન્યૂયોર્ક શહેરની માઉન્ટ સિનાઈ હૉસ્પિટલમાં રહીને સ્વપ્નો વિશે વિપુલ માત્રામાં સંશોધન કર્યું હતું. સ્વપ્નોને વ્યવસ્થિત રીતે, વૈજ્ઞાનિક પરિપ્રેક્ષ્યથી તથા અર્વાચીન ટેક્નોલોજિકલ સાધન સરંજામથી નોંધવાનો અને સમજવાનો પ્રયાસ તેમણે ત્યાં રહીને કર્યો હતો.યુનિવર્સિટી ઓફ ફ્રેઇબર્ગના જર્મન પરામનોવિજ્ઞાની ડૉ. હાન્સ બેન્ડરે ભાવિ ઘટનાઓનો સંકેત આપનારા કે તેમનું પૂર્વજ્ઞાન આપનારા ’પ્રિકોગ્નિટિવ ડ્રીમ્સ’ પર ઊંડુ સંશોધન કર્યું છે. તેમણે આવાં સ્વપ્નો વિશે બે સંશોધનાત્મક અભ્યાસો પણ રજૂ કર્યા છે. તેમાંનો એક બીજા વિશ્વયુદ્ધ દરમિયાન કેટલાક લોકોને આવેલાં આવાં સ્વપ્નોને લગતો છે. બીજો ક્રિસ્ટિન માઇલીસ નામની અભિનેત્રીને લગભગ ૨૦ વર્ષ સુધી આવેલા બે હજાર જેટલાં સ્વપ્નોના અનુભવને લગતો છે.ક્રિસ્ટિનનાં સ્વપ્નો પ્રિકોગ્નિશન, પ્રિમોનિશન કે ફોરનોલેજના સંકેતોથી ભરેલા રહેતાં જે પાછળથી મોટે ભાગે સાચા પડતાં તેથી હાન્સ બેન્ડરે તેમનો સૂક્ષ્મતાપૂર્વક અને વિગતવાર રીતે અભ્યાસ કર્યો હતો.૧૯૫૯માં ક્રિસ્ટીન માઇલીસે ’નાઇટ ફેલ અપોન ગોટેનહાફટન’ મૂવીમાં કામ કર્યું ત્યારે તેના શુટિંગ દરમ્યાન તેના અભિનય માટે નક્કી થયેલાં કેટલાક દ્રશ્યોની સ્ક્રીપ્ટ લખાઈ અને તે ભજવાયા એ પૂર્વે તેને તે સ્વપ્નોમાં દેખાયા હતાં. જે હાન્સ બેન્ડરની ફાઇલમાં સંગ્રહાયેલા છે.ઇ.સ. ૧૮૧૨માં કાઉન્ટેસ ટુટસ્કોફને એવું સ્વપ્ન આવ્યું છે કે બોરોડિનોમાં તેમના પતિનું મૃત્યુ થયું છે. સ્વપ્નમાંથી બહાર આવ્યા બાદ નિદ્રા તૂટી ગઈ છે. તેણે ચિંતાતુર બનીને એ સ્થળ નકશામાં શોધવાનો પ્રયત્ન કર્યો પરંતુ નકશામાં ક્યાંય બોરોડિના નામનું સ્થળ જોવા મળ્યું નહીં. તેથી તે ખુશ થઈ અને તેને લાગ્યું કે સ્વપ્ન અર્થહીન હશે. પરંતુ સ્વપ્નના સાડા ત્રણ મહિના બાદ ૭ સપ્ટેમ્બર ૧૮૧૨ના રોજ ખરેખર તે ઘટના બની જ્યારે નેપોલિયનના લશ્કરે રશિયામાં ચડાઈ કરી ત્યારે બન્નેનાં લશ્કરો એકમેક સામે આવી લડવા લાગ્યા હતા.એ વખતે નેપોલિયનના સૈનિકો થકી કાઉન્ટેસના પતિનું મરણ થયું હતું. જે જગ્યાએ આ ઘટના બની તેનું નામ બોરોડિનો જ હતું. બોરોડિનો એ મોસ્કો પાસે આવેલું એકદમ નાનું ગામ છે જેનો નકશામાં નિર્દેશ પણ થયેલો નહોતો. આમ વાસ્તવિક ઘટના બની એનો સાડા ત્રણ મહિનાં પહેલા જ કાઉન્ટેસ ટુટસ્કોફને સ્વપ્નમાં એ ઘટના દેખાઈ ગઈ હતી. એ જગ્યાનું નામ બોરોડિનો છે તે પણ જોવા મળ્યું હતું.ઇન્દ્રિયાતીત જ્ઞાન, અતીન્દ્રિય બોધ કરાવનારાં સ્વપ્નો, રહસ્યોદ્ઘાટક બની ગુનાશોધન પણ કરે છે. ’રેડ બાર્ન મર્ડર કેસ’ તરીકે ઓળખાતો ઓગણીસમી સદીના પૂર્વાર્ધનો એક હિસ્સો આવા પ્રકારનો જ છે. ઇ.સ. ૧૮૨૭માં મારિયા માર્ટન નામની એક સુંદર યુવતીએ એનું ઘર અને ગામ છોડીને વિલિયમ કોર્ડર નામના ખેતી કરતા સોહામણા યુવક સાથે નાસી ગઈ.વિલિયમ ઇંગ્લેન્ડના સલ્લોક ખાતે રહેતો હતો. થોડા સમય બાદ કોર્ડર કોઈ બીજી યુવતીના મોહપાશમાં ફસાયો. મારિયા પરત્વેનું આકર્ષણ સાવ જ ઘટી ગયું. બન્ને વચ્ચે ઉગ્ર ઝઘડા થવા લાગ્યા. એક દિવસ તેણે મારિયાનું ખૂન કરી નાખ્યું અને તેની લાશને કોઠારના ભોંયતળિયા હેઠળ દાટી દીધી. તેણે મારિયાના માતા-પિતાને કાગળ લખી દીધો કે મારિયા સાથે તેના લગ્ન થઈ ગયા છે અને તેમનું દાંપત્યજીવન સુખપૂર્વક પસાર થઈ રહ્યું છે.મારિયાની હત્યા થયે એક વર્ષ વીતી ગયું પણ કોઈને તેના વિશે કશી ગંધ ના આવી પણ એક રાત્રે મારિયાની માતાને સ્વપ્ન આવ્યું. સ્વપ્નમાં એના મને ક્રાઇમ ડિટેક્શન કરી નાખ્યું. એણે સ્વપ્ન થકી મારિયાની માતાને હત્યાની ઘટના દેખાડી દીધી. તેણે પોતાના પતિને આ સ્વપ્નની વાત કહી અને જણાવ્યું કે, સ્વપ્ન થકી તેને એ જાણવા મળી ગયું છે કે, કોર્ડર ઇંગ્લેન્ડના સફલોકમાં કયા મકાનમાં રહે છે. તેણે મારિયાની હત્યા કરી એ મકાનના કોઠારની નીચે છુપાવી દીધી છે. તેા પતિ તપાસ કરવા કોર્ડરના ઘેર આવ્યા ત્યાં મારિયાને ન જોતાં શંકા મજબૂત બની.કોર્ડરે જુઠ્ઠાણું ઉચ્ચારતા કહ્યું – ’એક વર્ષ પહેલા મેં પત્ર લખ્યો એ પછી તમારી પુત્રી મારિયા મને છોડી કોઈ બીજાની સાથે નાસી ગઈ છે. તે ક્યાં છે એની મને ખબર નથી.’ આટલું બોલી તે કામે ચાલ્યો ગયો. એ બહાર ગયો પછી મારિયાના પિતાએ કોઠારની નીચે ભોંયતળિયાની જમીન ખોદીને જોયું તો ત્યાં એક કોથળામાં મારિયાની લાશ છુપાવીને રાખેલી હતી.મારિયાના પિતાએ તરત જ પોલીસ બોલાવી એ લાશનો કબજો સોંપી તપાસ માટે મોકલી. પોલીસે કોર્ડરની સખત પૂછપરછ કરી. એણે ગુનો કબૂલી લીધો. એને જેલમાં મોકલી દેવાયો. અંતે ફાંસીની સજા થઈ. આમ, ’ડ્રીમ ક્લેરવોયન્સ’થી પણ ઘણા ગુનેગારો પકડાયા છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here