ભાવનગર : વરસાદથી ખેડૂતોને ભારે નુકશાન, વિજળી પડતા મહિલા સારવારમાં

0
19
Share
Share

ભાવનગર, તા.૧૯

ભાવનગરમાં કમોસમી વરસાદ ખાબકતા મહામહેનતે વાવેલા પાકોને નુકસાન થતા ખેડુતોની હાલત વધુ દયનીય બની છે. ભાવનગર માર્કેટીંગ યાર્ડમાં ૧૦ હજારથી વધુ મગફળી અને ડુંગળીની થેલીઓ પલળી જતા ભારે નુકસાન થયુ છે.

ગોહિલવાડ પંથકમાં ગઈકાલે કમોસમી વરસાદે ખેડુતોને રાતા પાણીએ રોવરાવ્યા છે. વાડી વિસ્તારમાં ખેતરોમાં પાણી ભરાઈ જતા ખેતરોમાં બળેલા પાક ખેડુતોમાં દોડધામ મચી જવા પામી હતી. ખેડુતોએ મહામહેનતે ઉગાડેલ કપાસ, મગફળી, જુવાર, તલ વિગેરે પાકોમાં વ્યાપક પ્રમાણમાં નુકસાન થવા પામ્યુ છે.

ભાવનગર જીલ્લાના સિહોરમાં ૯૨ મીમી., ઘોઘામાં ૪૨ મીમી અને ભાવનગરમાં ૩૭ મીમી તથા ગારીયાધારમાં ૫ મીમી વરસાદ નોંધાયો છે. જો કે આજે સવારથી જ તડકો નીકળ્યો છે અને વરસાદી માહોલ વિખેરાઈ ગયો છે.

વીજળી પડતા મહિલા દાઝી ગઈ

ભાવનગર શહેરમાં બે સ્થળોએ વીજળી પડી છે. શહેરમાં ચિત્રા વિસ્તારમાં મેપાનગરમાં વીજળી પડતા ચંપાબેન પરસોતમભાઈ મકવાણા ગંભીર રીતે દાઝી જતા તેઓને સર.ટી.હોસ્પીટલમાં ખસેડાયેલ છે.

જ્યારે શહેરનાં ભરતનગર વિસ્તારમાં હરીઓમનગર શિવજીના મંદિર પાસે વરસાદ દરમ્યાન વિજળી પડતા રીટાબેન તથા કેતનભાઈ પરમાર અને આજુબાજુના ચાર-પાંચ મકાનોમાં ટીવી, ફ્રીજ, એલઈડી, પંખા વિગેરે વીજ ઉપકરણોને ભારે નુકશાન થવા પામ્યુ હતુ.

યાર્ડમાં ૧૦ હજાર ડુંગળીની ગુણીઓ પલળી ગઈ

ભાવનગરમાં ધોધમાર વરસાદ શરૂ થતા માર્કેટીંગ યાર્ડમાં પડેલી અંદાજીત ૧૦૦૦૦ જેટલી ડુંગળી અને મગફળીની ગુણીઓ પલળી જવા પામતા ભારે નુકસાન થવા પામ્યુ જ્યારે ખેડુતોને પણ કમોસમી વરસાદથી પાકને નુકસાન થવા પામ્યુ છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here