ભાવનગર : બિમારીથી કંટાળી યુવાનનો હોસ્પિટલનાં ત્રીજા માળેથી ઝંપલાવી આપઘાત

0
13
Share
Share

ભાવનગર તા. ર૩

ભાવનગરની સર ટી. હોસ્પિટલના બિલ્ડીંગનાં ત્રીજા માળેથી ઝંપલાવી યુવાને આપઘાત કરી લીધો હતો. પ્રાપ્ત વિગતો મુજબ શહેરની સર ટી. હોસ્પિટલના પરિસરની કેન્સર હોસ્પિટલનાં ત્રીજા માળેથી વલ્લભીપુર તાલુકાના ભોજપરા ગામનાં યુવાન સુનીલભાઇ સવજીભાઇ ડાભી (ઉ.વ.૩૭)એ ઝંપલાવતા તેનું ગંભીર ઇજા થતાં સ્થળ પર જ મોત નિપજયું હતું. બનાવની જાણ થતાં પોલીસ દોડી ગઇ હતી અને તપાસ હાથ ધરી હતી. ગંભીર બીમારીથી કંટાળી યુવાને આ પગલુ ભર્યુ હોવાનું જાણવા મળેલ છે.

હળવદ-માળિયા ધોરીમાર્ગ પર એસટી બસ અને ટ્રક અથડાતાં મહિલાનું મોત, બે ને ઇજા

વહેલી સવારે પાંચેક વાગ્યાના અરસામાં હળવદ-માળિયા રોડ મોરબી ચોકડી નજીક એસટી બસ અને ટ્રક વચ્ચે ગંભીર વાહન અકસ્માત થયો હતો જેમાં માજમબેન નાનજીભાઈ ડિંડોર (ઉંમર ૪૦) રહે.સંતરામપુર (હિરાપુર) નામની મહિલાનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું. જ્યારે ફસાયેલા બે ઇજાગ્રસ્ત મુસાફરોને એકાદ કલાકની જેહમત બાદ બહાર કાઢીને ૧૦૮ દ્રારા હળવદ સીએચસી ખાતે ખસેડવામાં આવ્યા હતા. ઇજાગ્રસ્તોના નામ મનુભાઈ રમેશભાઈ ડામોર (ઉમર ૨૬) રહે.એમપી અને નાનજીભાઈ ધનાભાઇ ડિંડોર (ઉમર ૪૫) રહે.સંતરામપુર (હિરાપુર) ના વતની હોવાનું જાણવા મળેલ છે.બનાવને પગલે પોલીસ ઘટનાસ્થળે દોડી ગઇ હતી અને આગળની તપાસ હાથ ધરી છે.

છકડો રિક્ષા પલ્ટી જતાં ૪ ને ઇજા

હળવદના કવાડીયા ગામના પાટિયા નજીક છકડો રીક્ષા પલ્ટી મારી ગઇ હતી જેથી તેમાં સવાર પાંચેક લોકોને નાની મોટી ઈજાઓ થતા સારવારમાં લઇ જવાયા હતા.હળવદના ટિકર ગામના પાંચ વ્યક્તિ છકડો રીક્ષામાં હળવદ આવી રહ્યા હતા ત્યારે અમદાવાદ-કચ્છ હાઇવે ઉપર કવાડીયાના પાટિયા નજીક રીક્ષા પલ્ટી મારી ગઇ હતી જેથી તેજાભાઈ દેવશીભાઈ, લાભુબેન ડાયાભાઈ, અમરશીભાઈ દેવશીભાઈ, બાબુભાઈ દાનાભાઈ અને દેવુબેન રવજીભાઈ નામના લોકોને ઈજાઓ થતા સારવારમાં લઇ જવાયા હતા.

ઝેરી દવા પી લેતા વૃદ્ધા સારવારમાં ખસેડાઇ

મોરબીના પંચાસર રોડ ઉપર આવેલ બોખાની વાડી તરીકે ઓળખાતા વિસ્તારમાં રહેતા પમુબેન કાળુભાઈ ગણેશભાઈ નકુમ નામના ૬૫ વર્ષની વૃદ્ધા કોઈ કારણોસર ઝેરી દવા પી જતા તેઓને સારવાર માટે અહીંની મંગલમ હોસ્પિટલે લાવવામાં આવ્યા હતા બનાવને પગલે હોસ્પિટલ સત્તાવાળાઓએ જાણ કરતા હવે મોરબી એ ડીવીઝન પોલીસે બનાવના કારણે અંગે આગળની તપાસ શરૂ કરી છે.

ભાણવડ : આંબરડી ગામે સોનાનો ચેન લૂંટી યુવાનની હત્યા નિપજાવી લાશ કુવામાં ફેકી દીધી

કુટુંબીક મહિલા સહિત ત્રણે કાવતરૂ ઘડીને ઘટનાને અંજામ આપ્યો : આરોપીઓની અટકાયત

ભાણવડ તાલુકાના આંબરડી ગામે રહેતા રાણાભાઈ ભીખાભાઈ સાદીયા નામના ૩૭ વર્ષના અનુસૂચિત જાતિના યુવાનનો લોહીલુહાણ હાલતમાં મૃતદેહ આંબરડી ગામના એક અવાવરૂ કૂવામાંથી ગઈકાલે મળી આવ્યો હતો.

આ બનાવની જાણ કરાતા કલ્યાણપુર પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો અને મૃતદેહને કૂવામાંથી બહાર કઢાવી પોસ્ટમોટર્મ માટે હોસ્પિટલમાં મોકલવામાં આવ્યો હતો. પ્રાથમિક દ્રષ્ટિએ આ બનાવ આત્મહત્યાનો હોવાની વાતો બાદ આ પ્રકરણ પરનો પડદો ઊંચકાયો હતો અને આ સમગ્ર બનાવ હત્યાનો હોવાનું જાહેર થયું છે.

નિર્મમ હત્યાના આ બનાવ અંગે મૃતક રાણાભાઈના ધર્મપત્ની જસુબેન રાણાભાઈ સાદીયા દ્વારા આ જ ગામના મહેશ મનસુખલાલ સાદીયા, તેના ભાઈ હિતેશ મનસુખલાલ સાદીયા, તથા સબરીબેન ચીમનભાઈ સાદીયા સામે પોતાના પતિની નિર્મમ હત્યા નીપજાવવા સબબ કલ્યાણપુર પોલીસમાં ધોરણસર ફરિયાદ નોંધાવી છે.

ફરિયાદી જસુબેન દ્વારા પોલીસમાં જાહેર થયેલી વિગત મુજબ આરોપી મનસુખભાઈ સાદીયાને પૈસાની જરૂર પડતા તેણે સબરીબેન સાથે મળી, કાવતરું રચી અને મૃતક રાણાભાઈ પોતાના ગળામાં કાયમી સોનાનો કિંમતી ચેન પહેરતા હોવાથી આ ચેન લઇ લેવા પોતાના ઘરે બોલાવ્યા હતા. જ્યાં મહેશે રાણાભાઈના માથા ઉપર પિત્તળનો કળશિયો ઝીંકી દીધી હતો. બાદમાં મૂર્છિત થઈ ગયેલા રાણાભાઈના ગળામાં દોરડા વડે ટૂંપો આપી તેમની ક્રૂર હત્યા નીપજાવી હતી.

આટલું જ નહીં, મહેશએ રાણા ભાઈના ગળામાં પહેરેલો રૂપિયા એક લાખ વીસ હજારની કિંમતનો ત્રણ તોલા સોનાનો ચેન લૂંટી લઈ અને તેમની લાશને તેના ભાઈ હિતેશ મનસુખભાઈની મદદ લઈને, હાથ-પગ બાંધી અને મોટરસાયકલ પર લઈ જઈ, પોતાના વાડી તરફ જવાના રસ્તે આવેલા એક અવાવરૂ કુવામાં નાખી દીધી હતી. આમ, પુરાવાનો નાશ કરવા લાશને આરોપીઓ દ્વારા સગેવગે કરી દેવામાં આવી હતી. પરંતુ સ્થાનિકોની શોધખોળમાં કૂવામાંથી લાશ મળી આવી હતી.

આ સમગ્ર બનાવ અંગે કલ્યાણપુર પોલીસે મૃતકની પત્ની જસુબેનની ફરિયાદ પરથી એક મહિલા તથા બે ભાઈઓ મળી, ત્રણેય શખ્સો સામે આઈ.પી.સી. કલમ ૩૦૨, ૩૯૪, ૨૦૧, ૧૧૪, ૧૨૦(બી) મુજબ ગુનો નોંધી આરોપીઓને ઝડપી લેવા માટેના ચક્રો ગતિમાન કર્યા છે. સ્થાનિક પોલીસની સઘન કાર્યવાહીમાં હત્યાના આરોપીઓ નજીકના ભવિષ્યમાં જ ઝડપાઈ જાય તેવી આશા પણ વ્યક્ત કરવામાં આવી રહી છે. યુવાનની ક્રૂર હત્યાના આ બનાવે નાના એવા આંબરડી ગામમાં ભારે ચકચાર સાથે અરેરાટી પ્રસરાવી છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here