ભાવનગર,તા.૧૫
જિલ્લા પોલીસે ઓપરેશન કરી રૂ. ૬૩,૩૦૦ ની ૫૦૦ તથા ૨૦૦ ના દરની ભારતીય ચલણી બનાવટી નોટો સાથે ભાવનગરના હલુરીયા ચોકમાંથી એક ઇસમને ઝડપી પાડયો હતો. ભાવનગર પોલીસને ચોક્કસ બાતમી મળી હતી કે, આરોપી સલમાન સલીમભાઇ પીરાણી રહેવાસી-જોગીવાડની ટાંકી, રૂવાપરી રોડ મેમણ જમાતખાના ભાવનગર વાળો હલુરીયા ચોક ખાતે ડુપ્લીકેટ નોટો વટાવવા આવ્યો છે.
જે બાતમી આધારે આરોપી સલમાનભાઇ સલીમભાઇ પીરાણી-મેમણ (ઉ.વ.૨૮, ધંધો-કમ્પાઉન્ડર રહેવાસી-જોગીવાડની ટાંકી, રૂવાપરી રોડ મેમણ જમાતખાનામાં ભાવનગર વાળા) ને ઝડપી પાડીને તેની પાસેથી રૂ. ૬૩,૩૦૦ની બનાવટી ચલણી નોટો કબજે કરી હતી. જેમા રૂપિયા ૫૦૦ ના દરની નોટ નંગ-૭૩ તથા રૂપિયા ૨૦૦ ના દરની નોટ નંગ-૧૩૪ છે. તેમજ આરોપી પાસેથી મોબાઇલ ફોન તથા રોકડ રૂપિયા સહિત ૫૬૦૦નો મુદ્દામાલ મળી આવ્યો હતો. પોલીસે આરોપી સામે વધુ કાર્યવાહી હાથ ધરીને આખા રેકેટના તાણા વાણાં ઉકેલવા માટે કવાયત શરૂ કરી હતી.