ભાવનગરના PI માસ્ક વિના નિકળતા અમરેલીમાં દંડાયા

0
17
Share
Share

ભાવનગર, તા. ૨૧

સમગ્ર ગુજરાતમાં કોરોનાના કેસ વધી રહ્યા છે, ત્યારે માસ્કના નિયમનું તંત્ર દ્વારા ઠેર-ઠેર કડકાઈથી પાલન કરાવવાનું શરુ કરાયું છે. જેના ભાગરુપે ગઈકાલે અમરેલી શહેરમાં એસડીએમ તેમજ મામલતદાર સહિતના અધિકારીઓની ટીમે ખાસ ડ્રાઈવ ચલાવી માસ્ક વિના ફરતા લોકોને દંડ ફટકાર્યો હતો. સોશિયલ ડિસ્ટન્સનું પાલન ના કરતા દુકાનદારો તેમજ માસ્ક વિના ફરતા રાહદારીઓ અને વાહનચાલકોને નિયમ અનુસાર એક હજાર રુપિયાનો દંડ કરવામાં આવી રહ્યો હતો ત્યારે ખાનગી કારમાં જઈ રહેલા એક પોલીસ ઈન્સ્પેક્ટર પણ તંત્રના હાથે ઝડપાયા હતા.

પ્રાપ્ત વિગતો અનુસાર, ભાવનગરના વિવિધ પોલીસ સ્ટેશનોમાં પીઆઈ તરીકે ફરજ બજાવી ચૂકેલા અધિકારી પોતાની ખાનગી કારમાં મહેમાનો સાથે જઈ રહ્યા હતા. જોકે, તેમણે માસ્ક પહેરેલું ના હોવાથી તેમને પણ અટકાવવામાં આવ્યા હતા, અને નિયમ અનુસાર એક હજાર રુપિયાનો દંડ ફટકારાયો હતો. પીઆઈએ પણ પોતાની ભૂલ સ્વીકારી દંડ ભરી દીધો હતો.

સૌરાષ્ટ્રમાં હાલ રાજકોટ સહિતના જિલ્લામાં કોરોનાના કેસ વધી રહ્યા છે. વળી, દિવાળીના તહેવારોમાં સૌરાષ્ટ્રમાં મોટી સંખ્યામાં બહારથી લોકો આવ્યા હોવાના કારણે કોરોના વધુ ના વકરે તે માટે તંત્ર દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. જેના ભાગરુપે જાહેર સ્થળો પર સોશિયલ ડિસ્ટન્સિંગ જળવાઈ રહે તેમજ લોકો માસ્ક વિના બહાર ના નીકળે તેની ખાસ તકેદારી રખાઈ રહી છે.

લોકોના વધુને વધુ ટેસ્ટિંગ થઈ શકે તે માટે ઠેર-ઠેર સેન્ટર્સ પણ ઉભા કરાયા છે, અને જિલ્લાઓમાં બહારથી પ્રવેશી રહેલા લોકોના પણ ટેસ્ટિંગ કરવામાં આવી રહ્યા છે. કોરોના જો વકરે તો વધુ દર્દીઓને સારવાર આપી શકાય તે માટેની સવલતો પણ ઉભી કરવામાં આવી રહી છે. વધતા કેસોને ધ્યાનમાં રાખી રાજકોટમાં રાત્રી કર્ફ્‌યુ પણ લાદી દેવામાં આવ્યો છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here