મુંબઇ,તા.૨૯
૨૦૧૨માં ભારત સામેની ટૅસ્ટમાં ઐતિહાસિક વિજય મેળવનાર ઈંગ્લૅન્ડની ટીમના ચાવીરૂપ ખેલાડીઓમાં જેનો સમાવેશ થતો હતો તે ભૂતપૂર્વ કોચ ઍન્ડી ફ્લાવરનું માનવું છે કે ભારત સામે જિતવા ઈંગ્લૅન્ડની ટીમમાં પૂરતા સક્ષમ ખેલાડીઓ છે.
વર્ષ ૨૦૧૨માં ઈંગ્લૅન્ડની ટીમે ભારત સામે ૨-૧થી મેળવેલા ઐતિહાસિક શ્રેણીવિજયમાં સ્પીનર ગ્રીમ સ્વાન અને મૉન્ટી પાનેસરની સાથેસાથે કૅવિન પીટરસને પણ નિર્ણાયક ભૂમિકા ભજવી હતી. છેલ્લા દાયકા દરમિયાન કોઈ વિદેશી ટીમે ભારતની ધરતી પર મેળવેલો આ એકમાત્ર શ્રેણીવિજય હતો.
ઝિમ્બાબ્વેની ટીમના ભૂતપૂર્વ કૅપ્ટન અને તાજેતરના ઈતિહાસમાં ઈંગ્લૅન્ડની ટીમના સૌથી સફળ કોચમાંના એક ઍન્ડી ફ્લાવરનું માનવું છે કે તાજેતરમાં જ પૂરી થયેલી ઑસ્ટ્રેલિયા સામેની શ્રેણીમાં ભારતની ટીમે કરેલા અસાધારણ દેખાવ બાદ પણ પ્રવાસી ઈંગ્લૅન્ડની ટીમને ઓછી આંકી શકાય એમ નથી.
ભારતે આ વરસે ટી-૨૦ શ્રેણી તેમ જ મૅલબર્ન અને બ્રિસ્બેન ખાતે રમાયેલી ટૅસ્ટમાં પણ વિજય મેળવ્યો હતો. થોડા વર્ષ અગાઉ પણ ઑસ્ટ્રેલિયામાં ટૅસ્ટશ્રેણીમાં ભારતે વિજય મેળવ્યો હતો. ઈંગ્લૅન્ડની ટીમ માટે પણ વિજયી પ્રદર્શન કરવાની મોટી તક છે, એમ ફ્લાવરે કહ્યું હતું.
ક્રિકેટનું સ્વરૂપ બદલાયું છે અને આક્રમક દેખાવને કારણે બૉલરો અને બૅટ્સમેનો બંને વધુ સશક્ત બન્યા છે, એમ તેમણે કહ્યું હતું.