ભારત-ચીન સરહદે છેલ્લા છ મહિનામાં કોઇ ઘૂસણખોરી થઇ નથી

0
13
Share
Share

૬ મહિનામાં પાકિસ્તાન સરહદથી ૪૭ ઘુસણખોરીના પ્રયાસ થયા, સીઝફાયર ઉલ્લંઘનના કારણે ૧૩ મહિનામાં સુરક્ષાદળોના ૨૫ જવાનો શહિદ થયા

ન્યુ દિલ્હી,તા.૧૬

કોરોના વચ્ચે સંસદના પહેલા સત્રનો આજે ત્રીજો દિવસ છે. લદ્દાખમાં ચીનની ઘુસણખોરીના પ્રયાસોના સમાચાર ગત મહિનાઓથી આવી રહ્યા છે, પરંતુ સરકારે બુધવારે સંસદમાં કહ્યું કે, ભારત-ચીન સરહદ પર છેલ્લા ૬ મહિનામાં કોઈ ઘુસણખોરી કરી નથી. ગૃહ રાજ્યમંત્રી નિત્યાનંદ રાયે રાજ્યસભામાં એક સવાલના લેખિત જવાબમાં આ માહિતી આપી હતી.સાથે જ કહ્યું કે, આ દરમિયાન પાકિસ્તાન સરહદ પરથી ૪૭ વખત ઘુસણખોરી કરવામાં આવી હતી. માર્ચમાં ૪ વખત, એપ્રિલમાં ૨૪ વખત, મે મહિનામાં ૮ વખત અને જુલાઈમાં ૧૧ વખત આવું થયું હતું. સાંસદ અનિલ અગ્રવાલે ઘુસણખોરીના મુદ્દે સવાલ કર્યો હતો.

ગૃહ રાજ્યમંત્રીએ વધુ એક સવાલના જવાબમાં જણાવ્યું કે, જમ્મુ-કાશ્મીરમાં ૫ ઓગસ્ટ ૨૦૧૯થી ૧૦ સપ્ટેમ્બર ૨૦૨૦ સુધી આતંકી ઘટનાઓમાં સુરક્ષાદળોના ૪૯ જવાન અને ૪૫ સામાન્ય નાગરિક માર્યા ગયા હતા.આ દરમિયાન સીઝફાયરના ઉલ્લંઘનમાં ૨૫ જવાન અને ૨૬ નાગરિકોના મોત થયા હતા.

ગૃહ રાજ્ય મંત્રીના જણાવ્યા પ્રમાણે, પાકિસ્તાન અને બાંગ્લાદેશના અલ્પસંખ્યક હિન્દુ, શીખ, બૌદ્ધ, જૈન, પારસી અને ક્રિશ્ચિયન સમુદાયના લોકો મોટી સંખ્યામાં ભારતમાં આવ્યા છે. તે અહીંયા લોન્ગ ટર્મ વિઝા પર રહે છે. સરકાર તેમની સુવિધાઓનું ધ્યાન રાખી રહી છે.

આ દરમિયાન રાજ્સભામાં કોરોના અંગે ચર્ચાઓ ચાલી રહી છે. કોંગ્રેસના સાંસદ આનંદ શર્માએ કહ્યું કે,ગઈકાલે સ્વાસ્થ્ય મંત્રીએ કહ્યું કે, લોકડાઉનના નિર્ણયે લગભગ ૧૪ થી ૨૯ લાખ કેસ અને ૩૭,૦૦૦-૭૮,૦૦૦ મોતને અટકાવ્યા છે.આનંદ શર્માએ કહ્યું કે, ગૃહને સૂચિત કરવું જોઈએ કે એ વૈજ્ઞાનિક આધાર કયો છે જેના આધારે આપણે આ નિષ્કર્ષ પર પહોંચ્યા છીએ.તેમણે વધુમાં કહ્યું કે, અચાનક ૪ કલાકની નોટિસ પર લોકડાઉન લગાડવામાં આવ્યું આનાથી લોકોને તકલીફ પડી. ભારતની જે તસવીર દુનિયા સામે ગઈ તેને આપણે નકારી ન શકીએ.

આ પહેલાં મંગળવારે રાજનાથે લોકસભામાં પણ આ મુદ્દે પોતાની વાત રજૂ કરી હતી. તો આ તરફ પ્રવાસીઓના મુદ્દે સરકારે કહ્યું હતું કે લોકડાઉનમાં ફેક ન્યૂઝને કારણે મજૂરોએ નાસભાગ કરી હતી.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here