મુંબઇ,તા.૧૧
ભારતીય ક્રિકેટ ટીમે ઋષભ પંત, ચેતેશ્વર પુજારા, હનુમા વિહારી અને આર. અશ્વિનના દમ પર સિડની ટેસ્ટ મેચને ડ્રૉ કરી છે. ઑસ્ટ્રેલિયાએ આ ટેસ્ટ જીતવા માટે અનેક ઉપાયો કર્યો, પરંતુ ટીમ ઇન્ડિયાના ખેલાડીઓએ યજમાન ટીમને પોતાના પ્રદર્શનથી જડબાતોડ જવાબ આપ્યો. ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન સુનીલ ગાવસ્કરે ભારતીય ટીમની પ્રશંસા કરતા કહ્યું કે, “આપણે વર્લ્ડ ક્રિકેટને એ મેસેજ આપ્યો છે કે અમે કોઈ પણ પરિસ્થિતિમાં ઝુકીશું નહીં.”
તેમણે આગળ કહ્યું કે, “ટીમ ઇન્ડિયાએ જે રીતે સિડની ટેસ્ટને ડ્રૉ કરાવી તેનાથી એ સ્પષ્ટ છે કે તે કોઈ પણ પરિસ્થિતિમાંથી બહાર નીકળી શકે છે. પાંચમાં નંબરે ઋષભ પંતે તો કમાલ કરી દીધી. પંતે શરૂઆતમાં ૩૪ બૉલમાં ૫ રન બનાવ્યા અને ત્યારબાદ તેણે જે રીતે બેટિંગ કરી તે પ્રશંસનીય છે. તેણે મેચનું આખું પાસું પલટી દીધું. પંતે પગનો ઉપયોગ કરીને જે રીતે આગળ વધીને છગ્ગા લગાવ્યા તેનાથી સ્પષ્ટ છે કે તેણે ક્રિકેટિંગ વિચારનો ઉપયોગ કર્યો.”
ગાવસ્કરે કહ્યું કે, “દરેક ક્રિકેટરને એ વાત સારી રીતે ખબર છે કે જો ઇતિહાસમાં જગ્યા બનાવવી છે તો તેણે ટેસ્ટ ક્રિકેટમાં સારું પ્રદર્શન કરવું પડશે.” પંતે સિડની ટેસ્ટની બીજી ઇનિંગમાં ૧૧૮ બૉલ પર ૯૭ બનાવ્યા, જેમાં ૧૨ ચોગ્ગા અને ૩ છગ્ગા સામેલ છે. પહેલી ઇનિંગમાં અડધી સદી ફટકારનારા ચેતેશ્વર પુજારાએ બીજી ઇનિંગમાં ૭૭ રન બનાવ્યા. આ દરમિયાન તેણે ૨૦૫ બૉલ પર ૧૨ ચોગ્ગા લગાવ્યા. પુજારા વિશે ગાવસ્કરે કહ્યું કે, આ બેટ્સમેને પોતાના પ્રદર્શનથી આલોચકોને જવાબ આપ્યો છે.