ભારત-ઇંગ્લેન્ડ ટેસ્ટ સિરીઝ માટે એમ્પાયરોની જાહેરાતઃ બે એમ્પાયર કરશે ડેબ્યૂ

0
31
Share
Share

મુંબઇ,તા.૨૯

ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેની ટેસ્ટ સીરીઝ માટે આઇસીસીએ એમ્પ્યારોની જાહેરાત કરી દીધી છે. આઇસીસીની એલિટ પેનલ એમ્પાયર નિતિન મેનન બન્ને ટેસ્ટ મેચોમાં મેદાની એમ્પાયર હશે. આ ઉપરાંત બે અન્ય એમ્પાયર અનિલ ચૌધરી અને વિરેન્દ્ર શર્માને પણ ટેસ્ટ મેચો માટે એમ્પાયરિંગ ડેબ્યૂનો મોકો મળશે. આ જાહેરાત પરથી માની શકાય કે ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેની ઘરઆંગણાની ટેસ્ટ સીરીઝમાં તટસ્થ એમ્પાયરો નહીં હોય.

ક્રિકબઝના એક રિપોર્ટ પ્રમાણે, નિતિન મેનન ઉપરાંત અનિલ ચૌધરી અને વિરેન્દ્ર શર્માને હવે ટેસ્ટ મેચોમાં ડેબ્યૂ કરવાનો મોકો મળશે. બન્ને એમ્પાયરોને શરૂઆતી બે ટેસ્ટ મેચો માટે નિયુક્ત કરવામાં આવ્યા છે. કોરોના વાયરસના કારણે ઘરેલુ એમ્પાયરોની નિયુક્તના કારણે આવુ કરવામાં આવ્યુ છે. નિતિન મેનનની સાથે અનિલ ચૌધરી પહેલી ટેસ્ટ મેચમાં એમ્પાયર હશે. વળી બીજી ટેસ્ટ મેચ માટે વિરેન્દ્ર શર્મા આ જવાબદારી સંભાળશે.

સી શમશુદ્દીન પહેલી ટેસ્ટમાં થર્ડ એમ્પાયર હશે. હૈદરાબાદના ૫૦ વર્ષીય એમ્પાયરે હજુ સુધી એક ટેસ્ટમાં પણ કામ નથી કર્યુ. ઓફિશિયલ રેકોર્ડ માટે ટેલિવિઝન ડ્યૂટીને નથી ગણવામાં આવતી. એટલા માટે તેમના ચેન્નાઇ એસાઇનમેન્ટને ટેસ્ટ ડેબ્યૂ તરીકે નહીં ગણવામાં આવે. અનિલ ચૌધરી બીજી ટેસ્ટ માટે ત્રીજા એમ્પાયર હશે.

જવાગલ શ્રીનાથ બન્ને મેચો માટે મેચ રેફરી છે, જે ૫ થી ૯ ફેબ્રુઆરી સુધી અને ૧૩ થી ૧૭ ફેબ્રુઆરી સુધી ચાલશે. અમદાવાદમાં ત્રીજી અને ચોથી ટેસ્ટ માટે અધિકારી (૨૪-૨૮ ફેબ્રુઆરી અને ૪-૮ ફેબ્રુઆરી) ની જાહેરાત પછીથી કરાશે. આઇસીસી એ પણ કહ્યું છે કે ટેસ્ટ સીરીઝ બાદ વ્હાઇટ બૉલ સીરીઝ માટે પણ એમ્પાયરો વિશે જાહેરાત પછીથી કરવામાં આવશે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here