ભારતમાં પ્રથમ વેક્સિન આપવા ૩૦ કરોડ લોકોની ઓળખ કરાઈ

0
15
Share
Share

ભારતમાં ત્રણ રસીનું પરિક્ષણ ચાલુ છે જેમાં ઓક્સફોર્ડની વેક્સિન પરિક્ષણના સૌથી એડવાન્સ તબક્કામાં છે : હાઈરિસ્ક કેટેગરીના લોકોને વેક્સિન અપાશે

નવી દિલ્હી,તા.૧૭

દુનિયાભરમાં કોરોનાની ઘણી રસીનું પરિક્ષણ છેલ્લા તબક્કામાં આવી પહોંચ્યું છે, ત્યારે ભારત સરકારે પણ રસી કોને પહેલા આપવી તે અંગેનું આયોજન શરુ કરી દીધું છે. પ્રાપ્ત વિગતો અનુસાર, સરકારે એવા ૩૦ કરોડ લોકોની ઓળખ કરી છે કે જેમને રસી આપવામાં પ્રાથમિકતા અપાશે. તેમાં હાઈ રિસ્ક કેટેગરીમાં આવતા સામાન્ય નાગરિકો ઉપરાંત, હેલ્થકેર વર્કર્સ, પોલીસકર્મીઓ, સેનિટેશન વર્કર તેમજ કો-મોર્બિડિટી ધરાવતા સિનિયર સિટીઝન્સનો સમાવેશ થાય છે. આ લોકો માટે ૬૦ કરોડ ડોઝ ફાળવાશે.

વેક્સિનના ઉપયોગને જેવી મંજૂરી મળી જાય કે પહેલા તબક્કામાં તેના શોટ્‌સ અપાશે અને તેમાં બૂસ્ટર ડોઝનો પણ સમાવેશ થાય છે. આ લિસ્ટ ચાર કેટેગરીઓમાં વહેંચાયેલું છે. જેમાં ૫૦-૭૦ લાખ હેલ્થકેર પ્રોફેશનલ્સ, બે કરોડ ફ્રંટલાઈન વર્કર્સ, ૫૦ વર્ષથી વધુ વય ધરાવતા ૨૬ કરોડ લોકો તેમજ ૫૦ વર્ષથી ઓછી વય હોય પરંતુ કો-મોર્બિડિટી ધરાવતા હોય તેવા લોકોનો સમાવેશ થાય છે.

ભારતમાં હાલ ત્રણ રસીઓનું હ્યુમન ટ્રાયલ ચાલી રહ્યું છે. જેમાં ઓક્સફોર્ડ-એસ્ટ્રાઝેનેકા સૌથી એડવાન્સ એવા ત્રીજા તબક્કામાં પહોંચી ગઈ છે. દેશમાં પુણે સ્થિત સીરમ ઈન્સ્ટિટ્યૂટ દ્વારા તેનું પરિક્ષણ થઈ રહ્યું છે. સરકારે હાલમાં જ કહ્યું હતું કે, ફેઝ-૩નો ડેટા નવેમ્બરના અંત કે ડિસેમ્બરની શરુઆત સુધીમાં આવી જશે.

રાજ્ય સરકારો તેમજ કેન્દ્ર સરકારની એજન્સીઓ દ્વારા અપાયેલા ઈનપુટ્‌સને આધારે વેક્સિન એડમિનિસ્ટ્રેશનનું નેશનલ એક્સપર્ટ ગ્રુપ તેની અમલવારીનું આયોજન કરી રહ્યું છે. આ ગ્રુપની આગેવાની નીતિ આયોગના મેમ્બર ડૉ. વીકે પૉલ અને હેલ્થ સેક્રેટરી રાજેશ ભૂષણ કરી રહ્યા છે. સરકાર પહેલા તબક્કામાં ૨૩ ટકા વસ્તીને રસી આપી દેવા માગે છે.

પબ્લિક હેલ્થ એક્સપર્ટ્‌સ સરકારે આ પગલું યોગ્ય સમયે લીધું હોવાનો મત વ્યક્ત કરી રહ્યા છે. સાથે તેમનું એવું પણ કહેવું છે કે આ પ્લાનને વધુ સારો અને પારદર્શક બનાવી શકાય તે માટે તેની વિગતો જાહેર થવી જોઈએ. આ દરખાસ્તમાં વેક્સિનના સ્ટોકની માહિતી ટ્રેક કરવા, તેનો સંગ્રહ કરવા જરુરી તાપમાન ધરાવતા સ્ટોરેજની વ્યવસ્થા કરવા ઉપરાંત, હેલ્થ સેન્ટર્સને જીયોટેગ કરી તેની દેશભરમાં ડિલિવરી કરવા માટેનું ડેશબોર્ડ બનાવવાના મુદ્દા પણ સામેલ છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here