ભારતમાં પ્રથમવાર ટીપુ સુલતાનનાં યુધ્ધમાં રોકેટો વપરાયાં હતાં

0
200
Share
Share

રશિયાનાં વ્હાલાદીમીર પુતિને જાહેર કર્યું છે કે ઉત્તર ધુ્રવથી લઇને દક્ષીણ ધુ્રવ સુધી પહોંચી શકે તેવાં મારક મિસાઇલનું રશિયાએ સફળ પરીક્ષણ કર્યું છે.  સરમાત મિસાઇલ નામનું મિસાઇલ, પૃથ્વી પર રહેલાં કોઈપણ મિસાઇલ કરતાં સૌથી વધારે ન્યુક્લીઅર વેપન્સ, પરમાણુ શસ્ત્રો લઇ જઇ શકે છે. મિસાઇલ ક્ષેત્રે રશિયા હંમેશા અગ્રેસર રહ્યું છે. આવા સમયે એક સમાચાર ભારતમાંથી આંતરરાષ્ટ્રીય મીડીયામાં ચમક્યાં છે. આ એક યોગાનુયોગ છે કે એકબાજુ વિશ્વનું સૌથી શક્તિશાળી મિસાઇલ રશીયાએ ટેસ્ટ ફાયર કર્યું છે. ત્યારે, ભારતમાં અને વિશ્વમાં પણ યુધ્ધમાં વપરાયેલ પ્રથમવાર વપરાયેલાં રોકેટ ભારતનાં આર્કીઓલોજીસ્ટે શોધી કાઢ્યા છે.યાદ રહે કે રોકેટની લશ્કરી આવૃત્તિ એટલે મિસાઇલ આમ તો રોકેટનો ઉપયોગ સદીઓથી થતો આવ્યો છે, પરંતુ યુધ્ધમાં એક પ્રકારનાં અસ્ત્ર તરીકે રોકેટનો ઉપયોગ, મૈસુરનાં રાજવી ટીપુ સુલ્તાને કર્યો હતો. ટીપુ સુલ્તાનનાં સમયકાળનાં પ્રાચીન રોકેટ, પુરાતત્ત્વ વિજ્ઞાનીઓએ ખોદી કાઢ્યાં છે. જેની સંખ્યા એક-બે નહીં પરંતુ, એક હજાર કરતાં પણ વધારે છે. ટીપુ સુલ્તાનનાં રોકેટનું રિવર્સ એન્જીનીયરીંગ કરીને બ્રિટને કોન્ગ્રેવ રોકેટ વિકસાવ્યા હતા.’ઘેંટા માફક બસો વર્ષ જીવવા કરતાં, વાઘ માફક માત્ર બે દીવસ જીવવાનું હું વધારે પસંદ કરીશ’ આ શબ્દો છે ભારતનાં ’મૈસુર ટાઈગર’ તરીકે ઓળખાતા ’ટીપુ સુલતાન’નાં. બ્રિટીશ સલ્તનતને યુધ્ધનો કડવો સ્વાદ ટીપુ સુલતાને ચખાડયો હતો. ચોથા મૈસુર યુધ્ધમાં ટીપુ સુલતાન શ્રીરંગ પટનાનો કિલ્લો બચાવવા જતાં યુધ્ધમાં શહીદ થયા હતાં. ટીપુ સુલ્તાનનાં યુધ્ધની વાતો, એલેકઝાંન્ડર બીરસનનાં પુસ્તક ’અ વ્યુ ઓફ ધ ઓરીજીન એન્ડ કન્ડક્ટ ઓફ ધ વોટ વીથ ટીપુ સુલ્તાન’માં આલેખાયેલી છે. જો કે અહીં ઇતિહાસની પૂર્વ ભૂમિકા બાંધી વિજ્ઞાનની વાત કરવાની છે. મિસાઇલનાં પુર્વજો ગણાય તેવાં રોકેટની ભેટ ટીપુ સુલ્તાને વિશ્વને આપી હતી. પહેલાં રોકેટ માત્ર મનોરંજન માટે વપરાતાં અને તેની રચનામાં કાગળ, વાંસ અને કાર્ડ બોર્ડ વપરાતાં હતાં. લોખંડનાં નળાકારમાં દારૂગોળો ભરીને યુધ્ધનાં અસ્ત્ર તરીકે ’રોકેટ’નો ઉપયોગ સચોટતાપૂર્વક ટીપુ સુલ્તાને કર્યો હતો.આજથી બસો વર્ષ પહેલાં, મૈસુરનાં રાજવી હૈદરઅલીએ દારૂગોળો ભરેલાં ધાતુનાં રોકેટનાં પ્રોટોટાઈપ મોડેલ તૈયાર કર્યા હતો. હૈદરઅલીની ડિઝાઈનને તેનાં પુત્ર ટીપુ સુલ્તાને ફાઈન ટયુન કરીને બ્રિટીશ આર્મી સામે વાપર્યા હતાં. અહીં બ્રીટીશ આર્મી માત્ર યુધ્ધનાં પક્ષકાર માટે વપરાયો છે. ખરા અર્થમાં સૈન્યમાં લડનારાં તો ભારતીય હતાં. તેમનાં આગેવાન બ્રિટીશ હતાં. આ ઉપરાંત ટીપુ સુલ્તાનને હટાવવા માટે હૈદરાબાદનાં નિઝામે, બ્રિટીશ લશ્કરને પુરૂ પીઠબળ આપ્યું હતું. મુળ વાત ટીપુ સુલ્તાને તૈયાર કરેલાં રોકેટ બે કી.મી. દુર સુધી શત્રુ પર હુમલો કરી શકે તેવાં હતાં. આજનાં મોર્ડન રોકેટ અને મિસાઇલનાં પુર્વજો પેદા કરવાનો શ્રેય ટીપુ સુલ્તાનને આપી શકાય.૧૭૯૯માં બોર્ડ વેલેસ્લી ટીપુ સુલ્તનનાં લશ્કરની તાકાતનો અંદાજ મેળવવા શ્રીરંગપટના તરફ નિકળ્યો હતો. આ દરમ્યાન ટીપુ સુલ્તાનનાં સૈનિકોએ તેનાં ઉપર હુમલો કર્યો હતો. રોકેટ જેવો અસ્ત્રોનાં ઉપયોગથી અજાણ લોર્ડ વેલેસ્લી ગભરાઈ ગયો અને મેદાન છોડીને ભાગી ગયો હતો. પોતાની જાતથી શરમીંદા લોર્ડ વેલેસ્લીએ ત્યાર પછી કસમ ખાધી હતી કે ’યુધ્ધ ભુમી પર ડરીને તે ભાગી જશે નહીં.’ એ સમયે લોર્ડ વેલેસ્લી ને લોખંડી મનોબળવાળો શાસક માનવામાં આવતો હતો. આ લોખંડી કરોડરજ્જુવાળા વેલેસ્લીની કરોડરજ્જુમાં ભય/ડરની ઝણઝણાટી ટીપુ સુલતાને ફેલાવી હતી. કારણ હતું. ટીપુ સુલ્તાનનાં લોખંડનાં બનેલાં યુધ્ધક ’રોકેટો’.તાજેતરમાં કર્ણાટકનાં શીમોગા જીલ્લાનાં એક ખુલ્લા કુવામાં ખોદકામ કરતાં ટીપુ સુલતાન દ્વારાં યુધ્ધમાં વાપરવામાં આવતાં રોકેટ મળી આવ્યાં છે. પુરાતત્ત્વ વિભાગનાં જણાવ્યા પ્રમાણે ત્રણ દીવસ, ૧૫ સભ્યોની ટીમે ખોદકામ કરીને ૧૨-૧૪ ઇંચ લંબાઈનાં રોકેટ ખોદી કાઢ્યાં છે. આ પ્રાચીન અવશેષોને શિમોગા મ્યુઝીયમમાં લોકોનાં દર્શનાર્થે મુકવામાં આવ્યાં છે.પુરાતત્ત્વવિદ્દનાં મત પ્રમાણે ધાતુના બનેલા રોકેટનો યુધ્ધમાં ઉપયોગ ટીપુ સુલ્તાને વિશ્વમાં પ્રથમવાર કર્યો હતો. આધુનિક રોકેટનાં પુર્વજો આજથી બસો વર્ષ પહેલાં અંગ્રેજો સામે વાપરવામાં આવ્યા હતાં. આર. રાજેશ્વર નાયકાનાં જણાવ્યા પ્રમાણે, ખોદકામનું સ્થળ બેંગ્લોરથી ૩૮૫ કી.મી. દુર આવેલું છે. ખુલ્લો કુવાનો કાદવ ખોદતી વખતે, ગનપાવડર જેવી ગંધ આવતાં વધારે ખોદકામ કર્યું હતું. જેમાં રોકેટ અને શેલ મળી આવ્યા હતાં. શિમોગાનો કિલ્લો એ સમયે ટીપુસુલ્તાનની સલ્તનતનો એક ભાગ હતો. ટીપુ સુલ્તાને એ સમયે ઇસ્ટ ઇન્ડીયા કંપની સામે યુધ્ધ આદર્યું હતું.મૈસુરમાં લુહારીકામ માટે ઉત્કૃષ્ટ કક્ષાનું લોહ-આર્યન મળતું હતું. જેનો લાભ ટીપુ સુલતાનને મળ્યો હતો. રોકેટ સંશોધન માટે ટીપુ સુલતાને ચાર ’તારામંડલપેર’ની સ્થાપના કરી હતી. જેમાં શ્રીરંગપટન, બેંગ્લોર, મિત્રદુર્ગને બિદાનુરનો સમાવેશ થતો હતો. અહીં લુહારીકામ કરનારાં કારીગરોને ’રોકેટમેન’ તરીકે ફેરવી નાખવામાં આવ્યા હતાં. જેને જોઉર્ક કહેવામાં આવતાં હતાં. તેઓ લોહ ઢાળવાનું, અને રોકેટ બનાવવામાં ચોકસાઈ રાખતાં. રોકેટ પ્રક્ષેપણ માટેનાં વિજ્ઞાનનાં પાયાનો ગણતરી તેમને શીખવવામાં આવતી હતી. રોકેટને વ્યાસ, લંબાઈ, રોકેટ છોડવાનો ખૂણો વગેરે ધ્યાનમાં રાખી ’ટાર્ગેટ’ સુધી પહોંચવાની ગણતરી કરવામાં આવતી હતી. એક કરતાં વધારે રોકેટ છોડવા માટે પૈડાવાળી ગાડીઓનો ઉપયોગ થતો હતો. રોકેટ છોડવા માટેની લશ્કરની ખાસ ટુકડી ’કુશુન’ નામે ઓળખાતી હતી. પૈડાવાળી ગાડીમાંથી એક સાથે ડઝન જેટલાં રોકેટ છોડી શકાતા હતાં.’વિગ્સ ઓફ ફાયર’ નામની આત્મકથામાં ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ અને ભારતનાં મિસાઇલ મેન શ્રીરંગપટનાનું ઐતિહાસીક મહત્ત્વ દર્શાવે છે. અહીં ટીપુ સુલતાનની રોકેટ લેબોરેટરી આવેલી હતી. જેને મ્યુઝીયમ તરીકે વિકસાવવા અબ્દુલ કલામે પુસ્તકમાં ઉલ્લેખ કર્યો હતો. જે મુજબ વૈજ્ઞાનિક શીવાન્થનું પિલ્લાઇએ ’રોકેટ કોર્ટ’ની મુલાકાત લીધી હતી. આ શીવાન્થનું પિલ્લાઇએ આગળ જતાં બ્રહ્મોસ મિસાઇલ વિકસાવવા આગેવાની કરી હતી. જો કે રોકેટ મ્યુઝીયમ વિકસાવવા માટે હજી કામ શરૂ કરવાનું બાકી છે.૧૭૯૯માં મૈસુરનાં ચોથા યુધ્ધમાં ટીપુ સુલતાન શહીદ થઇ ગયા, અને મૈસુર રાજ્ય ઇસ્ટ ઇન્ડીયા કંપનીનાં હાથમાં આવ્યું હતું. વિજય બાદ બ્રીટીશ લસ્કરે, ટીપુ સુલ્તાનનાં ૬૦૦ રોકેટ લોંચર, ૭૦૦ જેટલાં વાપરી શકાય તેવાં રોકેટ અને ૯૦૦૦ જેટલાં ખાલી રોકેટ ટીપુ સુલ્તાનનાં કીલ્લામાંથી કબજે કર્યા હતાં. જેને તાબડતોબ બ્રિટન મોકલવામાં આવ્યા હતાં.૧૮૦૧માં બ્રિટને પોતાનો રોકેટ પ્રોગ્રામ શરૂ કર્યો હતો. જેનાં સુત્રધાર સર વિલીયમ કોન્ગ્રેવ હતો. તેઓ સસંદ સભ્ય અને વૈજ્ઞાનિક હતો. જેમનું મુખ્ય સંશોધન રોકેટવિદ્યા તરફ હતું. તેમણે તૈયાર કરેલા રોકેટ ત્યારબાદ બ્રિટને, ૧૮૧૨નાં યુધ્ધ, પ્રથમ એગ્લો-બર્મીઝ યુધ્ધ અને નેપોલીઓનીક યુધ્ધ સમયે ફ્રાન્સનાં નેપોલીયન સામે પણ વાપરવામાં આવ્યા હતાં. એક બાજુ ટીપુ સુલતાનનું અવસાન થયું હતું તો, બીજી બાજુ નેપોલીયન બોનપાટ પાસે ફ્રાન્સની સત્તા આવી હતી.વિલીયમ કોન્ગ્રેવે લંડન માર્કેટમાંથી ટીપુ સુલ્તાનનાં રોકેટ ખરીદી તે પ્રયોગો શરૂ કર્યા ત્યારે તે રોકેટની પ્રહાર મર્યાદા માત્ર ૬૦૦ વાર જેટલી હતી. જેની ક્ષમતા તેમણે ૧૫૦૦ વાર જેટલી કરી હતી. એક વાર એટલે ત્રણ ફુટ લગભગ ૦.૯૦ મીટર ૧૬ કીલો વજનનાં રોકેટને તેઓ ૩ હજાર વાર દુર મોકલી શક્તા હતાં. રોકેટ સંબંધી બે પેટન્ટ માટે તેમણે નોંધણી કરાવી અને રોકેટ સાયન્સ ઉપર ત્રણ પુસ્તક વિલીયમ કોનગ્રેવે પ્રકાશીત કરાવ્યા હતાં. કોન્ગ્રેવને પ્રિન્સ રીજન્ટ સાથે મિત્રતા હતી. જેઓ હેનોવેરીઅન આર્મીમાં લેફ્ટનન્ટ કર્નલની માનદ્‌ હોદ્દા પર હતો. તેમણે કોન્ગ્રેવને ’રોકેટ-કમાન્ડ’ નામની લશ્કરી ટુકડીનું નેતૃત્વ કરવાની ઓફર કરી, જેને કોન્ગ્રેવે ઠુકરાવી દીધી હતી.વિલીયમ કોન્ગ્રેવે હલકા, મધ્ય અને ભારે એમ ત્રણ પ્રકારનાં રોકેટ વિકસાવ્યા જેનું વજન ત્રણ પાઉન્ડથી ૩૦૦ પાઉન્ડ જેટલું હતું. લંડનમાં દક્ષીણ પુર્વ દીશામાં ફાયર પાવર ધ રોયલ આર્ટીલરી મ્યુઝીયમ આવેલું છે. જેમાં વિલીયમ કોન્ગ્રેવનાં રોકેટનાં નમુના મુકવામાં આવ્યા છે. અહીંનાં સાયન્સ મ્યુઝીયમમાં ટીપુ સુલ્તાનનાં બે રોકેટ મુકવામાં આવ્યા છે. બીજા વિશ્વયુધ્ધ બાદ યુધ્ધ રોકેટનું સ્વરૂપ બદલાઈને વિશાળકાય મિસાઇલમાં ફેરવાઈ ગયું હતું. ટુંકમાં ટીપુ સુલતાનનાં મીની મિસાઇલ જેવાં રોકેટ, ભારતથી યુરોપ સુધી પહોંચ્યા હતાં. આખરે કોલ્ડ વોર સમયે અમેરીકા-રશીયા વચ્ચે શક્તિશાળી મિસાઇલ વિકસાવવાની શરૂઆત થઇ હતી. આજે ઉ.કોરીયા પોતાનાં મિસાઇલ પ્રોગ્રામ વડે અમેરીકાને ડરાવવાની કોશીશ કરી રહ્યું છે. રશિયાએ હાલમાં વિશ્વનાં સૌથી શક્તિશાળી મિસાઇલનું પરીક્ષણ કર્યું છે.જુલાઈ મહિનાનાં અંતભાગમાં રશીયાનાં પ્રમુખ વ્લાદીમીર પુતીને દાવો કર્યો હતો કે ’તેમણે પૃથ્વી ગ્રહ પર ગમે ત્યાં ત્રાટકી શકે તેવાં સુપર વેપન્સનું ટેસ્ટીંગ કર્યું છે. આ દાવો રશિયાનાં સુપર મિસાઇલ સરમાત વિશે કરવામાં આવ્યો હતો. સંરક્ષણ મંત્રાલયનાં એક અધીકારીએ મિસાઇલ લોંચીગનો વિડિયો પણ મીડીયામાં મુક્યો હતો.કેટલાંક મિડીયાએ જણાવ્યું કે રશીયાનો દાવો ખોટો છે. તેણે રજુ કરેલ વિડિયો ફેક વિડીયો છે. જુનું લોંચીગ દર્શાવે છે. કેટલાંક સંરક્ષણ નિષ્ણતોએ કહ્યું કે ’રશિયાએ પોતાનાં ન્યુક્લીઅર આર્સેનલ અને મિસાઇલ તાકાતને ખોટી રીતે વધારે બતાવી વિશ્વને ડરાવી રહ્યું છે. દાવાઓને બાજુમાં રાખીએ તો પણ, રશીયાએ સુપર મિસાઇલ જેવું  સરમાત વિકસાવ્યું છે. એ વાત નિર્વિવાદ હકીકત છે. આ મિસાઇલથી ન્યુક્લીઅર વેપન્સ વાપરીને ફ્રાન્સ દેશ જેટલો વિસ્તાર અમેરિકાનાં ટેક્સાસ રાજ્ય જેટલો વિસ્તાર પૃથ્વી પરથી નષ્ટ કરી શકાય તેમ છે. સરમાત મિસાઇલમાં ૨૪ જેટલાં નવાં અવાનગાર્ડ હાઈપર સોનિક ગ્લાઇડર ગોઠવેલાં છે જે દરેક એક ન્યુક્લીઅર બોમ્બ વહન કરવાની ક્ષમતા ધરાવે છે. હાલમાં અવાન્ગાર્ડ ક્રુઝ મિસાઇલ સામે રક્ષણ આપી શકે તેવી કોઈ મિસાઇલ ડિફેન્સ સિસ્ટમ ઉપલબ્ધ નથી કારણ કે આ મિસાઇલ અવાજની ઝડપ કરતાં ૨૦ ગણી વધારે સ્પીડથી નિશાન પર હુમલો કરે છે. સરમાત અને અવાનગાર્ડ, રશિયન લશ્કરમાં ૨૦૨૦ સુધીમાં સામેલ કરવામાં આવશે. આ મિસાઇલ રશીયાનાં જુનાં મિસાઇલને ’હિલયર્ડ’ કરી મુકશે. વાતાવરણની ઉપલી સપાટી પર ભાગતું મિસાઇલ અનેક ઝડપી વળાંક અને માર્ગ બદલી કરી શકે છે જેથી કોઈ પણ મિસાઇલ ડિફેન્સ સીસ્ટમ તેને આંટી ના શકે. જેમાં ગાઈડન્સ માટે અત્યાધુનિક ય્‌ઁજી સીસ્ટમ લગાડેલી છે.મિસાઇલની ઝડપ એટલી હાઈપર સોનીક છે કે આવા મિસાઇલ પર પરંપરાગત બોમ્બ લગાવવા હોય તો પણ મોટુ નુકશાન પહોંચાડી શકે. અવાન્ગાર્ડ ક્રુઝ મિસાઇલ સિવાય રશીયા પાસે અવાજની ઝડપ કરતાં દસ ગણી ઝડપે નિશાન પર ત્રાટકે એવું ’કિન્ઝાલ’ મિસાઇલ છે. જેને મિગ-૩૧ ફાઈટર જેટ પ્લેન પરથી પણ છોડી શકાય છે. જેનાં પર પરમાણુ શસ્ત્ર કે પરંપરાગત શસ્ત્ર ફીટ કરી શકાય છે. વિશ્વનાં ટોપનાં મિસાઇલની વાત જાણી આપણને ગર્વ થાય કે તેનાં પુર્વજોને ’ભારતે’ પેદા કર્યા હતાં.

 

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here