ભારતમાં કોરોના નહીં ટીબી જ હજુ સૌથી વધુ ઘાતકઃ કેન્દ્રિય આરોગ્ય મંત્રાલયનો રિપોર્ટ

0
10
Share
Share

ન્યુ દિલ્હી,તા.૨૫

ભારતમાં વર્ષ ૨૦૧૯માં ટીબીના કુલ ૨૪ લાખ નવા કેસ સામે આવ્યા છે. જેની સાથે ૭૯૦૦૦ લોકોના ટીબીથી મોત થયા છે. જોકે આ આંકડો વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન દ્વારા અનુમાન કરવામાં આવેલ આંકડા કરતા ઓછો છે પરંતુ તેમ છતા દેશમાં કોરોના વાયરસનો ભોગ બનનાર લોકોની સંખ્યા કરતા ઘણો વધારે છે. જો આંકડાને ત્રિમાસિક આધારે ભાગ પાડવામાં આવે તો ટીબીથી પ્રત્યેક ત્રિમાસિકીમાં લગભગ ૨૦૦૦૦ જેટલા લોકો મૃત્યુ પામ્યા છે. જ્યારે કોરનાથી છેલ્લા ૩ મહિના અને ૧૫ દિવસમાં માત્ર ૧૫૦૦૦ લોકોના મોત થયા છે.

૨૦૧૯માં નોંધાયેલા ટીબીના ૨૪ લાખ કેસ ૨૦૧૮ની સરખામણીએ ૧૧ ટકા વધારે છે. જે આંકડો વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન દ્વારા અંદાજીત આપવામાં આવેલ આંકડા ૨૬.૯ લાખની ખૂબ જ નજીક છે. સત્તાવાર નોંધાયેલા અને અંદાજીત કેસ વચ્ચેના તફાવતને મોટાભાગે ‘મિસિંગ મિલયન’ તરીકે ઓળખાય છે. જે ૨૦૧૭માં અંદાજે ૧૦ લાખ જેટલો હતો પરંતુ ૨૦૧૯માં આ મિસિંગ મિલિયન આંકનો તફાવત ફક્ત ૨.૯ લાખ રહ્યો છે. કેન્દ્રિય આરોગ્ય મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલ વાર્ષિક ટીબી રિપોર્ટમાં સામે આવ્યા છે.

આ અહેવાલ મુજબ ૨૦૧૯માં ટીબીના કારણે કુલ ૭૯૧૪૪ લોકોના મોત થયા છે. જે વિશ્વ આરોગ્ય સંસ્થા દ્વારા અંદાજ કરવામાં આવેલ કુલ ૪.૪ લાખ મૃત્યુઆંક કરતા ઘણો ઓછો છે જે એક રાહતની બાબત છે. વર્ષ ૨૦૧૯માં પ્રાઈવેટ સેક્ટરમાંથી નોંધાયેલા ટીબીના કેસમાં ૩૫ ટકાનો વધારો થયો છે. ૬.૮ લાખ દર્દીઓ પ્રાઈવેટ સેક્ટર તરફથી નોંધવામાં આવ્યા છે. જે ૨૦૧૯ના કુલ કેસના ૨૮ ટકા જેટલા છે. મંત્રાલયના અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે આમ થવા પાછળનું કારણ પ્રાઈવેટ સેક્ટર માટે ટીબીના દર્દીઓની સરકારી ડેટાબેઝમાં ફરજિયાત નોંધણી, પ્રાઈવેટ પ્રોવાઇડર સપોર્ટ એજન્સી જેવા પ્રોગ્રામના કારણે પ્રાઈવેટમાં દાખલ થતા આવા દર્દીઓનો આંકડો પણ સામે આવ્યો છે.

દેસમાં ટીબીની સારવાર માટે લેવામાં આવેલ પગલાથી ૨૦૧૯માં ૮૧ ટકા દર્દીઓ જેમનો ટીબી રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે તેમને સારવાર મળી છે. જે ૨૦૧૮માં ફક્ત ૬૯ ટકા દર્દીઓને જ મળી હતી. કેન્દ્રિય આરોગ્ય પ્રધાન હર્ષ વર્ધને કહ્યું કે દેશ ૨૦૨૫ સુધીમાં ટીબીની સંપૂર્ણ નાબૂદી માટેના પોતાના લક્ષ્ય તરફ આગળ વધી રહ્યો છે. ટીબીના કેસની સંખ્યામાં ૨૦૧૯માં ઉત્તરપ્રદેશ, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, રાજસ્થાન અને બિહારમાં વધુ કેસ જોવા મળ્યા છે. જ્યારે ૫૦ લાખ કરતા વધુ વસ્તી ધરાવતા રાજ્યો પૈકી ગુજરાત, આંધ્રપ્રદેશ અને હિમાચલ પ્રદેશ આ ત્રણ રાજ્યોએ ટીબીને કંટ્રોલ કરવામાં ખૂબ જ સારું પ્રદર્શન કર્યું છે.

 

 

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here