ચંડીગઢ,તા.૨૯
હરિયાણા ભાજપના નેતા અને ભૂતપૂર્વ મુખ્ય સંસદીય સચિવ રામપાલ માજરાએ કેન્દ્ર સરકારના નવા કૃષિ કાયદાઓનો વિરોધ કરી રહેલા ખેડૂતો સાથે એકજૂટતા દર્શાવવા પક્ષમાંથી રાજીનામું આપ્યું હતું.
તેમણે પત્રકારોને કહ્યું કે હું આ કાયદાઓનો વિરોધ કરનારા ખેડૂતોની સાથે સંપૂર્ણ રીતે ઉભો છું. મને લાગે છે કે આ કાયદા માત્ર ખેડૂત વિરોધી જ નથી પરંતુ જો તેનો અમલ કરવામાં આવે તો તેનો સમાજના અન્ય વર્ગ પર પણ વિપરીત પ્રભાવ પડે છે. તેમણે પુષ્ટિ કરી હતી કે નવા કૃષિ કાયદાઓને લઈને તેમણે ભાજપમાંથી રાજીનામું આપી દીધું છે.
ત્રણ વખતના ધારાસભ્ય રહી ચૂકેલા એવા માજરાએ આઈએનએલડી છોડીને ૨૦૧૯ ની વિધાનસભાની ચૂંટણી પૂર્વે જ ભાજપમાં જોડાયા હતા. ગયા વર્ષે સપ્ટેમ્બરમાં, તેમણે કેન્દ્રના કૃષિ કાયદાને ખેડૂત વિરોધી ગણાવ્યા હતા. તેમણે કહ્યું હતું કે ન્યૂનતમ ટેકાના ભાવ (એમએસપી) અંગેની આશંકાઓ નિરાધાર નથી.